શાળા-કોલેજો, સરકારી કચેરીઓ, સામાજીક અને સેવાકીય સંસ્થાઓમાં પ્લાસ્ટીકની બોટલ માટે કોર્પોરેશન મુકશે બોટલબીન
પાણી અને ઠંડા પીણાની પ્લાસ્ટીકની બોટલનો નિકાલ શહેરીજનો જયાં ત્યાં ન કરે તે માટે મહાપાલિકા દ્વારા શહેરમાં અલગ-અલગ ૧૧ સ્થળોએ રીવર્સ વેન્ડીંગ મશીન મુકવામાં આવ્યા હતા. જેમાં બોટલનો નાશ કરાતાં શહેરીજનોને ડિસ્કાઉન્ટ કુપન આપવામાં આવતા હતા. આ અભિયાન માત્ર મહિનાઓમાં જ સરેઆમ નિષ્ફળ નિવડતાં હવે પ્લાસ્ટીકની બોટલના નાશ માટે અલગ-અલગ સ્થળોએ બોટલ બીન મુકવાનો નવો તુકો અજમાવવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરીજનો પ્લાસ્ટીકની ખાલી બોટલનો જયાં ત્યાં નિકાલ ન કરે તે માટે મહાપાલિકા દ્વારા અલગ-અલગ સ્થળોએ રીવર્સ મશીન મુકાયા હતા જેમાં બોટલનો નાશ કરવામાં આવતા હોટલ, રેસ્ટોરન્ટ, શોપીંગ મોલ સહિતના સ્થળોના ડિસ્કાઉન્ટ કુપન મળતાં હતા. શ‚આતનાં દિવસોમાં આ રીવર્સ વેન્ડીંગ મશીનની સારી એવી સફળતા પ્રાપ્ત થઈ હતી જોકે હવે આ સિસ્ટમ ફેઈલ થઈ રહી છે ત્યારે શહેરમાં આવેલી તમામ સરકારી કચેરીઓ, ખાનગી ઓફિસો, સામાજીક અને સેવાકિય સંસ્થા, શાળા-કોલેજમાં પ્લાસ્ટીકની બોટલના નાશ માટે બોટલ બીન મુકવામાં આવશે એટલે કે આ બીનમાં જ લોકોએ પ્લાસ્ટીકની બોટલો ફેંકવાની રહેશે અને આવું નહીં કરનાર સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવશે.