સરકારી જાહેર રજાનો લાભ લઈ કોઈ અજાણ્યા શખ્સે લીમડાને વેતરી નાખતા પર્યાવરણપ્રેમીઓમાં ભારે નારાજગી: તપાસ કરાશે તેવો કોર્પોરેશનનો બિબાઢાળ જવાબ
શહેરનાં ગ્રીનરી ઓછી હોવાનાં કારણે ઉનાળાનાં દિવસોમાં અનેક વખત રાજકોટ રાજયનું સૌથી ગરમ શહેર બની રહે છે. એક તરફ રાજકોટમાં પર્યાપ્ત માત્રામાં વૃક્ષો નથી તો બીજી તરફ મહાપાલિકા તંત્રની લાપરવાહીનાં કારણે લોકો આડેધડ વૃક્ષો કાપી રહ્યા છે. શહેરના વોર્ડ નં.૭માં મનહર પ્લોટ વિસ્તારમાં રાજકોટ પીપલ્સ કો.ઓપરેટીવ બેંક લીમીટેડના દરવાજા પાસે લીમડાના બે વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા હતા. જોકે કોર્પોરેશનનો ગાર્ડન વિભાગ આ સમગ્ર ઘટનાથી અજાણ છે.
શહેરનાં મનહર પ્લોટ વિસ્તારમાં રાજકોટ પીપલ્સ બેંક પાસે આજે સવારે કોઈ અજાણ્યા શખ્સોએ લીમડાના બે વૃક્ષોને કાપી નાખ્યા હતા. આ કાપેલા લીમડાના લાકડા પણ એક રીક્ષામાં ભરીને લઈ ગયા હતા. આ અંગે કોર્પોરેશનના ગાર્ડન શાખાના વડા ડો.કે.ડી.હાપલીયાને પુછપરછ કરવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, મનહર પ્લોટમાં લીમડાના બે વૃક્ષ કાપી નાખવામાં આવ્યા હોવાના વાતની મને કોઈ જ ખબર નથી. હમણાં હું તપાસ કરાવું છું.
લીમડાના બે વૃક્ષને આડેધડ કાપી નાખવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે નારાજગી વ્યાપી જવા પામી છે. શહેરમાં છાશવારે વૃક્ષો કાપી નાખવામાં આવે છે છતાં કોર્પોરેશનનાં નિર્ભર તંત્રને આ વાતની ખબર હોતી નથી તે પણ એક તપાસ માંગી લેતો વિષય છે.