બેડી યાર્ડમાં અપુરતા પ્લેટફોર્મ હોવાના કારણે ખેડૂતો અને વેપારીઓને પડી રહી છે મુશ્કેલી: ૨૭ કરોડની સબસિડી મંજૂર થઈ ગઈ હોવા છતાં કેન્દ્ર સરકાર પાસેથી નથી થઈ રિલીઝ: રાજકોટ બેડી યાર્ડ ખાતે ખુલ્લામાં રાખેલી જણસીની ૧૫૦૦૦ ગુણીઓ પલળી ગઇ
સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદને કારણે રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડ ખાતે ભારે નુકશાની જોવા મળી હતી. અનેકવિધ જણસીઓ જેવી કે કપાસ, દેશી ચણા, એરંડા, મગફળીને ભારે નુકશાન પહોંચ્યું હતું. વાત કરવામાં આવે તો આશરે કુલ ૧૫ હજાર ગુણીઓ પર વરસાદ પડતા તે પાક નિષ્ફળ નિવડયો હતો. ત્યારે ખેડૂતનો અને વેપારીઓના માલને ભારે નુકશાની પહોંચ્વા બદલ તેઓ કેન્દ્ર સરકારને તાકીદ કરતા જણાવ્યું હતું કે, સબસીડી મંજૂર થઈ ગઈ હોવા છતાં તેને રીલીઝ કરવામાં આવી નથી જેના કારણે આ પ્રકારનું નુકશાન વેઠવું પડે છે.
વધુમાં કહીએ તો આ કુદરતી ક્રમ છે. ફરી માવઠુ કયારે વરસે તેનું કાંઈ જ નકકી નહીં પરંતુ માર્કેટીંગ યાર્ડમાં પુરતી સગવડ ન હોવાના કારણે આ પ્રકારના નુકશાન વારંવાર ખેડૂતો અને વેપારીઓએ વેઠવા પડી રહ્યાં છે. યાર્ડના વેપારીઓની એવી પણ માંગણી છે કે, થોડા સમય માટે છાપરાની પણ કંઈક વ્યવસ્થા ગોઠવવામાં આવે જેથી જો આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન થાય તો તેમના માલને કોઈપણ પ્રકારની નુકશાનીનો સામનો ન કરવો પડે જેને લઈ યાર્ડે ગંભીરતાપૂર્વક આ અંગે વિચાર-વિમર્શ કરવો જોઈએ અને ખેડૂતો અને વેપારીઓના માલ-સામાનની પૂર્ણત: દેખરેખ માટે કોઈ નકકર આયોજન પણ કરવું જોઈએ.
આ તકે રણજીતભાઈ નામના ખેડૂતો ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેમનો એરંડાનો માલ કે જે ૨૦૦ ગુણી યાર્ડમાં ઠલવવામાં આવ્યો હતો તે પૂર્ણત: નાશ પામ્યો છે. માવઠાના કારણે ત્યારે આવક વધુને વધુ હોવા છતાં યાર્ડમાં કોઈપણ પ્રકારની સુવિધા પાકના બચાવ માટે ન થતાં આ પ્રકારની મુશ્કેલીનો સામનો તેઓને કરવો પડી રહ્યો છે.
મુશ્કેલીની સાથો સાથ ભારે નુકશાની પણ વેપારીઓ અને ખેડૂત ભાઈઓએ વેઠવી પડે છે. આ અંગે વેપારીઓ અને ખેડૂતો દ્વારા યાર્ડને અનેક વખત આ અંગેની રજૂઆત કરવામાં આવી હતી કે, પ્રારંભીક ધોરણે જે ખુલ્લો પટ છે તેમાં છાપરા નાખી દેવામાં આવે જેથી ખેડૂતોની જે જણસી યાર્ડમાં આવતી હોય તેનું ધ્યાન રાખી શકાય અને આ પ્રકારના કમોસમી વરસાદ કે માવઠાથી તેને પૂર્ણત: બચાવી શકાય.
આંકી ન શકાય તેટલું નુકશાન અનેક વખત ખેડૂતોએ અને વેપારીઓએ વેઠવું પડી રહ્યું છે પરંતુ તેની ગંભીરતાપૂર્વક નોંધ યાર્ડ દ્વારા લેવામાં આવી નથી જે એક આશ્ર્ચર્યજનક પરિસ્થિતિનું નિર્માણ કરે છે. ત્યારે અંતમાં તેઓએ જણાવતા કહ્યું હતું કે, વહેલાસર યાર્ડના સભ્યો આ અંગે કોઈ ગંભીર નિર્ણય ન લેતો વારંવાર વેપારી અને ખેડૂતોએ નુકશાની વેઠવી પડશે.
જયારે દલાલ મંડળના પ્રમુખ અતુલભાઈ કામાણીએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કમોસમી વરસાદ પડવાથી યાર્ડમાં જે મગફળી, દેશી ચણા, એરંડા, કપાસની જે આવક થઈ છે તેને ભારે નુકશાની પહોંચી છે. અનેક વખત કેન્દ્રમાં રજૂઆત કરવા છતાં આ અંગે કોઈ નકકર નિર્ણય લેવામાં આવ્યો નથી. વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ૨૪ કરોડ જેટલી સબસીડી કેન્દ્રમાં મંજૂર થઈ હોવા છતાં તેને હજુ સુધી રીલીઝ કરવામાં આવી નથી. શું કારણ હોઈ શકે તે કોઈપણ રીતે ખ્યાલ આવતો નથી.
જે અન્વયે આ પ્રકારની નુકશાની વારંવાર ખેડૂતો અને વેપારી મિત્રોને વેઠવી પડે છે. કમોસમી વરસાદ વરસવાથી આશરે ૧૫ હજાર ગુણીનું નુકશાન ખેડૂત ભાઈઓ અને વેપારીઓને વેઠવુ પડયું છે. વધુમાં તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, યાર્ડના નિર્માણ બાદ જે પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા હતા તે અપુરતા છે અને દિન-પ્રતિદિન રાજકોટ બેડી યાર્ડમાં આવક વધતી જતી હોવાના કારણે તમામ જણસીઓને ખુલ્લામાં રાખવી પડતી હોય છે અને જયારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય ત્યારે નુકશાની પણ વેઠવી પડે છે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં એકમાત્ર બેડી યાર્ડ એવું છે કે જયાં આ પ્રકારની કુદરતી ઘટના ઘટતા સૌથી વધારે નુકશાનીનો સામનો કરવો પડે છે ત્યારે માત્ર કેન્દ્ર સરકારને એટલી જ રજૂઆત કરવામાં આવે છે કે, વહેલાસર મળેલી સબસીડી મળી રહે જેથી વધુ શેડ બનાવવાનું નિર્માણ પુર્ણત: શરૂ થઈ શકે.