જો કે, કોંગ્રેસ પાર્ટી આ બેઠક અંગે સસ્પેન્સ યથાવત રાખીને છેલ્લી ઘડીએ નિર્ણય કરે તેવી સંભાવના
લોકશાહીના મહાપર્વ લોકસભાની ચૂંટણી ચરમસીમાએ પહોચી છે. અને આવતીકાલે ત્રીજા તબકકામાં ૧૩ રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશની ૧૧૫ બેઠકો માટે મતદાન યોજાનારૂ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતક્ષેત્ર વારાણસીમાંથી પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ પાર્ટી મેદાનમાં ઉતારશે કેકેમ? તે મુદે હજુ પણ સસ્પેન્શન છવાયેલું છે. ત્યારે ગઈકાલે વાયનાડમાંથી બે દિવસનો ચૂંટણી પ્રચાર પૂર્ણ કરી પરત ફરી રહેલા પ્રિયંકાગાંધીએ આ મુદે જણાવ્યું હતુ કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી કહેશે તો તેઓ વારાણસીથી લડવા સજજ છે. વડાપ્રધાન મોદીને તેમના મતક્ષેત્રમાં પ્રિયંકા જેવા દિગ્ગજ ઉમેદવારને ઉતારી કોંગ્રેસ તેમને ઘેરવા તૈયારી કરી રહી છે. પરંતુ પ્રિયંકાની ઉમેદવારી અંગે સસ્પેન્સ યથાવત રાખીને છેલ્લી ઘડીએ ચૂંટણી મેદાનમાં ઉતારાશે તેવુય મનાય રહ્યું છે.
તાજેતરમાં રાજકારણમાં સક્રિય થઈને કોંગ્રેસના મહામંત્રી પદે વરાયેલા પ્રિયંકાગાંધીને પૂર્વીય ઉત્તરપ્રદેશનો હવાલો સોંપવામાં આવ્યો છે. સ્વ. વડાપ્રધાન ઈન્દીરા ગાંધી જેવું કરિશ્માઈ વ્યકિતત્વ ધરાવતા પ્રિયંકા ગાંધી સક્રિય થવાથી ઉતર પ્રદેશમાં કોંગ્રેસની તળીયે ગયેલી તાકાતમાં વધારો થવા પામ્યો છે. પ્રિયંકા રાહુલ ગાંધીની પરંપરાગત બેઠક અમેઠી અને સોનિયા ગાંધીની પરંપરાગત બેઠક રાયબરેલીમાં ચૂંટણી પ્રચાર કાર્યનો દોર સંભાળી રહ્યા છે. રાહુલે કેરલના વાયનાડની બીજી બેઠક પર ચૂંટણી લડવાનો નિર્ણય કરતા પ્રિયંકાઆ બેઠક પર પ્રચાર કાર્ય હાથ ધર્યું હતુ વાયનાડમાં સતત બે દિવસ રોકાઈને પ્રચારકાર્ય સંભાળ્યું હતુ.
વડાપ્રધાન મોદીને તેમની વારાણસી બેઠક પર સીધો પડકાર ફેંકવા કોંગ્રેસનું એક જુથ પ્રિયંકા ગાંધીને ચૂંટણી જંગમાં ઉતારવા માંગ કરી રહ્યું છે. આ જુથની એવી લાગણી છે કે મોદી સામે ચૂંટણી લડવા માટે પ્રિયંકા અસરકારક અને શ્રેષ્ઠ ઉમેદવાર છે. પ્રિયંકા મોદી સામે ઉમેદવારી કરશે તો આ ચૂંટણી જંગ રસપ્રદ બનશે અને સમગ્ર ઉત્તરપ્રદેશ કોંગ્રેસી નેતાઓ, કાર્યકરોમાં ભાજપ સામે લડવાનો નવો જોમ જુસ્સોઆવશે. ઉપરાંત વડાપ્રધાન મોદીએ પણ પોતાની બેઠક પર વધારે ધ્યાન આપવું પડશે. જેથી તેઓને દેશમા અન્યત્ર પ્રચાર કરવાનો ઓછો સમય મળશે. જેનાથી કોંગ્રેસને ફાયદો થવાનો તર્ક પણ આપવામાં આવી રહ્યો છે.
જયારે કોંગ્રેસનું એક જુથ વારાણસી બેઠક પર વડાપ્રધાન મોદી સામે પ્રિયયકાને લડાવવાએ હારી ગયેલી લડાઈ લડવા પાર્ટીના મુખ્ય નેતાને ઉતારવા જેવી બાબત સમાન ગણાવીને વિરોધ કરી રહ્યા છે. આ જુથનું માનવું છે કે વારાણસી બેઠકપર હાલની સ્થિતિ જોતા મોદીનો વિજય નિશ્ચિત છે. તેઓ કેટલી બહુમતીથી જીતે તે પ્રશ્ન છે. એવી સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટીના મુખ્ય નેતાને ઉતારીને લડાવવાથી તેમની હાર નિશ્ચિત જ છે. પ્રિયંકા જો મોટી લીડથી હારે તો કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોમાં ખરાબ અસર થવાની સાથે મતદારોમાં ઉભી થયેલી તેમની રાષ્ટ્રીય નેતાની છાપ ધુંધળી થવાની સંભાવના છે. મતદારોમાં ઉભી થયેલી આ ચૂંટણી છાપ પ્રિયંકા ગાંધીને ભવિષ્યનાં રાજકારણમાં નડતરરૂપ થાય તેવો પણ તર્ક આપવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસમાં ચાલતા સસ્પેન્શન વચ્ચે કેરલના વાયનાડમાં બે દિવસનો ચૂંટણી પ્રચાર પૂર્ણ કરીને પરત ફરી રહેલા પ્રિયંકાએ જણાવ્યું હતુ કે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પોતાના ભાઈ રાહુલ ગાંધી આદેશ કરશષ તો પોતે વારાણસીથી ચૂંટણી લડવા તૈયાર છે. પ્રિયંકાના આ નિવેદન અંગે પાર્ટીના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતુ કે આ મુદે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. હાલમાં પાર્ટી દ્વારા વારાણસી બેઠક પર કોંગ્રેસની સ્થિતિ અંગેનો આંતરીક સર્વે ચાલી રહ્યો છે. જે બાદ આખરી નિર્ણય લેવાશે. ઉત્તરપ્રદેશમાં વિપક્ષી ગઠ્ઠબંધન કરનારા સપા-બસપા પણ વારાણસીથી પ્રિયંકા ગાંધી લડે તો પોતાનો ઉમેદવાર નહી ઉતારે તેવી શકયતા છે.
વારાણસી બેઠક સમાજવાદી પાર્ટીના ફાળે વિપક્ષી ગઠ્ઠબંધનમાં થયેલા નિર્ણય મુજબ આવી છે. આ બેઠક પર સમાજવાદી પાર્ટીએ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી નથી. જોકે, આ બેઠક પર પ્રિયંકાની ઉમેદવારી અંગે કોંગ્રેસ પાર્ટી સસ્પેન્સ યથાયત રાખીને છેલ્લી ઘડીએ નિર્ણય કરે તેવી સંભાવનાઓ રાજકીય પંડિતો નિહાળી રહ્યા છે.