રાજયમાં કમોસમી વરસાદે ભારે વિનાશ વેર્યો: ઉત્તર ગુજરાતમાં ૬ વ્યકિત,સૌરાષ્ટ્રમાં ૩ વ્યકિત અને મધ્ય ગુજરાતમાં ૧ વ્યકિત સહિત ૧૦ લોકોએ જીવ ગુમાવ્યા
માવઠાના કારણે કેરી, દાડમ, લીંબુ સહિતના બગાયતી પાકને ભારે નુકસાન: ખેતરોમાં તૈયાર પાક આડો પડી ગયો: ખેડુતોને પડયા ઉપર પાટુ
સુરેન્દ્રનગર પંથકમાં ૫૦ થી વધુ વીજપોલ ધરાશાયી: અંધારપટ્ટ: પીજીવીસીએલે ૭ ટીમોને સર્વેની કામગીરીમાં લગાવી
મૃતકોને ૨ લાખ અને ઇજાગ્રસ્તોને ૫૦ હજારની સહાયની પીએમઓની જાહેરાત: રાજયમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી
પડધરીના ખાખડાબેલામાં મહિલા, મોરબીના ગીડજમાં ખેત મજુર અને ધ્રાંગધ્રામાં મહિલાનું મોત
જૂનાગઢ અને અમરેલી પંથકમાં ભારે પવનનાં કારણે આંબા પર તૈયાર થયેલી કેરીઓ ખરી પડી
વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે છેલ્લા ૩ દિવસથી સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં વાતાવરણમાં પરીવર્તન આવ્યું છે. ગઈકાલે રાજયભરમાં કમોસમી વરસાદે ભારે વિનાશ વેર્યો હતો. ચૈત્ર માસમાં અષાઢી માહોલ સર્જાતા ખેડુતોને પડયા પર પાટુ લાગ્યું હતું. કમોસમી વરસાદના કારણે ઉતર ગુજરાતમાં ૬, સૌરાષ્ટ્રમાં ૩ અને મધ્ય ગુજરાતમાં ૧ સહિત કુલ ૧૦ વ્યકિતઓના મોત નિપજયાં હતા.
અચાનક વાવાઝોડા અને કરા સાથે ત્રાટકેલા માવઠાના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. રાજકોટ સહિત રાજયભરના માર્કેટીંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલી લાખો રૂપિયાની જણસી પલળી જતા ખેડુતોને પડયા ઉપર પાટુ લાગ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સ બાદ અપરએર સાયકલોનીક સરકયુલેશનના કારણે રાજયમાં આજે પણ માવઠાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.
માવઠામાં મોતને ભેટેલા મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને ૫૦ હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત પીએમઓ દ્વારા કરવામાં આવી છે. ગઈકાલે સવારથી સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. દરમિયાન બપોરે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડયો હતો. મોરબી, પડધરી, ખાખરાબેલા, વાંકાનેર, ટંકારા, જોડીયા, હડિયાણા અને રાપર સહિતના અનેક ગામોમાં કરા પડયા હતા. મંગળવારે રાજયનાં ૩૩ પૈકી ૧૯ જિલ્લામાં કમોસમી વરસાદ પડયો હતો.
જેના કારણે પડધરી નજીક ખાખડાબેલામાં ભારે પવનનાં કારણે વૃક્ષ ધરાશાયી થતાં મંગુબેન કાનજીભાઈ રંગપરા નામના મહિલાનું મોત નિપજયું હતું. જયારે મોરબીના ગીડજ ગામે વિજળી પડવાના કારણે ખેતરમાં કામ કરી રહેલા ગણપતભાઈ મગનભાઈ માસીયાવા નામના ખેત મજુરનું મોત નિપજયું હતું. જયારે ધ્રાંગધ્રા પંથકમાં રેલવેની ફાટક માથે પડતા એક મહિલાનું મોત નિપજયું હતું. ગઈકાલે પડેલા કમોસમી વરસાદે રાજયમાં ભારે વિનાશ વેર્યો છે.
ઉતર ગુજરાતમાં પણ ૬ વ્યકિત અને મધ્યગુજરાતમાં ૧ વ્યકિતએ પોતાનો જીવ ખોયો છે. માવઠાનાં કારણે કેરી, દાડમ, લીંબુ સહિતના બગાયતી પાકો ઘઉં, ચણા, એરંડા સહિતના ઉનાળુ પાકોને પણ ભારે નુકસાન થવા પામ્યું છે. ડિસા પંથકમાં કરા પડવાના કારણે તરબુચ અને ટેટી રીતસર ફાટી ગયાં છે. જયારે અમરેલી અને જુનાગઢ પંથકમાં ભારે પવનના કારણે આંબા પર તૈયાર થઈ ગયેલી કેરીનો પાક ખરી જવા પામ્યો છે. પડધરી પંથકમાં ભારે પવન સાથે કરા પડવાના કારણે લાખો રૂપિયાની નુકસાની થવા પામી છે.
