રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલી સહિતના શહેરોમાં તાપમાનનો પારો ૪૩ ડિગ્રી સુધી પહોંચી જશે: ૧૪ થી ૧૬ એપ્રીલ દરમિયાન કમોસમી વરસાદની શકયતા
ઉનાળાના આરંભે શરૂ થયેલી કાળઝાળ ગરમીનો પ્રકોપ ઘટવાનું નામ લેતો નથી. આજથી વધુ ૪ દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે અને યેલો એલર્ટ જાહેર કરાયું છે. રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલી સહિતના શહેરોમાં તાપમાનનો પારો ૪૩ ડિગ્રી સુધી પહોંચી જાય તેવી સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે. જયારે ૧૪ થી ૧૬ એપ્રીલ દરમિયાન રાજયમાં છુટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ પણ વરસી શકે છે.
છેલ્લા એક માસથી સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં આકાશમાંથી રીતસર અગનવર્ષા થઈ રહી છે. હાલ પવનની દિશા પશ્ર્ચિમ અને ઉતર પશ્ર્ચિમ હોવાના કારણે ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ગઈકાલે રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરનું મહતમ તાપમાન ૪૧.૩ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. દરમિયાન આજથી આગામી ૧૪મી એપ્રીલ સુધી યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઉતર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી અને કચ્છમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું હોય તાપમાનનો પારો ૪૧ થી ૪૩ ડિગ્રી વચ્ચે રહે તેવી પ્રબળ સંભાવના છે. અમુક શહેરોમાં પારો ૪૩ ડિગ્રીને પાર થાય તેવી શકયતા પણ નકારી શકાતી નથી. આગામી ૧૪ થી ૧૬ એપ્રીલ દરમિયાન રાજયમાં કમોસમી વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. કાળઝાળ ગરમીના કારણે જનજીવન રીતસર ત્રાહિમામ પોકારી ગયું છે.
છેલ્લા એક માસથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતવાસીઓ કાળઝાળ ગરમીમાં રીતસર શેકાઈ રહ્યા છે. જેમાં લોકોને હજી એક સપ્તાહ કોઈ રાહત મળે તેવા એંધાણ દેખાતા નથી. આજથી ૪ દિવસ વધુ હીટવેવની આગાહી આપવામાં આવી હોય લોકોને બપોરના સમયે કામ સિવાય ઘરની બહાર ન નિકળવા પણ તાકીદ કરવામાં આવી છે.
સતત તડકાનાં કારણે રાજયભરમાં બપોરના સમયે ચાલતી શાળાઓના સમયમાં ફેરફાર કરવા પણ માંગણી ઉઠી રહી છે. આ વર્ષે ઉનાળાની સીઝન લાંબી ચાલે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. જે રીતે ઉનાળાના આરંભે જ તાપમાનનો પારો ૪૩ ડિગ્રીએ પહોંચી ગયો છે. એ જોતા એવું લાગી રહ્યું છે કે, એપ્રીલ માસના અંતમાં કે મે માસના આરંભે રાજયમાં અનેક શહેરોમાં પારો ૪૫ ડિગ્રીને પણ કુદાવે તેવી શકયતા નકારી શકાતી નથી. આકાશમાંથી રીતસર અગનવર્ષા થઈ રહી હોય એસી, પંખાઅને વોટર કુલર જેવા ગરમી સામે રક્ષણ આપતા ઉપકરણો પણ હવે સુર્યપ્રકોપનો સામનો કરવામાં બે અસર પુરવાર થઈ રહ્યા છે.