રોકડ, સીસીટીવીનું ડીવીઆર, પરચુરણ ચીજવસ્તુ મળી રૂ.૧.૧૭ લાખની મત્તાનો તસ્કરોએ કર્યો હાથફેરો
ગોંડલ રોડ પર આવેલા એસટી વર્કસ સોપ પાસેના ક્રિસ્ટલ કોમ્પ્લેક્ષમાં એક સાથે ચાર દુકાનને તસ્કરોએ નિશાન બનાવી શટર ઉચકી રોકડ, સીસીટીવીનું ડીવીઆર અને પરચુરણ ચીજવસ્તુ મળી રૂ.૧.૧૭ લાખની મત્તા ચોરી ગયાની માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નાના મવા નજીક આવેલી શ્યામલ વિહાર સોસાયટીમાં રહેતા રોહિતભાઇ ભૂપતભાઇ માવાણીએ ક્રિસ્ટલ કોમ્પ્લેક્ષમાં આવેલી પોતાની પ્રાઇમ સેલ્સ નામની દુકાન સહિત ચાર દુકાનમાં રૂ.૧.૧૭ લાખની મત્તાની ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે.
રોહિતભાઇ માવાણી પોતાની દુકાન બંધ કરી બે દિવસ પહેલાં ઘરે જતા રહ્યા બાદ સવારે દુકાને ગયા ત્યારે શટર વળેલી હાલતમાં જોવા મળ્યું હતું અને દુકાનમાં ચીજ-વસ્તુ વેર વિખેર જોવા મળતા માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.
ક્રિસ્ટલ કોમ્પ્લેક્ષમાં તપાસ કરતા પોતાની બાજુમાં મુસ્તુફા ફિરોજભાઇ કાચવાલાની યુનિર્વસલ ગ્લાસ, વિજયભાઇ દુદાણીની એમ.વી.એન્ટરપ્રાઇઝ અને નિકુંજભાઇ ગજેરાની પી.એન. વેલ્ડીંગ નામની દુકાનમાં પણ ચોરી થયાનું બહાર આવ્યું હતું.
રોહિતભાઇ માવાણીની પ્રાઇમ સેલ્સ દુકાનમાંથીરૂ.૪૬ હજારની રોકડ સાથેની બેગ અને રૂ.૭ હજારની કિંમતનું ડીવીઆર, મુસ્તુફા કાચવાલાની યુનિવર્સલમાંથી રૂ.૬ હજારની રોકડ સાથેની બે ધર્માદા પેટી, વિજયભાઇ દુદાણીની એમ.વી.એન્ટર પ્રાઇઝમાંથી રૂ.૬ હજાર રોકડા અને રૂ.૩૨ હજારની કિંમતનો ૮૦ કિલો બ્રાસપાર્ટનો સામાન અને રૂ.૪ હજારની કિંમતનું ટેબલેટ ચોરાયા હતા જ્યારે નિકુંજભાઇ ગજેરાની પી.એન. વેલ્ડીંગ નામની દુકાનમાંઓથી રૂ.૧૮ હજારની કિંમતનું વેલ્ડીંગ મશીન ચોરી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે. માલવીયાનગર પોલીસે રોહિતભાઇ માવાણીની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધી પી.એસ.આઇ. જે.કે.પાંડાવદરા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.