૧૦ કરોડ પાકિસ્તાનીઓને ભુખમરામાંથી ઉગારવા ભારત, અફઘાનિસ્તાન અને ઈરાન સાથે શાંતિપૂર્ણ સુમેળભર્યા સંબંધોની હિમાયત કરતા ઈમરાન ખાન

દરેક દેશનું અસ્તિત્વ તેની રાજકીય, સામાજીક અને આર્થિક સ્થિરતાનાક પાયા પર ટકેલું હોય છે આમાનાં એક પણ પાયામાં લુણો લાગે તો સમગ્ર દેશના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ ઉભો થઈ જાય છે. આવો જ અસ્તિત્વનો પ્રશ્ર્ન પાકિસ્તાનમાં ઉભો થયો છે. ઈમરાનખાને રાજકીય જીત દ્વારા પાકિસ્તાનમાં સત્તા તો મેળવી છે. પરંતુ, સામાજીક અને આર્થિક મુદાઓ પર તેઓ યોગ્ય કામગીરી કરવામાં નિષ્ફળ જતા પાકિસ્તાન હાલમાં ભુખમરાની સ્થિતિમાં મૂકાય જવા પામ્યું છે. જેથી પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સુધરે તે માટે ભારત સહિતના પાડોશી દેશો સાથે સુમેળભર્યા સંબંધો બંધાય તેવી અપેક્ષા ઈમરાન ખાન રાખી રહ્યા છે. જેથી, ઈમરાન પણ મોદીનીજીતવાની ‘આશા’માં બેઠા છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને ગઈકાલે ઈસ્લામાબાદ ખાતે વિદેશી પત્રકારોને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યુંં હતુ કે ગૂ‚વારથી ભારતમાં શરૂ થતી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રમોદી જીતી જાય તો ભારત સાથે શાંતિમંત્રણા વધુ સારી રીતે શકય બનશે જો વિપક્ષી પાર્ટી કોંગ્રેસની તો આગેવાની વાળી નવી સરકાર આવશે તો જમણેરી પક્ષોના ડરથી તેઓ કાશ્મીર મુદે પાકિસ્તાન સાથે સમાધાન પ્રક્રિયા હાથ ધરવામાં ડરી શકે છે. તેમને આશા વ્યક્ત કરી હતી કે જો જમણેરી પક્ષ ભાજપ આ ચૂંટણીમાં વિજયી બને તો કાશ્મીર મુદે કોઈ પ્રકારનું બંને દેશોની સરકારો વચ્ચે ઝડપથી સમાધાન થઈ શકે છે. ખાને વધુમાં જણાવ્યું હતુ કે કાશ્મીરનાં મુસ્લિમો ભારતના અન્ય મુસ્લિમોના વડાપ્રધાન મોદી વિશે અલગ અલગ મતો હોય શકે છે.

મેં કયારેય વિચાર્યું ન હતુ કે હાલ ભારતમાં શું ચાલી રહ્યું છે? પરંતુ હાલમાં ભારતમાં મુસ્લિમનેસ પર હુમલો થઈ રહ્યો છે. તેમ જણાવીને ખાને ઉમેર્યું હતુ કે વડાપ્રધાન મોદીનો ચૂંટણીલક્ષી મુદો ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહ જેમ ડર અને રાષ્ટ્રવાદની લાગણી પર આધારીત છે. જમ્મુ કાશ્મીરના લોકોના દાયકાઓ જૂના વિશેષ અધિકારોને રદ કરવા ભાજપે તેના સંકલ્પપત્રમાં કરેલા વચન અંગે આને જણાવ્યું હતુ કે આ પણ ભાજપનો ચૂંટણી લક્ષી મુદો છે. તેમને એવો પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાનમાં રહેલા અને ભારતમાં આતંકવાદ ફેલાવતા તમામ આતંકવાદી જુથોને પાકિસ્તાની સૈન્ય ખત્મ કરી નાખશે. પાકિસ્તાન સરકાર કોઈ પણ આતંકવાદી જુથોને ટેકો આપવાની વિરૂધ્ધમાં છે અને આતંકવાદ મુદે અમે વિશ્ર્વના બીજા દેશોની સાથે છીએ.

