૯૭ રનની મદદથી ધવને આઈપીએલમાં પોતાનો સર્વાધીક સ્કોર નોંધાવ્યો
ઈન્ડિયન પ્રિમીયમ લીગ-૨૦૧૯ની ૨૬મી મેચમાં ૧૭૯ રનનો પીછો કરતાં દિલ્હી કેપીટલ્સે ૧૮.૫ ઓવરના અંતે ૩ વિકેટ ગુમાવી ૧૮૦ રન કરી આઈપીએલ મેચને ૭ વિકેટે જીતી લીધો હતો. દિલ્હી માટે રન ચેઈસમાં શિખર ધવને નાયકની ભૂમિકા ભજવતા ૬૩ બોલમાં ૧૧ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી અણનમ ૯૭ રન કર્યા હતા. આ શિખરના કેરીયરનો હાઈએસ્ટ સ્કોર બન્યો હતો. તેનો સાથ આપતા રૂષભ પંથે ૩૧ બોલમાં ૪૬ રન કર્યા હતા. જયારે બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે ૧૦૫ રનની ભાગીદારી થઈ હતી. કલકતા નાઈટ રાઈડર્સ માટે પ્રસિઘ્ધ ક્રિષ્ના, આંધ્રે રસેલ અને નિતીન રાણાએ એક-એક વિકેટ ઝડપી હતી.
આ જીતથી દિલ્હી પોઈન્ટ ટેબલમાં ૮ પોઈન્ટ સાથે ચોથા ક્રમે આવી પહોંચ્યું છે ત્યારે કલકતા પણ સારી રનરેટ હોવાના કારણે ૮ પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યું હતું. કોલકતા નાઈટ રાઈડર્સે ૨૦ ઓવરના અંતે ૭ વિકેટ ગુમાવી ૧૭૮ રન કર્યા હતા. જેમાં કોલકતા માટે યુવા ખેલાડી શુભમન ગીલે આઈપીએલમાં પોતાની બીજી અર્ધ સદી ફટકારી હતી તેને ૩૯ બોલમાં ૬૫ રન નોંધાવ્યા હતા. તે ઉપરાંત મેન-ઈન-ફોર્મ આંધ્ર રસેલે પણ ૨૧ બોલમાં ૪૫ રન કર્યા હતા. તે બંનેની ઈનીંગ્સ બાદ કરતા નાઈટ રાઈડર્સનો કોઈ બેટસમેન પ્રભાવ પાડી શકયો ન હતો. દિલ્હી કેપીટલ્સ માટે ક્રિસ મોરીસ, કગીશો રબાડા, કિમો પોલે બે-બે વિકેટ ઝડપી હતી.
ઈન્ડિયન પ્રિમીયમ લીગની જે ૨૬મી મેચ દિલ્હી કેપીટલ્સ અને કલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી તેમાં દિલ્હી કેપીટલ્સના સુકાની શ્રેયસ અય્યરે ટોસ જીતી પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેને પ્લેયીંગ ઈલેવનમાં ૧ ફેરબદલ કરી સંદિપ લામેછામીની જગ્યાએ કિમો પોલને રમાડયો હતો. જયારે કેકેઆરની ટીમમાં ૩ ફેરબદલ થયા હતા. જેમાં લોકી ફર્ગ્યુસન, જોઈ ડેનલી અને કાર્સોલ બ્રેથવેટ, સુનિલ નારાયણ, હેરી ગર્ની અને ક્રિસ લિનની જગ્યાએ રમ્યો હતો.