શનિવારે રાત્રીથી સર્જાયેલી સમસ્યાનો હજુ ઉકેલ નહીં: મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય
મોરબીના સિરામિક ઉદ્યોગને તંત્રના પાપે હાલ દરરોજ કરોડોની નુકશાની સહન કરવી પડે છે મંદીના માર સામે ઝઝુમતા સિરામિક ઉદ્યોગમાં વપરાતા કોલગેસ પ્રતિબંધ બાદ હવે નેચરલ ગેસના પ્રેશર ડ્રોપના ધાંધિયાથી ઉદ્યોગ મરણ પથારીએ પડ્યો છે અને તાકીદે સમસ્યા નહિ ઉકેલાય તો સિરામિક ઉદ્યોગ મૃતપાય બની જશે.
મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા તમામ પ્રકારના કોલગેસ પર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા પ્રતિબંધ ફરમાવી દેવાતા સિરામિક ઉદ્યોગે પણ પ્રતિબંધની અમલવારી માટે કટીબધ્ધતા દાખવી હતી અને કોલગેસ આધારિત ૫૦૦ થી વધુ એકમો નેચરલ ગેસ તરફ વળ્યા હતા જોકે સિરામિક ઉદ્યોગને ગેસ પૂરો પાડતી ગુજરાત ગેસ કંપની તમામ ફેકટરીમાં ગેસ સપ્લાય કરવા સક્ષમ ના હોય તેમ ગત શનિવારે પીપળી રોડ પરના ૪૦ થી ૫૦ એકમોમાં ગેસના પ્રેશર ડ્રોપનો પ્રોબ્લેમ સર્જાયો હતો જેની તાકીદે ગેસ કંપનીને જાણ કરી હતી જોકે પ્રશ્ન ઉકેલાતા સમય લાગી જશે તેવો ઉડાઉ જવાબ મળતા રાત્રીના જ રામધુન બોલાવી વિરોધ કર્યો હતો તો સિરામિક એસોના પ્રમુખો સહિતનું ડેલીગેશન સીએમ રૂપાણીને રૂબરૂ મળીને સમસ્યાથી વાકેફ કર્યા હતા પરંતુ આમ છતાં શનિવારે રાત્રીના સર્જાયેલ પ્રોબ્લેમ યથાવત
છે અને પાંચ દિવસ બાદ કરોડોની નુકશાનીનો સિલસિલો પણ ચાલુ જ છે.
૫૦ જેટલી ફેકટરીઓમાં ઉત્પાદન ઠપ્પ
પીપળી રોડ પર આવેલી ૪૦ થી ૫૦ જેટલી ફેકટરીઓમાં શનિવારે પ્રેશર ડ્રોપ સમસ્યા બાદ ઉત્પાદન ઠપ્પ છે અને દરરોજ એક ફેક્ટરીને પાંચથી દસ લાખના નુકશાનીના હિસાબે ૫૦ જેટલી ફેક્ટરીમાં પાંચ દિવસથી ઉત્પાદન બંધ રહેતા કરોડોનું નુકશાન સહન કરવું પડ્યું છે અને વળી સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તે કહેનાર પણ કોઈ નથી તાજેતરમાં સીએમ રૂપાણીને પણ રૂબરૂ મળી રજૂઆત કરી હતી જોકે છતાં પ્રશ્ન ઉકેલાયો નથી.
કોલગેસને બદલે ગેસ વાપરનાર ફેકટરીઓની માઠી દશા
કોલગેસ પ્રતિબંધની અમલવારી સ્વીકારી કોલગેસ આધારિત ફેકટરીઓ નેચરલ ગેસ તરફ વળી હતી જોકે નવા કનેક્શન લેનાર વિવિધ સ્થળે આવેલી ૫૦ થી ૬૦ ફેકટરીઓમાં હજુ નેચરલ ગેસ મળતો થયો નથી જેથી તેનું પણ ઉત્પાદન ઠપ્પ પડ્યું છે અને દરરોજ સિરામિક ઉદ્યોગ ગેસ કંપનીની મનમાનીને પગલે કરોડોની નુકશાન સહન કરી રહ્યો છે.