કાશ્મીર એક રાજકીય સંઘર્ષ છે અને તેનો ઉકેલ સૈન્ય શકિત દ્વારા શકય નથી તેમ જણાવીને ખાને ઉમેર્યુ હતુ કે પાકિસ્તાનમાંથી સરહદ પાર કરીને આવેલા આતંકવાદીઓના કારણે સૌથી વધુ સહન કરવાનો વારો કાશ્મીરી લોકોને આવ્યો છે. જેના કારણે ભારતીય સેનાએ હાલમાં બંને દેશો વચ્ચે કટોકટીની સ્થિતિ ઉભી કરી હતી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કાશ્મીરના પુલવામામાં થયેલા આત્મઘાતી આતંકી હુમલામાં ભારતના અર્ધલશ્કરી દળના ૪૦ સૈનિકો શહીદ થયા હતા જે બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સાવ વણસી ગયા હતા.

અને ગમે ત્યારે યુધ્ધ ફાટી નીકળે તેવી સંભાવના સેવાઈ હતી જોકે, પાકિસ્તાની સરકારે આ હુમલા પાછળ પોતાની જવાબદારી સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ પાક. સ્થિત જૈસે મહંમદ આતંકી જુથે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. જેથી, પાકિસ્તાન બચાવની સ્થિતિમાં આવી ગયું જે બાદ ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઈક હાથ ધરીને પાકિસ્તાન હસ્તકના કાશ્મીમાં આવેલા આતંકવાદી કેમ્પો પર હુમલા કર્યા હતા. જેના બીજા દિવસે પાકિસ્તાને પણ ભારતીય લશ્કરી કેમ્પોને નિશાન બનાવવા લડાકુ વિમાન મોકલ્યું હતુ. પરંતુ, ભારતીય વાયુસેનાના પાયલોટ અભિનંદન કુમારના સાહસના કારણે આ હુમલાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.

જે બાદથી ભારત પાકિસ્તાન વચ્ચે સંબંધો કથડયા હતા ઈમરાન ખાનના કહેવા અનુસાર પુલવામામાં હત્યાકાંડ અને ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઈક બાદ વડાપ્રધાન મોદી અને ભાજપના દેશભકિતના કાર્યને મહત્તમ પ્રતિસાદ મળ્યો હતો. તેમ જણાવીને ખાને ડર વ્યકત કર્યો હતો કે આ ચૂંટણીમાં વધુ લાભ ખાટવા મોદી સરકાર પાકિસ્તાન સામે વધુ લશ્કરી કાર્યવાહી કરી શકે છે.

આ પહેલા પણ પાકિસ્તાનના વિદેશમંત્રી શાહમહમુદ કુરેશીએ આગામી મહિને ભારત ફરીથી પાકિસ્તાન પર હુમલો કરશે જોકે ભારત સરકાર આ દાવાને બેજવાબદાર ઠેરવ્યો હતો. ઈમરાન ખાને અંતમાં જણાવ્યું હતુ કે પાકિસ્તાનના ૧૦ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા અર્થતંત્રનો સુદ્દઢ બનાવવાની જરૂર છે. તે માટે પાકિસ્તાન, ભારત, અફઘાનિસ્તાન, ઈરાન વગેરે પાડોશી દેશો સાથે શાંતિપૂર્ણ સુમેળભર્યા સંબંધો બનાવવા ઈચ્છે છે. ઉલ્લેખનીય છે કે, પાક પ્રેરિત આતંકવાદનો ભોગ બનેલા ભારત અફઘાનિસ્તાન અને ઈરાન સાથે મળીને સર્વાંગી વિકાસ માટેના નવા પ્રયત્નો હાથ ધર્યા છે. જેથી આ દેશો વચ્ચે ઘેરાયેલું પાકિસ્તાન એકલુ અટુલુ પડી ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.