રાજકોટ અને પડધરી તાલુકાનું કુલ વાવેતર ગત વર્ષની સાપેક્ષે ૧૮૦ ટકા વધ્યુ: પાણીની અછત હોવા છતાં વાવેતરમાં થયેલા વધારા પાછળ ગત શિયાળુ પાકનું નિષ્ફળ વાવેતર અને ડેમના તળ જીવતા હોવાનું કારણ જવાબદાર
તલ, ડુંગળી અને શાકભાજીના વાવેતરમાં પણ નોંધપાત્ર ઘટાડો, ઘાસચારો અને મકાઈનું વાવેતર વધ્યુ: જિલ્લાનું કુલ વાવેતર ૧૧૭૯ હેકટર ઘટયું
રાજકોટ જિલ્લાના ઉનાળુ વાવેતરમાં ગત વર્ષની સાપેક્ષે ૧૧૭૯ હેકટરનો ઘટાડો નોંધાયો છે. ઉપરાંત જિલ્લામાં મગફળીના વાવેતરમાં પણ ૭૫ ટકાનો ધરખમ ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. સાથે તલ, ડુંગળી અને શાકભાજીનું વાવેતર પણ ઘટયું છે. જયારે ઘાસચારો અને મકાઈના વાવેતરમાં વધારો નોંધાયો છે. તાલુકા વાઈઝ જોઈએ તો પાણીના વિકરાળ પ્રશ્ન વચ્ચે પણ રાજકોટ અને પડધરી તાલુકાનું વાવેતર ગત વર્ષની સાપેક્ષે ૧૮૦ ટકા જેટલું વધ્યું છે. પાણીની અછત હોવા છતાં વાવેતરમાં થયેલા વધારા પાછળ ગત શિયાળુ પાકનું નિષ્ફળ વાવેતર અને ડેમના તળ જીવતા હોવાનું કારણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.
રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૧૮માં ઉનાળુ પાકનું વાવેતર ૭૮૩૦ હેકટરમાં થયું હતું. જયારે વર્ષ ૨૦૧૯માં આ વાવેતર ઘટીને ૬૬૫૧ હેકટરે પહોંચ્યું છે. રાજકોટ, પડધરી અને વિંછીયા તાલુકાને બાદ કરતા તમામ તાલુકાઓમાં ગત વર્ષની સાપેક્ષે ઉનાળુ વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. રાજકોટ તાલુકામાં ૭૨૦ હેકટર, પડધરી તાલુકામાં ૫૮૬ હેકટર અને વિંછીયા તાલુકામાં ૩૭ હેકટરનો વાવેતરમાં વધારો નોંધાયો છે.
જયારે જસદણમાં ૧૮૨, જેતપુરમાં ૩૯૮, ધોરાજીમાં ૭૩, ઉપલેટામાં ૩૪૩, જામકંડોરણમાં ૩૬૦, ગોંડલમાં ૪૨૯, કોટડા સાંગાણીમાં ૫૭૩ અને લોધીકામાં ૧૬૪ હેકટરનો ઘટાડો નોંધાયો છે. સામાન્ય રીતે રાજકોટ જિલ્લામાં પાણીનો વિકરાળ પ્રશ્ર્ન છે તેમ છતાં રાજકોટ અને પડધરી તાલુકામાં ઉનાળુ વાવેતરમાં વર્ષ ૨૦૧૯માં નોંધપાત્ર આશ્ચક વધારો નોંધાયો છે. જેની પાછળ અનેકવિધ કારણો જવાબદાર છે. જેમાં મુખ્ય શિયાળુ પાકનું નિષ્ફળ વાવેતર અને અનેક જગ્યાએ ડેમતા તળ જીવતા હોવાનું કારણ જવાબદાર છે.
