અલ્પેશ સાથે અન્ય બે ધારાસભ્યો પણ કોંગ્રેસ સાથે છેડો ફાડશે: કોંગ્રેસે રાજસ્થાનના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી અલ્પેશ ઠાકોરનું નામ કમી કરી નાખ્યું
રાધનપુર વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય અને ઠાકોર સેનાના અગ્રણી અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને બાયબાય કહી દીધું છે. આજે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં કેસરીયો ખેસ પહેરે તેવી પ્રબળ સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. ઉપરાંત અલ્પેશની સાથે અન્ય બે કોંગી ધારાસભ્યો પણ કોંગ્રેસ સાથે છેડો ફાડવાના હોવાનુંજાણવા મળ્યું છે. સામે કોંગ્રેસે અલ્પેશના રાજીનામાની વાત વહેતી થતા રાજસ્થાનના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી અલ્પેશ ઠાકોરનું નામ કમી કરી નાખ્યું છે.ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે.
બંને મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ પોત પોતાનું પલ્લુ ભારે કરવા માટે દોટ મૂકી રહ્યા છે. જોકે કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ રાજીનામા ધરી દેતા કોંગ્રેસને ઘણા ફટકા પડયા છે. તેવામાં કોંગ્રેસને ફરી વધુ એક ફટકો પડયો છે. રાધનપુર વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવાની જાહેરાત કરી છે. ઠાકોર સેનાની કોર કમીટીની બેઠક મળી હતી. તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.અલ્પેશ ઠાકોરનાં રાજીનામાની વાતથી ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે પાટણ લોકસભા લડવા મુદે અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસ વચ્ચે નારાજગી રહી હતી. ત્યારે અંતે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને બાયબાય કરી દેતા કોંગ્રેસ સ્તબ્ધ બની ગઈ છે.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતમાં બે જાહેર સભાઓ છે. ત્યારે આ સભામાં અલ્પેશ ઠાકોર કેસરીયો ખેસ પહેરે તેવી પ્રબળ સંભાવના હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. વધુમાં ઠાકોર સેનાના અગ્રણી અલ્પેશ ઠાકોરની સાથે કોંગ્રેસના બાયડના ધારાસભ્ય ધવલસિંહ અને થરાદનાં ધારાસભ્ય ગેનીબેન પણ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દેવાના હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ અલ્પેશ ઠાકોર આગામી ૨૪ કલાકમાં કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દેવાના હોવાની વાત મળતા કોંગ્રેસ હાઈકમાન્ડે રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર માટે જવાનાસ્ટાર પ્રચારકોનાં નામની યાદીમાંથી અલ્પેશ ઠાકોરનું નામ કમી કરી નાખ્યું હોવાનું જાણવા મળ્યું છે.