ચૂંટણી પહેલા અટકળો અને ઉત્તેજના: ભરીપીવા સોગઠાબાજી અને કાવાદાવા પરંતુ મતદારો ઉ૫ર જમદાર: હાર–જીતના જંગમાં મેદાન મારવા મરણીયા પ્રયાસ: એડીચોટીનું જોર અજમાવી લેવાં હવાતીયા: ચૂંટણી મતદાન પહેલાના હવેના સમયની એક એક પળ કિંમતી: મતદાર અને મતદારોને ખરીદવામાં વ્યકત લોકોના સૂચક મૌનથી પ્રતિ સ્પર્ધી રાજકીય પક્ષોની મુંઝવણ વધી: ધાર્મિકતા, દારૂની મહેફિલો અને ભજીયા – તવા પાર્ટીમાં મતદારોને ડૂબાવી રાખી પોતાના તરફી મતદાન કરવા પ્રેરતા આયોજનોમાં સમર્થકો મશગુલ
લોકસભા સાથે વિધાનસભાની પેટા ચુંટણીઓના મતદાનને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે મતદારોને રિઝવવા રાજકીય પક્ષોના માલદારોએ કમર કસી છે. શામ- દામ દંડ અને ભેદની રાજકીય કુનેહથી પોતાના પક્ષના ઉમેદવારોને જીતાડવા સમર્થકોએ સમય વર્તી સાવધાની રાખી દાવ-પેચ આરંભી દીધા છે.લોકસભાની દેશભરની ચૂંટણીમાં જુદા જુદા રાજયોમાં સ્થાનીક મુદ્દાઓ જીત-હાર માટે જવાબદાર બની રહેશે ત્યારે ગુજરાતની વાત કરીએ તો સ્થાનીક મુદ્દાઓનો પવન ફુંકાશે તો ભાજપની સાત બેઠક અને રાષ્ટ્રીય મુદ્દા છવાઇ તો બે જ બેઠક જશે કોંગ્રેસને બે-ત્રણ બેઠકમાં સફળતા મળે તેવી શકયતાઓ સેવાઇ રહીછે.
સ્થાનીક નેતાગીરીની ઓસરતી જતી લોકપ્રિયતાને કારણે હવે દરેક પક્ષોએ પ્રક્રિયા માટે લગભગ રાષ્ટ્રીય લેવલના નેતા ઉપર જ મદાર રાખવાનો વારો આવ્યો છે. ભાજપે નરેન્દ્ર મોદી અને કોંગ્રેસે રાહુલ ગાંધી ઉપર મહાર રાખ્યો છે.આમ જોઇએ તો આ વખતની ચુંટણી સ્થાનીક નહીં પરંતુ રાષ્ટ્રીય લેવલની નેતાગીરી અને કામગીરીના કારણે હારી-જીત શકાશે. મતદારો સ્થાનીક ઉમેદવારને ઓળખી-જાણીને નહી પરંતુ રાષ્ટ્રીય નેતાગીરી કામગીરીને જોઇને પોતાની પસંદગી કરી મતદાન કરશે તેવું લાગી રહ્યું છે.
સત્તા-સંપતિના જોરે ચુંટણીમાં નેતૃત્વ કરનાર ઉમેદવારોનું વ્યકિતગત જીવન દાગી હોય તો પણ જંગી બહુમતીથી ચૂંટણી જીત્યાના દાખલાઓ ઉપરથી કહી શકાય કે હવે મતદારો પક્ષનું નૈતૃત્વ કરનાર વ્યકિત-વિચારને જોઇને જ મતદાન કરે છે. મતદાર પોતાની સુજ-બુજ કે વિચાશકિતને નેવે મુકી ખરીદદારની કિંમતના આધારે પણ મતદાન પસંદગી કરતો થયો છે ત્યારે આવી માનસીકતા ધરાવતા મતદારોની મજબુરીને ખરીદવા ઉમેદવારોના સમર્થકો માલદારોએ આ ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને જીતાડવા એડીચોટીનું જોર લગાવ્યું છે.
રાજકારણ જયારે વ્યવસાય બની રહ્યું છે. ત્યારે પોતાના ઉમેદવારને ગમે તે ભોગે જીતાડવો તે તેમના સમર્થકો- માલદારો એ શામ દામ અને દંડની નીતિ અખત્યાર કરી છે.બસો પાંચસો રૂપિયાની લાલચે પોતાનો મતાધિકાર વ્હેચનાર લાલચુ મતદારોની મજબુરીનો લાભ લેવા ઉમેદવારોના સમર્થકો મેદાને પડયાં છે. સંસ્થાઓ સમાજો અને સોસાયટીઓના સહારે પોતાના સમર્થનમાં વધુને વધુ મતદાન થાય અને પોતાના સામે પક્ષે ઉતયેલા ઉમેદવારના સમર્થનમાં ઓછું મતદાન થાય તેના ચાહકો તેના તરફના મતદાનથી વંચિત રહે તેવાં પ્રયાસો, ધાર્મિક આયોજનો ખાણી પીણીની પાર્ટીઓ, ભેટ સોગાદો આપવાની સ્કીમોને આખરી ઓપ અપાઇ રહ્યો છે.
ચુંટણી તંત્રની ઉદાસીનતા કહો કે ખામી, હજુ ઘણાં મતદારોના નામ એવાં છે કે જેઓ મૃત્યુ પામ્યાં છે. અથવા તો બીજી જગ્યાએ સ્થળાંતર થયાં છે.આવા મતદારોએ પણ મતદાન કર્યુ હોવાનું બહાર આવતા આ મતદાર વગર એના નામનું કોણે મતદાન કરાવ્યું હશે તેવા પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે ત્યારે આવા મતદારનો લાભ લઇ યેનકેન પ્રકારે બોગસ મતદાન થતું હોય છે. તે વાત પણ નકારી શકાતી નથી.
મતદારોના મત નહીં પણ મજબુરીનો લાભ ઉઠાવવા ઉમેદવારોના સમર્થકો દ્વારા પોતાના સમર્થનમાં વધુ મતદાન થાય એ માટે મરણીયા પ્રયાસો પઇ રહ્યાં છે. આ વખતે અગાઉની ચૂંટણીઓ કરતાં વધુ મતદાન થાય તેવી પણ શકયતાઓ છે કારણ કે આ સમયે મતદારોને નડતાં એવાં કોઇ તહેવારો – પ્રસંગો કે બીન અનુકુળ સમય નથી. વધુ મતદાન થાય તો અમુક પક્ષ ચોકકસ વધુ બેઠક જીતે તેવાં ગણિત પણ આ વખતની ચુંટણીમાં રાજકીય ગણીતજ્ઞો માની રહ્યાં છે.