સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં છબરડો
ભણ્યા નવો કોર્ષ, દાખલો પુછાયો જુના કોર્ષનો: એકાઉન્ટના પેપરમાં બેલેન્સ સીટ ન પુછવાની જગ્યાએ પુછાઈ જતાં વિદ્યાર્થીઓ અકળાયા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હાલ ત્રીજા તબકકાની પરીક્ષા ચાલી રહી છે ત્યારે બી.કોમ સેમ-૨ની પરીક્ષામાં છબરડો જોવા મળ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પેપરમાં ભુલ કરવાની પરંપરાને જાળવી રાખી છે. બીજા તબકકાની પરીક્ષામાં પણ અનેકવાર પેપરમાં છબરડો થયા હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે ત્રીજા તબકકાના આજે બી.કોમ. સેમ-૨ના એકાઉન્ટના અંતિમ પેપરમાં પણ ભુલ થઈ હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે.
મળતી માહિતી મુજબ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ત્રીજા તબકકાનું બી.કોમ સેમ-૨નું એકાઉન્ટ વિષયનું પેપર હતું જેમાં જુના કોર્ષ પ્રમાણે સમ પુછાતા વિદ્યાર્થીઓ ભારે મુંઝવણમાં મુકાયા હતા. પ્રશ્ર્ન નં.૧માં એકાઉન્ટનો સમ પુછવામાં આવ્યો હતો જેમાં બેલેન્સ સીટ પુછવાની ન હતી પરંતુ બેલેન્સ સીટ પુછાતા વિદ્યાર્થીઓ અકળાઈ ગયા હતા અને ભારે હોબાળો મચી ગયો હતો. યુનિવર્સિટી દ્વારા લેવાનારી પરીક્ષામાં ૨૦૧૬ સુધી એકાઉન્ટના સમમાં બેલેન્સ સીટ પુછવામાં આવતી હતી જોકે ત્યારબાદ નવા કોર્ષ પ્રમાણે બેલેન્સ સીટ એક પણ દાખલમાં કરવામાં આવતી નથી પરંતુ યુનિવર્સિટી દ્વારા બેલેન્સ સીટ પુછાતા વિદ્યાર્થીઓ હતાશ થઈ ગયા હતા જોકે સમયસર યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોમાં ફોન કરીને બેલેન્સ સીટ દુર કરવાનું જણાવતા અંતે વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો.
એ તો અમે જોઈ લેશું: પરીક્ષા નિયામક અમિત પારેખ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજે લેવાયેલી બી.કોમ. સેમેસ્ટર-૨ની એકાઉન્ટની પરીક્ષામાં ગંભીર ભુલ જોવા મળી હતી. જેને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક અમિત પારેખ સાથે અબતકે કરેલ વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, આ કોઈ ગંભીર ભુલ નથી માત્ર બેલેન્સ સીટ ન છાપવાની જગ્યાએ છપાઈ ગઈ છે. આ તો અમે જોઈ લેશું. વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી નહીં પડે તેવું તેને ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું.