પીજીવીસીએલનાં કાર્યક્ષેત્રમાં આઠ લોકસભા બેઠક: ૨૪૭ સબ ડિવિઝનોમાં ખાસ ટીમ બનાવાઈ: સ્ટાફને રાઉન્ડ ધી કલોક પેટ્રોલીંગની સુચના: મતદાનનાં દિવસે ક્ષણભર માટે પણ શટ ડાઉન નહિ થવા દેવાય
પીજીવીસીએલના કાર્યક્ષેત્રમાં આઠ લોકસભા બેઠક આવેલી છે. ત્યારે આગામી ૨૩મીએ યોજાનાર મતદાન પ્રક્રિયા વેળાએ વિજ પૂરવઠો સદંતર ચાલુ રહે તે માટે પીજીવીસીએલ તંત્ર સજજ થયું છે. વિજ તંત્ર દ્વારા ૨૪૭ સબ ડીવીઝનોમાંખાસ ટીમ બનાવી દેવામાં આવેલ છે. ઉપરાંત સ્ટાફને રાઉન્ડધી કલોક પેટ્રોલીંગની સુચના પણ આપી દેવામાં આવી છે મતદાનના દિવસે વિજ પૂરવઠો ક્ષણભર માટે પણ શટડાઉન ન થાય તેમાટેની વિજ તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવનાર છે.
લોકસભાની ચૂંટણીમાં આગામી ૨૩ મીએ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. મતદાનની પ્રક્રિયા વખતે દરેક મતદાન મથકોમાં વિજળીની ખાસ જરૂરીયાત ઉભી થતી હોય જો આ સમયે વિજળી ગુલ થાય તો મતદાનમાં અનેક વિક્ષેપો ઉભા થાય છે. ત્યારે પીજીવીસીએલ તંત્ર મતદાન ના દિવસે સદંતર વિજ પૂરવઠો પૂરો પાડવા માટે સજજ બન્યું છે. પીજીવીસીએલના કાર્યક્ષેત્રમાં રાજકોટ,કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. ત્યારે વિજ તંત્ર માટે લોકસભાની આ ચૂંટણી થોડા અંશે પડકાર સમાન બની છે. પરંતુ વિજ તંત્રએ મતદાન વખતે સદંતર વિજ પૂરવઠો પૂરો પાડવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરીને તેની અમલવારી પણ શ‚ કરી દીધી છે.
આ અંગે પીજીવીસીએલના ચીફ એન્જીનીયર જે.જે. ગાંધીએ જણાવ્યું હતુ કે પીજીવીસીએલના કાર્યક્ષેત્રમાં સૌરાષ્ટ્ર-કચ્છના ૨૪૭ સબ ડીવીઝનોનો સમાવેશ થાય છે. તમામ સબ ડીવીઝનોમાં ટીમો તૈયાર કરીને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ઉપરાંત રાઉન્ડ ધી કલોક પેટ્રોલીંગ માટે પણ જરૂરી સુચનાઓ આપી દેવામાં આવી છે. આ સાથે તમામ જિલ્લાઓમાં કંટ્રોલ રૂમ અને ફોલ્ટ સેન્ટર ઉપર પર પણ વધારાનોસ્ટાફ મૂકી દેવામાં આવ્યો છે. ચૂંટણીને ધ્યાને લઈને તંત્ર દ્વારા અગાઉથી મેન્ટેનશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગામી ૨૩મીએ મતદાન વખતે શટ ડાઉન ન થાય તે માટે પીજીવીસીએલ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.