ઇસુ ખ્રિસ્ત પહેલાંના ૫૯૮મા વર્ષે ચૈત્ર માસમાં સુદ પક્ષની તેરસના દિવસે ક્ષત્રિયકુંડ નગરીમાં રાજા સિદ્ધાર્થ અને ક્ષત્રાણી ત્રિશલાદેવીના મહેલમાં જૈન તીર્થંકર વર્ધમાન મહાવીરનો જન્મ થયો. ત્રીસ વર્ષની વયે સંસારનો ત્યાગ કરીને શાશ્વત સત્યની શોધમાં તેઓ નીકળી પડ્યા. આત્મદર્શન માટે અગમ્ય જંગલોમાં ઘોર તપ સાધના કરી. અનેક પ્રકારની વેદનાઓ, અડચણોનો સામનો કર્યો. તેમને સાડા બાર વર્ષની કઠોર તપસ્યા પછી કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. આત્માને પાપ-પુણ્યના કર્મદોષમાંથી મુક્ત કરાવવાની સ્થિતિ એટલે મોક્ષ, એમ તેમણે કહ્યું છે.
તેમણે શીખ આપી કે, પોતાના અંતર્મનમાંના સદગુણો જેવા કે, વિશ્વમૈત્રિ, ધીરજ, પ્રાણીમાત્ર પ્રત્યે દયા ઇત્યાદિ વિકસાવવા અને અંતર્મનના દુર્ગુણો જેવા કે ગુસ્સો, અહંકાર, લોભ-લાલચ ઇત્યાદિ ત્યજી દેવાથી આત્માનુભૂતિનો આનંદ પ્રાપ્ત કરી શકાય છે.
ભગવાન મહાવીરનો જન્મ વર્તમાન બિહારના વૈશાલી જિલ્લા માં પટનાનાથી ૨૯ માઈલ દૂર આવેલા ‘બેસધા પટ્ટી’ નજીક આવેલા કુંડલગ્રામમાં ચૈત્ર સુદ ૧૩ના થયો હતો. આ દિવસ આજના ગ્રેગેરિયન કેલેન્ડર પ્રમાણે ૧૨ એપ્રિલનો મનાય છે.તેમના પિતાનું નામ સિદ્ધાર્થ રાજા અને માતાનું ત્રિશલા દેવી હતું. એવું માનવામાં આવે છે જ્યારે તેઓ માતાના ગર્ભમાં આવ્યાં તે સમયથી રાજ્યમાં રીદ્ધી સંપદા વધી હતી.આથી તેમને વર્ધમાન પણ કહે છે. માતાના ગર્ભમાં તેમના ચ્યવન પછી ધણી સારી ઘટનાઓ ઘટી હતી જેમકે વૃક્ષો આદિ પર વિપુલ પ્રમાણમાં ફૂલોનું ખીલવું આદિ. રાણી ત્રિશલાને ૧૪ (શ્વેતાંબર મત પ્રમાણે ૧૪ અને દિગંબર મત પ્રમાણે ૧૬) શુભ સ્વપ્નો આવ્યાં હતાં જેને જૈન પરંપરામાં એક મહાન આત્માના અવતરણનું ચિન્હ મનાય છે.
જૈન પરંપરા માં એવું માનવામાં આવે છે કે તીર્થંકરના જન્મ પછી દેવતાઓના રાજા ઈંદ્ર તીર્થકરને દેવલોકમાં લઈ જઈ દૂધ આદિથી તેમનો અભિષેક કરી તેમનો જન્મોત્સવ ઉજવે છે અને ત્યાર બાદ તેમની માતાને સોંપી દે છે. વર્ધમાન મહાવીરનો જન્મ દિવસ મહાવીર જયંતી સ્વરૂપે ઉજવવામાં આવે છે જે વિશ્વના સૌ જૈનો માટે એક મહત્વપૂર્ણ તહેવાર હોય છે..