ભાવનગર, અમરેલી અને જુનાગઢ લોકસભા બેઠક માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી રાજુલા નજીક આસરાણા ચોકડીએ બપોરે સંબોધશે જાહેરસભા: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની કોડીનારનાં છારા ઝાપા પાસે સભા ઉપરાંત બાઈક રેલી
૧૭, ૧૮ અને ૨૧ એપ્રીલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં કરશે ઝંઝાવાતી ચુંટણી પ્રચાર: રાહુલ ૧૮મી અને ૨૦મી એપ્રીલે ફરી ગુજરાતમાં આવશે
ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો માટે આગામી ૨૩મી એપ્રીલે યોજાનારા મતદાનના આડે હવે ૮ દિવસનો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે ગુજરાતના મતદારોને રીઝવવા માટે ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજથી ગુજરાતમાં ચુંટણી પ્રચારનાં શ્રીગણેશ કરશે. આજે બપોરે તેઓ રાજુલા નજીક આસરાણા ચોકડી ખાતે જુનાગઢ, ભાવનગર અને અમરેલી લોકસભાના મતદારો માટે એક જંગી ચુંટણી જાહેરસભા સંબોધશે. જયારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ પણ આજે સૌરાષ્ટ્રને ધમરોળી રહ્યા છે. કોડીનાર ખાતે સવારે અમિતભાઈ શાહની જંગી ચુંટણીસભા અને બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ૩ વખત ચુંટણી પ્રચાર માટે ગુજરાતમાં આવશે. ભાજપ અને કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની ફૌજ ગુજરાતમાં ઉતારી દીધી છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિતભાઈ શાહ છેલ્લા બે દિવસથી ગુજરાતનાં પ્રવાસે છે. આજે બપોરે ૧૨:૧૫ કલાકે તેઓ ગીર સોમનાથ લોકસભા બેઠક માટે કોડીનાર સ્થિત છારાજાપા ખાતે એક જંગી ચુંટણીસભા સંબોધશે અને બાઈક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બપોરે ૩:૫૦ કલાકે ડિસા સ્થિત વિશાલા ચોક ખાતે બનાસકાંઠા લોકસભા બેઠક માટે અમિતભાઈ શાહના રોડ-શો અને જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આજે સૌરાષ્ટ્રના પ્રવાસે છે. તેઓ બપોરે ૨:૦૦ કલાકે રાજુલા નજીક આવેલી આસરાણા ચોકડી ખાતે જુનાગઢ, ભાવનગર અને અમરેલી બેઠક માટે એક ચુંટણીસભા સંબોધશે. આ ઉપરાંત રાહુલ ગાંધી આગામી ૧૮ના રોજ ફરી સૌરાષ્ટ્રના પ્રવાસે આવશે. તેઓ કેશોદ અથવા પોરબંદર ખાતે ચુંટણીસભા સંબોધશે. ૨૦મી એપ્રીલના રોજ ફરી રાહુલ ગુજરાતના પ્રવાસ દરમિયાન બારડોલી, પાટણ અને દાહોદમાં ચુંટણીસભા સંબોધવાના છે.
રાજયની ૨૬ બેઠકો માટે યોજાનારા મતદાનના આડે હવે ૯ દિવસ જ બાકી રહ્યા છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી આગામી ૧૭મી એપ્રીલના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ ૧૭મીએ હિંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદ ખાતે ચુંટણીસભા સંબોધશે. જયારે ૧૮મી એપ્રીલના રોજ અમરેલી ખાતે ચુંટણીસભાને સંબોધશે. ૨૧મી એપ્રીલના રોજ ફરી વડાપ્રધાન ગુજરાતમાં ચુંટણી પ્રચાર માટે આવશે અને પાટણ ખાતે સભા સંબોધશે. પ્રચારના અંતિમ દિવસોમાં ભાજપ અને કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની ફૌજ ગુજરાતમાં ઉતારી દીધી છે. ભાજપના સ્ટાર પ્રચારક શિવરાજસિંહ ચૌહાણ ૧૬મીએ, સ્મૃતિ ઈરાની ૧૭મીએ, સુષ્મા સ્વરાજ ૧૮મીએ યોગીઆદિત્નાથ ૧૮મીએ, નિતીન ગડકરી ૧૯મીએ ગુજરાતમાં ચુંટણી પ્રચાર માટે આવશે જેના સ્થળ હવે પછી નકકી કરાશે તો સામાપક્ષે કોંગ્રેસ પણ ગુજરાતમાં ચુંટણી પ્રચાર માટે પ્રિયંકા ગાંધી, ઉર્મિલા માનતોડકર, શત્રુંઘ્નસિંહ, નવજોતસિંહ સીધુને મેદાનમાં ઉતારશે જેની તારીખ હવે પછી નકકી થશે.
આજે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી પણ અલગ-અલગ ૪ સ્થળે સભા સંબોધશે. જેમાં સવારે જુનાગઢ લોકસભા બેઠક માટે વિસાવદર ખાતે અને સાંજે પોરબંદર લોકસભા બેઠક માટે કેશોદ, ઉપલેટા અને પોરબંદર ખાતે એક-એક ચુંટણી સભા સહિત કુલ ૪ સભાઓ સંબોધશે. લોકસભા ચુંટણી માટે ભાજપે ગુજરાતના પ્રભારી તરીકે ઓમમાથુરની નિમણુક કરી હોય આજે ઓમ માથુર પણ સવારે દિવ-દમણમાં અને બપોરે દાદરાનગર હવેલી ખાતે કાર્યકરો સાથે મીટીંગ યોજશે. આ ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલા, મનસુખ માંડવીયા પણ આજે અનેક સ્થળોએ ચુંટણીસભાઓ સંબોધશે.