પ્રાચીતીર્થમાં આવેલ માધવરાયજીનું મંદિર ભારતભરમાં જાણીતું છે કે જયાં શ્રીકૃષ્ણ ભગવાન સ્વધામ પધાર્યા પછી સરસ્વતી નદીને કિનારે શ્રી માધવરાય સ્વરૂપ પ્રગટ થયા હતા. તેમની બાજુમાં શ્રી લક્ષ્મીજી બિરાજમાન છે. આ મંદિર માટે ગાયકવાડ સમયમાં ગાયકવાડ સરકારના દીવાન વિઠ્ઠલરાવ રૂ.૫૦ હજારના ખર્ચે મંદિર બનાવ્યું પણ જયારે મૂર્તિનું ખોદકામ શરૂ કર્યું ત્યારે ભગવાનની મૂર્તિ જમીનમાં નીચે ઉતારવા માંડી તેથી ખોદકામ બંધ રાખ્યું. ત્યારબાદ રાત્રે વિઠ્ઠલરાવ દીવાનને સ્વપ્નમાં આવી મંદિરમાં મૂર્તિ પધરાવવાની અનિચ્છા બતાવી અને નદીમાં જ બિરજવા કહેલ ત્યારથી માધવરાય લક્ષ્મીજી સાથે સરસ્વતી નદીની વચ્ચે બિરાજમાન છે. અત્યારે શ્રી માધવરાય ભગવાનની પુજા અને ગાદીપતિ ઋષિગીરીબાપુ બિરાજમાન છે.
પ્રાચીતીર્થ ખાતે માધવરાયના મહંત ઋષિગીરી બાપુ સાથે અને મોક્ષ પીપળા વિશે જાણકારો સાથે વાત કરતાં એમણે જણાવ્યું કે, પ્રાચીતીર્થમાં આવેલ મોક્ષ પીપળાને પાંડવ પુત્ર ધર્મરાજાએ વાવેલો અને આ પીપળા નીચે ભગવાન શ્રીકૃષ્ણએ યદુકુળનો મોક્ષ કર્યો હતો. આ મોક્ષ પીપળા નીચે શ્રીકૃષ્ણ ભગવાને ઉઘ્ધવને છેવટનું જ્ઞાન આપ્યું હતું. અહીંથી વહેતી સરસ્વતી નદી પૂર્વ દિશામાં વહે છે. એવું કહેવાઈ છે કે ભારતભરમાં બીજે કયાંય કોઈ નદી પૂર્વ દિશામાં વહેતી નથી જેમના પાણીમાં સ્થાન કરી પાંડવ પુત્ર ધર્મરાજાએ ગોત્ર હત્યાનું નિવારણ કર્યું હતું.
પ્રાચીતીર્થમાં બિરાજમાન શ્રી માધવરાય ભગવાનના દર્શન સવર્ણો સાથે હરીજન પણ કોઈપણ જાતની રોકટોક વિના કરી શકે છે. તેમજ સૌ કોઈ ગમે ત્યારે દર્શન કરી શકે એ માટે વિથ્ત્લરાય દીવાનના બંધાવેલ ભવ્ય મંદિરમાં ન જતાં, સરસ્વતી નદીના પાણીમાં માધવરાય ભગવાન ખુલ્લામાં બિરાજવાનું પસંદ કર્યું. આ હકિકત સાંભળી ગાંધીજી તથા કસ્તુરબા આ તીર્થની મુલાકાતે આવ્યા હતા અને એમના દેહવિલય પછી તેઓની શ્રાદ્ધક્રિયા તથા અસ્થિવિસર્જન શ્રી શામળદાસ ગાંધીના હસ્તે કરવામાં આવેલ. પ્રાચીતીર્થમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું આગમન સવંત ૧૮૫૭ શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉનથી નીકળી ડોળાસા લઈ પ્રાચી તીર્થમાં આવ્યા હતા. ત્યાંથી સવંત ૧૮૫૭ના કાર્તિક સુદ ૧૧ના દિવસે પીપળાણા ગામમાં પધાર્યા હતા. એ પ્રમાણે પ્રાચી તીર્થમાં સ્વામિનારાયણ ભગવાન પધાર્યા હતા. તેથી આ તીર્થ સ્વામિનારાયણ સંપ્રદાયનું પરમધામ ગણાય છે.
પ્રાચીતીર્થને નાઘેરનું કાશ્મીર કહેવામાં આવે છે. સોમનાથથી પ્રાચી સાત ગાઉં આવેલું છે. પ્રાચીતીર્થમાં આવતા યાત્રાળુને રહેવા માટે કારડીયા રાજપુત સમાજ સહિત વિવિધ સમાજોની વિશાળ ધર્મશાળાઓ બનાવેલી છે. તેમજ સરકારી અમલદારો માટે ટેસ્ટ સ્ટેટ હાઉસ આવેલું છે. ચૈત્ર માસની પુનમ ઉપર અહીં મોટો મેળો ભરાઈ છે. કારતક, ચૈત્ર અને ભાદરવો માસ પિતૃમાસ ગણાય છે અને તે પ્રાચીતીર્થના દિવસો કહેવાય છે. તે સમયમાં પ્રાચીતીર્થમાં લાખો યાત્રાળુઓ પિતૃના મોક્ષ માટે શ્રાદ્ધ સરાવવા અહીંયા આવે છે. સંતાન પ્રાપ્તિ માટે એક વસ્ત્રે નારાયણ બલી શ્રાદ્ધ કરાવવા આવે છે. પ્રાચીતીર્થ કુદરતી સૌંદર્યથી ભરપુર છે. તેથી પ્રાચીતીર્થને નાઘેર પ્રદેશનું કાશ્મીર કહેવાય છે.