લોકસભા ચૂંટણી અંતર્ગત જૂનાગઢ ખાતે જાહેર સભા માટે આવી રહેલા વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાજકોટ એરપોર્ટ પર દસ મિનીટનું ટૂંકુ રોકાણ કરનાર હોવાથી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જેસીપી સિધ્ધાર્થ ખત્રી દ્વારા ઝેડ પ્લસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. એરપોર્ટથી સર્કીટ હાઉસ અને સિવિલ હોસ્પિટલ ખાતે ખાસ વ્યવસ્થા સહિતની બાબતોને બંદોબસ્તની સ્કીમમાં આવરી લેવામાં આવી છે.
રાજકોટ એરપોર્ટથી હેલીકોપ્ટરમાં જૂનાગઢ અને ત્યાંથી પરત રાજકોટ એરપોર્ટ આવી સુરત જવાના હોવાથી વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના એરપોર્ટ આગમન અને રવાના સમય દરમિયાન પોલીસનો સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ સર્કીટ હાઉસ ખાતે પણ ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. તેમજ સિવિલ હોસ્પિટલનો ટ્રોમા સેન્ટરનો પહેલો માળ ખાલી રાખવામાં આવ્યો છે. તેમજ હોસ્પિટલ ખાતે પણ એસઆરપી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.