તારીખ પે તારીખ
રાજકોટ આર.ટી.ઓ. કચેરી ખાતે હાલ રોજે માત્ર ૨૦ થી ૨૫ જ જૂના વાહનોમાં નંબર પ્લેટ ફીટ થાય છે: શહેર જિલ્લામાં હજુ ૩૧૧ લાખ, અને રાજયભરમાં ૧,૨૬ કરોડથી વધુ જૂના વાહનો હાઈ સિકયુરીટી નંબર પ્લેટ વિનાના !
છેલ્લા કેટલાક વર્ષોથી રાજયમાં નવા ઉપરાંત તમામ પ્રકારનાં જૂના વાહનો માટે એચ.ર્અસ.આર.પી. (હાઈસિકયુરીટી નંબર પ્લેટ) લગાડવી ફરજીયાત બનાવાઈ છે. જો, કે સરકારનાં આ પ્રોજેકટ ને હજુ જોઈએ તેટલી સફળતા મળી નથી. રાજકોટ સહિત રાજયભરમાં આજની તારીખે પણ કરોડ ઉપરાંત જૂના વાહનો હજુ પણ નવી નંબર પ્લેટ વિના દોડે છે. ત્યારે સરકાર દ્વારા નવી નંબર પ્લેટ લગાડવા માટે વારંવાર મુદતો આપવા છતા પણ લોકો પોતાના જૂના વાહનોમાં એચ.એસ. આર.પી. લગાડવા માટે હજુ પણ ઉદાસીન જ છે. જેથી હવે રાજયમાં હાઈસિકયુરીટી નંબર પ્લેટ સામે જોખમ ઉભુ થવા લાગ્યાનો ઘાટ ઘડાયો છે.
તાજેતરમાં જ સરકાર દ્વારા નવી નંબર પ્લેટ ફીટ કરાવવા માટે લોકોને આઠમી વખત જુલાઈ માસ સુધીની મુદત આપી છે. અને વધુ એક વખત આ મુદત વધતા રાજકોટ સહિત રાજયનાં દરેક જિલ્લાઓમાં ફરી જૂના વાહન ધારકો તદન નિષ્ક્રિય બની ગયા છે. અને આ નંબર પ્લેટ, માટે હજુ પણ મુદતો આવ્યે જ કરશે તેવી વૃત્તિ સાથે તેના વાહનોમાં નવી નંબર પ્લેટ લગાડવા માટે આર.ટી.ઓ કચેરીએ જવાનું ટાળી રહ્યા છે.
રાજકોટ શહેર અને જિલ્લાની જ વાત કરીએ, તો જયારે જૂના વાહનો માટે એચ.એસ.આર.પી. ફરજીયાત બનાવાઈ ત્યારે, રાજકોટ આર.ટી.ઓ કચેરી ખાતે દૈનિક ૪૦૦થી ૫૦૦ જેટલા જૂના વાહનોમાં નવા નંબર પ્લેટ ફીટ થતી હતી પરંતુ જેમ જેમ મુદત વધતી ગઈ છે. તેમ તેમ લોકો ઉદાસિન બનવા લાગ્યા છે. રાજકોટ આર.ટી.ઓ કચેરી ખાતે જ ખાસ કરીને છેલ્લા બે માસથી તો, જુનાવાહનોમાં નવી નંબર પ્લેટ, લગાડવાની પ્રક્રિયા એકદમ મંદ પડી ગઈ છે. અને જાગૃતિનો સદંતર અભાવ આવી ગયો છે.
આર.ટી.ઓ કચેરીનાં સુત્રોના જણાવ્યા મુજબ હાલ છેલ્લા બે માસથી આર.ટી.ઓ કચેરી ખાતે દૈનિક માત્ર ૨૦ થી ૨૫ જેટલા જ જૂના વાહન ધારકો, એચ.એસ.આર.પી. ફીટ કરાવવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન છ લાખ જેટલા જૂના વાહનોમાં નવી નંબર પ્લેટ ફીટ થઈ ગઈ છે. અને આજની તારીખે પણ હજુ ૩॥ લાખ જેટલા જૂના વાહનોમાં નવી નંબર પ્લેટ લગાવવાની બાકી છે.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાત રાજયમાં આજની તારીખે ૧,૨૨ કરોડથી વધુ જૂના વાહનોમાં નવી નંબર પ્લેટ ફીટ થઈ ગઈ છે. અને હજુ પણ ૧,૨૬ કરોડ થી વધુ જૂના વાહનો એચ.એસ.આર.પી. વિનાના દોડી રહ્યા છે.જો, કે હવે એવા એંધાણ છે કે ચૂંટણીઓ બાદ આ બાબતે તંત્ર હવે કડકાઈ દાખવશે અને વધુ મુદત કદાચ નહી મળે સમય મર્યાદા પૂરી થયે એચ.એસ.આર.પી. વિનાના ટુ વ્હીલરમાં રૂ.૨૦૦, થ્રી વ્હીલરમાં રૂ.૩૦૦ અને ફોર વ્હીલરમાં રૂ.૫૦૦નો દંડ રખાયો છે.
રાજકોટ આર.ટી.ઓની હાઈવે ચેકીંગ ઝુંબેશ હજુ પણ યથાવત
વધુ ૮૨ કેસો કરાયા: ૧૩ વાહનો ડિટેઈન: રૂ.૪.૨૭ લાખના દંડની વસુલાત
તાજેતરમાં રાજયનાં વાહન વ્યવહાર કમિશ્નરે આપેલી સૂચના મુજબ રાજકોટ જિલ્લા આર.ટી.ઓ તંત્ર દ્વારા પણ હાઈવે ઉપર પેસેન્જર અને માલવાહક ખાનગી વાહનોનું સઘન ચેકીંગ શરૂ કરવામાં આવેલ છે.
ચાલુ સપ્તાહનાં પ્રારંભે જ રાજકોટ આર.ટી.ઓ તંત્ર દ્વારા ૪૯ જેટલા વાહનો સામે જુદા જુદા પ્રકારનાં નિયમોનાં ભંગ બદલ દંડાત્મક કાર્યવાહી કરાઈ હતી. દરમ્યાન ગઈકાલે અને આજરોજ પણ આર.ટી.ઓ તંત્ર દ્વારા અમદાવાદ રોડ, મોરબી રોડ, ભરૂડીટોલનાકુ અને ગોંડલ રોડ ચોકડી ઉપર જુદી જુદી ટીમો મોકલી ટ્રકો બસો જેવા ખાનગી વાહનોનું ચેકીંગ કરાયું હતુ. આ ચેકીંગ દરમ્યાન આર.ટી.ઓનાં જુદા જુદા પ્રકારનાં નિયમોના ભંગ બદલ ૮૨ ખાનગી વાહનો સામે કેસો કરાયો હતા. અને ૧૩ વાહનોને ડિટેઈન કરી લેવાયા હતા. ઉપરાંત વાહનોનાં ધારકો પાસેથી રૂ૪,૨૭ લાખથી વધુ રકમનાં દંડની વસુલાત કરવામાં આવી હતી.