વઢવાણના બલદાણા ગામે આજે સવારે યોજાયેલી કોંગ્રેસની જનઆક્રોશ સભામાં હાર્દિક પટેલ સાથે લાફાવાળી થઈ હતી. જેમાં એક યુવક હાર્દિક પટેલ પર તમાચો મારી દેતા હોબાળો મચી ગયો હતો. ઘટના બાદ સ્થાનિક મહિલાઓ અને ગ્રામજનોએ લાફો મારનાર યુવકને બરેહમીથી માર માર્યો હતો.
હાર્દિક પટેલને લાફો મારનાર યુવક તરૂણ ગજ્જર હોવાનું જાણવા મળ્યું છે. તે કડીના જેસલપુર ગામનો રહેવાસી છે.
હાર્દિક જ્યારે સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યો હતો ત્યારે એક શખ્સ સ્ટેજ પર ચડી ગયો હતો અને હાર્દિકને લાફો માર્યો હતો. અચાનક જ લાફાવાળી થતાં હાર્દિક હેબતાઈ ગયો હતો. ઘટના બાદ સ્થાનિકોએ હાર્દિકને લાફો મારનારની બેફામ ધોલાઈ કરી હતી. પોલીસની હાજરીમાં જ ટોળાએ યુવાનને ઢોર માર માર્યો હતો.
લોકો એટલી હદે માર માર્યો હતો કે યુવાનના કપડાં ફાટી ગયા હતા. પોલીસ જ્યારે તેને હોસ્પિટલ લઈ જવા ગાડીમાં બેસાડતી હતી ત્યાં સુધી તેને માર માર્યો હતો. પોલીસની હાજરી હોવાછતાં તેને માંડમાંડ બચાવી હોસ્પિટલ ખસેડ્યો હતો.