ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું રણશીંગુ ફુંંકતા વડાપ્રધાન: જૂનાગઢમાં પીએમની જાહેરસભામાં હજ્જારોની માનવ મેદની: બપોરે વડાપ્રધાન સોનગઢમાં ચૂંટણીસભા સંબોધશે
ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો માટે આગામી ૨૩મી એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું રણશીંગુ ફૂંકી દીધુ છે. જૂનાગઢમાં આજે સવારે વડાપ્રધાને જંગી ચૂંટણીસભા સંબોધી હતી. જેમાં તેઓએ વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. હારના ડરથી ભયભીત થયેલા વિપક્ષે રચેલા ગઠબંધન પર પણ નરેન્દ્ર મોદીએ પ્રહારો કર્યા હતા. બપોરબાદ વડાપ્રધાન બારડોલી લોકસભા બેઠક માટે વ્યારાના સોનગઢ ખાતે ચૂંટણીસભા સંબોધશે.
આજે સવારે ૯:૪૫ કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું દિલ્હીથી રાજકોટ આગમન થયું હતું. રાજકોટ એરપોર્ટ ખાતે તેઓએ ટૂંકુ રોકાણ કર્યું હતું અને અહીં ગણતરીના લોકો સાથે ચૂંટણીલક્ષી સામાન્ય ચર્ચા કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન હેલીકોપ્ટર મારફત જૂનાગઢ જવા માટે રવાના થયા હતા. જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ખાતે આજે સવારે ૧૦:૩૦ કલાકે વડાપ્રધાનની ચૂંટણીસભા યોજાઈ હતી. જૂનાગઢ લોકસભા અને પોરબંદર લોકસભા માટેની સંયુકત ચૂંટણીસભામાં હજ્જારોની સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી. જૂનાગઢ બેઠક માટે ભાજપે વર્તમાન સાંસદ રાજેશભાઈ ચૂડાસમાને ફરી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જયારે પોરબંદર બેઠક પર વર્તમાન સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયા લાંબા સમયથી બિમાર હોવાના કારણે તેઓના સ્થાને ભાજપે આ બેઠક પરથી રમેશભાઈ ધડુકને ટીકીટ આપી છે.
જૂનાગઢમાં આજે યોજાયેલી વડાપ્રધાનની જંગી ચૂંટણી જાહેરસભામાં રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર સહિતની લોકસભા બેઠકના કાર્યકરો, આગેવાનો અને મતદારો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. રાજયમાં લોકસભાની ચૂંટણીને આડે હવે ૧૩ દિવસનો જ સમયગાળો બાકી રહ્યો છે છતાં ચૂંટણીનો માહોલ જામતો નથી જયારે આજે જૂનાગઢમાં વડાપ્રધાનની જાહેરસભામાં જબરદસ્ત ચૂંટણીલક્ષી માહોલ જોવા મળ્યો હતો. અહીં જંગી ચૂંટણીસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. સાથો સાથ લોકસભાની ચૂંટણી માટે ખાસ બનેલા મહાગઠબંધનને પણ તેઓએ આડેહાથ લીધા હતા. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન તેઓની સરકારે કરેલા કાર્યોનો હિસાબ પણ વડાપ્રધાને જૂનાગઢમાં આપ્યો હતો. સાથો સાથ આગામી પાંચ વર્ષ માટેનો રોડ મેપ પણ રજૂ કર્યો હતો.
વડાપ્રધાનની ઉપસ્થિતિમાં આજે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના જિલ્લાના અનેક કોંગી કાર્યકરો અને નેતાઓએ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લેતા કોંગ્રેસને લોકસભાની ચૂંટણી પૂર્વે જ મરણતોલ ફટકો પડયો છે.
ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું રણશીંગુ વડાપ્રધાને જૂનાગઢમાંથી ફૂંકયું છે. બપોરે તેઓ બારડોલી લોકસભા બેઠક માયે વ્યારાના સોનગઢ ખાતેથી ચૂંટણી સભા સંબોધશે. લોકસભાની ચૂંટણી પૂર્વે તેઓ ત્રણ વખત ગુજરાતના પ્રવાસે આવે તેવું માનવામાં આવી રહ્યું છે.