રાત્રે ફૂલેકું, લોકડાયરો, હસાયરો સહિતના કાર્યક્રમો સાથે ઉમંગભેર ઉજવણી: કાલે ‚ક્ષ્મણીજીના સામૈયા, ભગવાન મધુવનમાં પરણવા જશે: શ્રદ્ધાળુઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ, રાસ-ગરબા સાથે ઉત્સવ મનાવ્યો
વાજતે ગાજતે સાજન મહાજન શ્રીકૃષ્ણ વિવાહમાં જોડાયા
માધવપુર (ઘેડ)માં યોજાયેલો ભગવાન શ્રી કૃષ્ણનો વિવાહ મહોત્સવ સાથોસાથ મેળાનો લોકો ઉલ્લાસભેર લ્હાવો લઈ રહ્યા છે. આજે રાત્રે ભગવાનનું ત્રીજુ ફૂલેકુ અને કાલે ધામધૂમથી વિવાહ પ્રસંગ ઉજવાશે. માધવપુર (ઘેડ)માં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો વિવાહ મહોત્સવ ઉજવવા ભાવિકોમાં અનેરો ઉત્સાહ છવાયો છે.
છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી તડામાર તૈયારીઓમાં અનેક ભકતજનો, સેવકગણ એ જહેમત ઉઠાવી હતી. ઉત્સવ નિમિતે માધવપૂરમાં યોજાયેલા મેળામાં ભકતોની ભીડ જામે છે દર વર્ષે પરંપરાગત યોજાતા ફૂલેકામાં લોકો આનંદ ઉત્સવ મનાવી રહ્યા છે. આજે રાત્રીનાં ભગવાનનું ત્રીજુ ફૂલેકુ નીકળશે. ભકતો ભગવાનના સાંનિધ્યમાં રાસ ગરબાની રમઝટ બોલાવશે.
કાલે ભગવાનની વાજતે ગાજતે જાન જશે. જેમાં ઘોડા,ઉટ, તલવારની કરામતો જોવા મળશે. માતા રૂક્ષ્મણીના મામેરીયાત રમતા-રમતા મંદિરપહોચશે અને મામેરા ભરશે. કાલે બપોર પછી રૂક્ષ્મણીજીના સામૈયા પણ હર્ષોલ્લાસ સાથે કરવામાં આવશે.
ભગવાન શ્રી કૃષ્ણ દુલ્હા બની મધુવનમાં પરણવા જશે તો ભકતો જાનૈયાના રૂપમાં જોડાશે. રંગેચંગે અને ગાંધર્વ વિધિથી ભગવાન રૂક્ષ્મણી સાથે પરણી જશે. વિવાહ મહોત્સવ નિમિતે યોજાયેલા મેળાનો લોકો આનંદ ઉમંગથી લ્હાવો લઈ રહ્યા છે. રંગમંચ ઉપરથી જાણીતા કલાકારોએ ગઈકાલે લોકડાયરામાં ભાવિકોને મોજ કરાવી હતી હાસ્ય અને ડાયરા થકી લોકોને પેટ પકડી હસાવ્યા હતા.