પુત્રના નજર સામે જ હત્યા કરી બનાવને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ: ત્રણ શખ્સો સાથે અનૈતિક સંબંધમાં આડખીલી બનતા પતિને પતાવી દીધાની કબુલાત
રાજુલા તાલુકાના ઠવી ગામના યુવાનની આડા સંબંધના કારણે પત્ની અને તેના પ્રેમી સહિતના શખ્સોએ લાકડીથી માર મારી હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે મૃતકની પત્ની અને તેના ત્રણ પ્રેમીની ધરપકડ કરી પૂછપરછ કરતા અનૈતિક સંબંધમાં પતિ આડખીલી બનતા રૂ.૧.૫૦ લાખની સોપારી આપી હત્યા કરી બનાવને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ કર્યાની ચોકાવનારી કબુલાત આપતા સનસનાટી મચી ગઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજુલા તાલુકાના ઠવી ગામે રહેતા નરશીભાઇ ભાટુભાઇ વાઘેલા નામના યુવાન ગત તા.૨૦ નવેમ્બરે ભેદી રીતે લાપતા બન્યા બાદ તેની લોહીલુહાણ હાલતમાં લાશ મોટા ભમોદ્રા ગામ પાસેથી મળી આવી હતી. પોલીસે એડીની નોંધ કરી તપાસ હાથધરી હતી.
દરમિયાન મૃતક નરશીભાઇ વાઘેલાની બાજુમાં જ રહેતા તેના ભત્રીજા બાબુભાઇ વાઘેલાએ પાલિતાણા ગામના પ્રતાપ વલ્લભ પરમાર, દિનેશ ખોડા પરમાર, મૃતક નરશીની પત્ની નયના અને એક અજાણ્યા શખ્સે હત્યા કરી લાશને બાઇક પર લઇ જઇ ફેંકી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
નયનાને પાલિતાણાના પ્રતાપ વલ્લભ સાથે આડા સંબંધ હોવાથી નયના અને તેના પતિ નરશી વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા અને ગત તા.૨૦ નવેમ્બરે પ્રતાપ અને દિનેશ ઘરે આવી નરશી પર લાકડીથી હુમલો કરતા તેનું મોત નીપજતા નરશીની પત્ની નયનાએ લોહી સાફ કર્યા બાદ પ્રતાપે કોઇને ફોન કરીને ઘરે બોલાવ્યા બાદ નરશીની લાશને નયના સહિતના ચારેય શખ્સોએ બાઇક પર લઇ જઇ મોટા ભમોદ્રા ગામની નદી પાસે ફેંકી દીધાનું અને સમગ્ર બનાવ મૃતક નરશીના પુત્ર બાવીયાએ બાબુ વાઘેલાને જણાવ્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.
નયનાની પૂછપરછ કરતા તેને પાલિતાણાના પ્રકાશ વલ્લભ પરમાર, મૃતકના સાઢુભાઇ દિનેશ ખોડા પરમાર અને ઇમરાન મુસા લાખાણી સાથે અનૈતિક સંબંધ હોવાથી ત્રણેય પ્રેમીને પતિ નરશીભાઇ વાઘેલાની હત્યાની રૂ.૧.૫૦ લાખની સોપારી આપી હોવાની કબુલાત આપી હતી.