સામાન્ય રીતે ખેડૂતો શિયાળુ વાવેતર સારૂ જાય તો ઉનાળુ વાવેતર કરતા હોતા નથી. કારણ કે, શિયાળામાં પાકનું ઉત્પાદન વધતા ઉનાળુ વાવેતર કરવાનો સમય ખેડૂતો પાસે રહેતો નથી પરંતુ જો શિયાળુ પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને નાછુટકે ઉનાળુ વાવેતર પર વધારે વજન આપવું પડતું હોય છે. આવી રીતના રાજકોટ અને પડધરી તાલુકામાં શિયાળુ પાક નિષ્ફળ ગયો હોય ખેડૂતો ઉનાળુ પાક તરફ વળ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉપરાંત પડધરી અને રાજકોટ તાલુકાના અનેક ડેમોના તળ જીવતા હોવાથી ડેમને નજીક આવેલા ખેતરોમાં પાણી મળી રહેતુ હોય તેથી ઉનાળુ વાવેતર વધ્યું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
રાજકોટ જિલ્લામાં ગત વર્ષની સાપેક્ષે આ વર્ષે મગફળીના વાવેતરમાં ૭૫ ટકાનો ધરખમ વધારો નોંધાયો છે. વિગતવાર જોઈએ તો જિલ્લામાં મકાઈમાં ૧૫૭, મગમાં ૨૩, મગફળીમાં ૮૭૬, શેરડીમાં ૭૧ અને ઘાસચારામાં ૩૨૭ હેકટર વાવેતરનો વધારો થયો છે. જયારે બાજરીમાં ૪૩, અડદમાં ૪૦, તલમાં ૩૨૩, ડુંગળીમાં ૧૮૦ હેકટર ઘટાડો નોંધાયો છે. તલ, ડુંગળી અને શાકભાજીના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો થતાં તેના ભાવ પણ વધે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. ઉપરાંત જિલ્લામાં ગત વર્ષે સક્કરટેટીનું ૧૧ હેકટર, તરબુચનું ૮૩ હેકટર અને દાડમનું ૨ હેકટરમાં વાવેતર થયું હતું. જયારે આ વર્ષે આ ત્રણેય ફળનું વાવેતર નહીંવત થયું હોવાનું જાણવા મળ્યું છે.
તાલુકા પ્રમાણે વાવેતરની તુલના (હેકટરમાં)
તાલુકાનું નામ | વર્ષ ૨૦૧૮ | વર્ષ ૨૦૧૯ | વધારો/ઘટાડો |
રાજકોટ | ૪૭૭ | ૧૧૯૭ | વધારો ૭૨૦ |
જસદણ | ૫૧૯ | ૩૩૭ | ઘટાડો ૧૮૨ |
પડધરી | ૨૪૮ | ૮૩૪ | વધારો ૫૮૬ |
વિંછીયા | ૨૪૦ | ૨૭૭ | વધારો ૩૭ |
જેતપુર | ૭૮૫ | ૩૮૭ | ઘટાડો ૩૯૮ |
ધોરાજી | ૬૮૦ | ૬૦૭ | ઘટાડો ૭૩ |
ઉપલેટા | ૧૬૬૫ | ૧૩૨૨ | ઘટાડો ૩૪૩ |
જામકંડોરણા | ૬૪૦ | ૨૮૦ | ઘટાડો ૩૬૦ |
ગોંડલ | ૧૩૧૦ | ૮૮૧ | ઘટાડો ૪૨૯ |
કોટડા સાંગાણી | ૭૯૦ | ૨૧૭ | ઘટાડો ૫૭૩ |
લોધિકા | ૪૭૬ | ૩૧૨ | ઘટાડો ૧૬૪ |
પાક પ્રમાણે વાવેતરની તુલના (હેકટરમાં)
પાક | વર્ષ ૨૦૧૮ | વર્ષ ૨૦૧૯ | વધારો/ઘટાડો |
બાજરી | ૨૭૩ | ૨૩૦ | ૪૩ ઘટાડો |
મકાઈ | ૨૨ | ૧૭૯ | ૧૫૭ વધારો |
મગ | ૧૭૮ | ૨૦૧ | ૨૩ વધારો |
અડદ | ૮૧ | ૪૧ | ૪૦ ઘટાડો |
મગફળી | ૧૧૫૯ | ૨૮૩ | ૮૭૬ ઘટાડો |
તલ | ૧૧૮૫ | ૮૬૨ | ૩૨૩ ઘટાડો |
ડુંગળી | ૩૦૭ | ૧૨૭ | ૧૮૦ ઘટાડો |
શેરડી | ૨૧ | ૯૨ | ૭૧ વધારો |
શાકભાજી | ૧૫૪૬ | ૧૩૪૭ | ૧૯૯ ઘટાડો |
ઘાસચારો | ૨૯૬૨ | ૩૨૮૯ | ૩૨૭ વધારો |
સકરટેટી | ૧૧ | ૦ | ૧૧ ઘટાડો |
તરબુચ | ૮૩ | ૦ | ૮૩ ઘટાડો |
દાડમ | ૨ | ૦ | ૨ ઘટાડો |