સોમવારે સવારથી જ તમામ બસો કલેકટર તંત્રને સોંપી દેવાશે
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આડે હવે માત્ર ત્રણ દિવસ જ બાકી રહ્યા છે. ત્યારે તંત્રએ ચૂંટણીને લગતી તમામ આખરી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્રએ પણ તા.૨૩ની લોકસભા ચૂંટણી અનુસંધાને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સ્ટાફનું ફાઈનલ રેન્ડમાઈઝેશન, પણ તા.૨૨મીએ થઈ જનાર છે.
રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી માટે ફરજ બજાવનારા ૯ હજારથી વધુ સરકારી કર્મચારીઓ અને ઈ.વી.એમને શહેર જિલ્લાનાં જુદા જુદા બુથો સુધી પહોચાડવા માટે ચૂંટણી તંત્ર દ્વારા રાજકોટ એસ.ટી. વિભાગની ૨૨૦ બસો રોકી લેવામાં આવનાર છે. રાજકોટ એસ.ટી. વિભાગનાં જુદા જુદા ડેપોમાંથી આ તમામ બસો લેવામાં આવનાર છે.રાજકોટ એસ.ટી. વિભાગનાં ડી.સી. દિનેશ જેઠવાએ આ અંગે વિગતો આપતા જણાવેલ હતુ કે રાજકોટ એસ.ટી. વિભાગ ચૂંટણી ફરજ માટે કલેકટર તંત્રને ૨૨૦ બસો ફાળવનાર છે.
આ તમામ બસોને ફાળવણી આગામી તા.૨૨ ને સોમવારે સવારમાં કલેકટર તંત્રને કરી દેવામાં અવશે. અને ક્રમશ: દરેક રૂટો ઉપર બસ રવાના થઈ જશે.અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ એસ.ટી. વિભાગ ૨૨૦ જેટલી મોટી સંખ્યામાં બસો ફાળવી દેનાર હોય તા.૨૨ અને ૨૩ દરમ્યાન સૌરાષ્ટ્ર-કચ્છનાં ગ્રામ્ય સહિતનાં અને રૂટો કેન્સલ થશે જેના કારણે આમ જનતાને હેરાનગતી ભોગવવી પડશે.