સાત રાજયમાં એટીએમમાંથી રકમ કાઢી લીધા બાદ બેન્કમાંથી રિર્ફન્ડ મેળવાના કૌભાંડમાં સંડોવાયેલી આંતર રાજય ગેંગને ઝબ્બે કરવા પૂછપરછ
હરિયાણાના બે ચોપડી ભણેલા ભેજાબાજ ‘ઠગે’ એટીએમ મશીનમાંથી ઉપાડેલા પૈસાની કંઇ રીતે નોંધ ન થાય તેવું શોધી કાઢી દેશભરના એટીએમ મશીનમાંથી લાખો રૂપિયા ઉપાડી બેન્કમાંથી રિફન્ડ મેળવવાના કૌભાંડનો રાજકોટ સાઇબર ક્રાઇમના સ્ટાફે પદાર્ફાશ કરી હરિયાણાના બે શખ્સોની ધરપકડ કરી આંતર રાજય ઠગ ગેંગને ઝડપી લેવા બંને શખ્સોને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરતા અદાલતે બંને શખ્સોને ચાર દિવસના રિમાન્ડ પર સોપવા હુકમ કર્યો છે.
રાજકોટની એસબીઆઇ, એક્સિસ અને બીઓબીના એટીએમમાંથી પૈસા ઉપડી ગયા હોવા છતાં એકાઉન્ટધારકના ખાતામાં નોંધ ન થઇ હોવાનું અને બેન્કમાંથી રિફન્ડની ડિમાન્ડ થતા બેન્ક દ્વારા ચુકવવા પડયાનું બેન્ક મેનેજર રમેશભાઇ જીવાભાઇ ચાવડાના ધ્યાને આવતા તેઓએ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનું ધ્યાન દોરી બેન્ક સાથે ઠગાઇ થતી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
સાઇબર ક્રાઇમના એસીપી જી.ડી.પલસાણા, પી.આઇ. એન.બી.દેસાઇ, બી.એમ.કાતરીયા, પી.એસ.આઇ. બી.ડી.ગઢવી, કે.જે.રાણા એસ.એસ.નાયર સહિતના સ્ટાફે એટીએમ મશીન ખાતેથી સીસીટીવી ફુટેજ મેળવી હરિયાણાના મુન્ધેતા ગામના વતની ઇમરાન હનિફ અને અઝ‚દીન ઇલ્યાસ નામના શખ્સોને ઝડપી લીધા હતા. બંને શખ્સોની પૂછપરછ દરમિયાન પોતાના જ સગા-સંબંધીઓના એટીએમ કાર્ડ અને પીન નંબર મેળવી એટીએમ મશીનમાંથી રકમ ઉપાડવાની પ્રોસિઝર કરી મશીનમાંથી જેવી રકમ બહાર આવે તે સમયે એક કાથે નોટો પકડી લેવી અને બીજા હાથે એટીએમ મશીનનો પાવર બંધ કરવા સ્વીચ ઓફ કરવામાં આવી હોવાની કબુલાત આપી હતી.
ઇમરાન હનિફ માત્ર બે ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને અઝ‚દીન ઇલ્યાસ પણ ધોરણ ૧૧ સુધી જ અભ્યાસ કર્યો છે. બંને શખ્સોને પોતાના જ ગામના અબ્દુલ સતાર, મુનફેદખાન અને નાકીબ અબ્દુલાહુસેન નામના શખ્સોએ એટીએમમાંથી કંઇ રીતે પૈસા ઉપાડી તો એન્ટ્રી ન થાય તે અંગેનું કૌભાંડ શિખડાવ્યું હોવાની કબુલાત આપતા ત્રણેયને ઝડપી લેવા માટે ઇમરાન અને ઇલ્યાસને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરતા અદાલતે બંનેને ચાર દિવસના રિમાન્ડ પર સોપવા હુકમ કર્યો છે.
ઇમરાન હનિફ અને અઝરૂદીન ઇલ્યાસે ગુજરાત ઉપરાંત, દિલ્હી,બિહાર, કર્ણાટક, ઝારખંડ, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને હરિયાણા સહિતના રાજયમાં જુદી જુદી બેન્કના એટીએમ ખાલી કર્યાની કબુલાત આપી છે. બંને શખ્સોએ રાજકોટના જુદી જુદી બેન્કના સાત એટીએમમાંથી ૨૬ ટ્રાન્જેકશન કરી રૂ.૫.૨૧ લાખની છેતરપિંડી કર્યાનું બહાર આવ્યું છે. પોલીસે બંને શખ્સો પાસેથી ૬૦ જેટલા એટીએમ કાર્ડ, ચાર માસ્ટર કી અને ડીસમીસ તેમજ બેન્કમાં રિફન્ડ મેળવવા કરેલી કમ્પલેન નંબરની નોટબુક કબ્જે કર્યા છે. બંને ‘ઠગ’ સાથે સંડોવાયેલા તેના સાગરિતોને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.