રવિચંદ્રન અશ્ર્વિન પોતાની શાનદાર રમતથી મેન ઓફ ધ મેચ ઘોષીત
ઈન્ડિયન પ્રિમીયર લીગ ૨૦૧૯ની ૩૨મી મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબે રાજસ્થાન રોયલ્સને ૧૨ રને હરાવ્યું હતું. ૧૮૩ રનનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સ ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવી ૧૭૦ રન જ કરી શકયું હતું. રોયલ્સ માટે રાહુલ ત્રિપાઠીએ સર્વાધીક ૫૦ રન નોંધાવ્યા હતા. પરંતુ તેને આ માટે ૪૫ બોલનો સામનો કર્યો હતો. તે સીવાય ટીમમાં રમી રહેલા સંજુ સેમસન, અંજીકય રહાણે અને જોશ બટલરે અનુક્રમે ૨૭, ૨૬ અને ૨૩ રન નોંધાવ્યા હતા.
જો કે, તેઓ તેના સ્ટાર્ટને મોટા સ્કોરમાં કનવર્ટ કરવામાં નિષ્ફળ નિવડયા હતા. ૭માં ક્રમે બેટીંગ કરવા આવેલા સ્ટુઅર્ટ બીનીએ ૧૧ બોલમાં ૨૨ રન કર્યા હતા પરંતુ ત્યાં સુધીમાં રનરેટ રાજસ્થાનની પહોંચથી ખુબજ દૂર થઈ ગઈ હતી. પંજાબ માટે અર્ષદીપસિંહ, મોહમદ શમી અને રવિચંદ્રન અશ્ર્વિને ૨-૨ વિકેટ લીધી હતી.
જયારે એમ.અશ્ર્વિને ૧ વિકેટ લીધી હતી. ૧૮૩ રનનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે ૧૦ ઓવરમાં એક વિકેટ ગુમાવી ૮૯ રન નોંધાવ્યા હતા. ત્યારે એવું પણ લાગી રહ્યું હતું કે, આ મેચ રાજસ્થાન રોયલ્સ જીતી જશે ત્યારે સંજુ સેમસન ૨૨ રને અને રાહુલ ત્રિપાઠી ૩૬ રને રમી રહ્યો હતો પરંતુ ત્યારબાદ પંજાબની ચુસ્ત બોલીંગના કારણે રાજસ્થાન રોયલ્સને ધીમી રમત રમવા પર મજૂર કરી દીધા હતા અને પ્રતિ બોલ રનરેટમાં પણ વધારો થતો જોવા મળ્યો હતો.
કિંગ્સ ઈલેવન પંજાબે પ્રથમ બેટીંગ કરતા ૨૦ ઓવરના અંતે ૬ વિકેટ ગુમાવી ૧૮૨ રન નોંધાવ્યા હતા. જેમાં પંજાબ માટે લોકેશ રાહુલે સર્વાધીક ૫૨ રન કર્યા હતા પરંતુ અર્ધ સદી સુધી પહોંચ્વા તે ૪૭ બોલ રમયો હતો. તેના સીવાય ડેવીડ મીલર ૪૦ રન, ક્રિસ ગેઈલ ૩૦ રન અને મયંક અગ્રવાલ ૨૬ રનનું યોગદાન આપ્યું હતું. છેલ્લી ઓવરમાં ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં રવિચંદ્રન અશ્ર્વિને અહમ ફાળો આપ્યો હતો. તેને છેલ્લા બે દડામાં ૨ સિકસર ફટકારી કુલ ૪ બોલ રમી ૧૭ રન કર્યા હતા. રાજસ્થાન રોયલ્સ માટે જોફરા આર્ચરે ૩ વિકેટ ઝડપી હતી જયારે ધવલ કુલકર્ણી, જયદેવ ઉનડકટ અને ઈશ સોઢીએ ૧-૧ વિકેટ લીધી હતી.