જીનીંગમાં રાખેલો કપાસ ભારે પવનનાં કારણે રીતસર ઉડી ગયો હતો અને આજુબાજુનાં ખેતરોમાં જાણે બરફની ચાદરો પાથરી દેવામાં આવી હોય તે રીતે કપાસ ઉડીને ફેંકાયો હતો. ખેતરોમાં ઉભો પાક ભારે પવનનાં કારણે સુઈ ગયો હતો અને ખેડુતોને ભારે નુકસાની વેઠવી પડી હતી. વાંકાનેર પંથકમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ પડયો હતો. સોપારી જેવડા મોટા કરા પડયા હતા જેના કારણે અનેક ગાડીઓના કાચ તુટી ગયા હતા અને કેટલીક જગ્યાએ વૃક્ષો મુળમાંથી ઉખડી ધરાશાયી થઈ ગયા હતા અને પતરાઓ પણ ઉડી ગયા હતા.
સતત અડધો કલાક સુધી વાતાવરણ પંથકમાં કમોસમી વરસાદનું તાંડવ ચાલ્યું હતું. જેના કારણે વરીયાળી, જાર અને બાજરી જેવા પાકોને નુકસાન થવા પામ્યું છે. મોરબીમાં પણ કમોસમી વરસાદના કારણે ખેડુતોને ભારે નુકસાની થવા પામી છે. જાણે ચોમાસાની સીઝનમાં વરસાદ પડતો હોય તે રીતે જોરદાર વરસાદ વરસતા રાજમાર્ગો પર રીતસર પાણી વહેવા લાગ્યા હતા. ઠેર-ઠેર પાણીના ખાબોચીયા ભરાઈ ગયા હતા.
સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદનાં કારણે ભારે નુકસાની થવા પામી છે. સરા વિસ્તારમાં માવઠાએ તાંડવ સર્જતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. ધ્રાંગધ્રા પંથકમાં રેલવેની ફાટક ધરાશાયી થતાં મહિલાનું મોત નિપજયું હતું. મુળી પંથકમાં ૧૫ મિનિટમાં કરા સાથે લગભગ અડધો ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. પીજીવીસીએલના ૫૦થી વધુ વીજપોલ ધરાશાયી થઈ જતાં મુળી પંથકમાં અંધારપટ્ટ છવાઈ ગયો હતો. પીજીવીસીએલની ૭ ટુકડીઓ દ્વારા સતત કામગીરી કરી વિજ પુરવઠો નિયમિત કરવામાં આવ્યો હતો.
મંગળવારે રાજયના ૧૯ જિલ્લામાં કમોસમી વરસાદનાં કારણે પારાવાર તારાજી સર્જાય છે. ૧૦ વ્યકિતઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. જયારે માર્કેટીંગ યાર્ડના વેપારીઓ અને ખેડુતોને પણ કરોડો રૂપિયાની નુકસાની વેઠવી પડી છે. ભારે પવન અને કરા સાથે પડેલા માવઠાનાં કારણે ખેતરોમાં ઉભેલો પાક રીતસર સુઈ ગયો હતો. વેસ્ટર્ન ડિસ્ટબન્સ હવે અપરએર સાયકલોનીક સરકયુલેશનમાં પરીવર્તીત થયું હોવાના કારણે રાજયમાં આજે પણ માવઠાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.
રાજકોટના મોરબી રોડ પર આવેલ ખોડિયાર આશ્રમમાં વરસાદી પવનોને લીધે આશ્રમના છાપરા ઉડયા હતા. તેમજ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. વરસાદી વાતાવરણના લીધે જોરજોરથી પવનો ફુંકાતા અહીં ખોડિયાર આશ્રમમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. આ તકે સાધુ જયરામદાસ પ્રેમદાસ ખોડિયાર આશ્રમથી જણાવ્યું હતું કે, ખોડિયારધામ આશ્રમ રાજકોટથી મોરબી હાઈવે ઉપર ૨૨ કિમી પર આવેલો છે. ખોડિયારધામ આશ્રમે ૧:૩૦ થી ૨:૩૦ વાગ્યાની આજુબાજુ જોરદાર વંટોળ સાથેનો પવન ફુંકાયેલો.
જેમાં ખોડિયારધામ આશ્રમ સંચાલિત ગૌશાળા જે કોઈપણ જાતની સરકારી સહાય વિના માત્ર ભકતોના સાથ અને સહયોગથી ચાલતી આવી છે. આ આખી ગૌશાળાના પતરા પણ ઉડી ગયા છે. પાઈપો પણ ૨૦૦ ફુટ સુધી દુર ફેંકાયા છે. સુકો ગાયચારો જે ગાયો માટે ભેગો કરાયો હતો તે પણ વરસાદને કારણે પલળી ગયો છે. આ વંટોળને કારણે અહીં કામ કરતાં જબલબેનને માથાના ભાગે ઈજા પહોંચી છે. એ સિવાય પણ અન્ય લોકોને પણ સામાન્ય ઈજાઓ પહોંચી છે. એ સિવાય બે-ચાર ગાયોને પણ ઈજા પહોંચી છે. હવે જોઈએ ગૌમાતાની જેવી કૃપા હશે તેવું આગળ ચલાવશું.