જમ્મુ-કાશ્મીરના નાગરિકોને દેશની મુખ્ય ધારાથી જોડવા અને રાષ્ટ્રવાદની વિચારધારાને મજબૂત કરવા ભાજપે કાશ્મીરીઓને વિશેષ દરજજો આપતી બંધારણની કલમ ૩૫-એ હટાવવાનું સંકલ્પ પત્રમાં વચન આપ્યું
લોકસભાની ચૂંટણીના પ્રથમ તબકકાના મતદાન આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ભાજપે ગઈકાલે તેના ચૂંટણી સંકલ્પપત્રની જાહેરાત કરી હતી કાશ્મીરના પુલવામામાં થયેલા અર્ધલશ્કરી દળો પર થયેલા આત્મઘાતી હુમલા બાદ દેશભરમાં બદલાની ભાવના પ્રબળ બની હતી. મોદી સરકારે આ હુમલાનો જવાબ આતંકી કેમ્પો પર એર સ્ટ્રાઈક કરીને આપ્યો હતો. જે બાદ દેશભરમાં રાષ્ટ્રવાદની ભાવના અતિ પ્રબળ બનવા પામી છે. જેથી ભાજપે, આગામી ચૂંટણીમાં રાષ્ટ્રવાદનો મુદો મતદારોની લાગણી જીતવા તેના સંકલ્પપત્રમાં જમ્મુ કાશ્મીર રાજયને વિશેષ દરજજો આપતી બંધારણની કલમ ૩૭૦ અને કાશ્મીરીઓને ખાસ દરજજો આપતી કલમ ૩૫-એ હટાવવાનું વચન આપ્યું છે.
ભારતને મળેલી આઝાદી બાદ જમ્મુ-કાશ્મીર રાજયને ભારતમાં સમાવવાના મુદે વિવાદ હોય બંધારણની કલમ ૩૭૦ હેઠળ જમ્મુ-કાશ્મીર રાજયને વિશેષ દરજજો આપવામાં આવ્યો છે. તેજ રીતે બંધારણની કલમ ૩૫ એ હેઠલ જમ્મુ કાશ્મીરના મૂળ નિવાસીઓને વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે. કલમ ૩૫-એ મુજબ દેશના અન્ય રાજયોના નાગરીકો કાશ્મીરમાં કાયમી વસવાટ નથી કરી શકતા કે ધંધો વ્યવસાય કરી શકતા તેમને આ રાજયનું નાગરીકત્વ પણ અપાતુ નથી ઉપરાંત જમ્મુ-કાશ્મીર રાજયની સરકારી નોકરીઓમાં પણ અન્ય રાજયોના નાગરીકોને સ્થાન આપવામાં આવતુ નથી. જયારે જમ્મુ કાશ્મીરના નાગરીકો દેશભરમાં ગમે ત્યાં ધંધો વ્યવસાય કરવાની સાથે જે તે રાજયનું નાગરીકત્વ મેળવવા ઉપરાંત સરકારી નોકરી પણ મેળવી શકે છે.
આ કલમ ૩૫-એના કારણે જમ્મુ કાશ્મીર રાજયમાં દેશના અન્ય નાગરીકો ત્યાં વસવાટથી માંડીને ધંધો વ્યવસાય કે નોકરી કરી શકતા ન હોય ત્યાંના નાગરીકો દેશની મુખ્યધારાથી વિમુખ થવા લાગ્યા છે. ખાસ કરીને કાશ્મીરી લોકો પોતાની જાતને ભારત દેશનો ભાગ માનતા નથી જેથી કાશ્મીરીઓને દેશની મુખ્યધારા સાથે જોડવા ભાજપે તેના સંકલ્પપત્રમાં દેશના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત બંધારણની કલમ ૩૫-એ દૂર કરવાનું વચન આપ્યું છે. આ અંગે પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતુ કે અમે જમ્મુ કાશ્મીર રાજયમાં ભારતના અન્ય નાગરીકો અને ત્યાંની મહિલાઓ માટે અન્યાયકારી બંધારણની કલમ ૩૫એ હટાવવા માંગીએ છીએ ઉપરાંત જમ્મુ કાશ્મીર રાજયને ખાસ દરજજો આપનારી બંધારણની કલમ ૩૭૦ પણ હટાવવાના વચન સંકલ્પ પત્રમાં આપ્યુ છે.
ભાજપે તેના સંકલ્પ પત્રમાં આ વચન આપીને કાશ્મીર ખીણમાં બેફામ બનેલા દેશવિરોધી તત્વોપર લગામ લગાવવાની સાથે કાશ્મીરી નાગરીકોને દેશની મુખ્ય ધારા સાથે જોડવા માટે પ્રયત્નો કરી રહ્યાનું પ્રતિપ્રાદ કરવા માંગે છે. કાશ્મીર ખીણમાં વધેલી આતંકવાદી પ્રવૃત્તિ પાછળ બંધારણની આ બંને કલમો કારણભૂત હોવાનું જણાવીને રાષ્ટ્રવાદને પ્રબળ બનાવવા આ કલમો દૂર કરવી જરૂરી હોવાનો દાવો ભાજપે કર્યો છે. આતંકવાદના કારણે વિસ્થાપિત થયેલા કાશ્મીરી પંડિતોના મુદે પણ ભાજપ કોંગ્રેસ પર સમયાંતરે આક્ષેપો કરતુ રહે છે. જેથી આ કલમ રદ કરવાની કાશ્મીરી પંડિતોના વિસ્થાપનનો પ્રશ્નોનો પણ કંઈક અંશે નિકાલ લાવી શકાય તેમ છે.
ભાજપે જમ્મુ-કાશ્મીર મુદે સૌ પ્રથમવાર તેજ વલણ સ્પષ્ટ કરીને કાશ્મીરીઓની વિકાસ અને રાજયને રાષ્ટ્રની મુખ્ય ધારા સાથે જોડવા માટે કલમ ૩૫ એને ફેર વિચારણાનો સંકલ્પ દોહરાવ્યો છે.ભાજપે મુળભૂત બંધારણની જોગવાઈઓનાં પરિધમાં રહીને આ મુદાના ઉકેલની વાત દોહરાવી છે. કોંગ્રેસે કાશ્મીરમાંથી એસપીજીએકટ હટાવવાની કવાયતમાં તમામ પક્ષોને સાથે રાખવાની વાત કરી હતી તેની સામે ભાજપ સીમાપાર આતંકવાદ અને રાજયમાં શાંતીની સ્થાપના માટે કલમ ૩૫ એ અંગે ફેર વિચારણા અને ત્રાસવાદ સામે લડવા માટે લડવા માટે સુરક્ષા દળોનો સંપૂર્ણ સ્વાયત્તા આપવાનો નિરધાર કર્યો છે.
ભાજપની આ જાહેરાત સામે કાશ્મીરના સ્થાનિક રાજકીય પક્ષોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. પરંતુ ભાજપ જમ્મુ-કાશ્મીરની સુરક્ષા અને રાષ્ટ્રીય સન્માન અને સ્વાભિમાનના મુદે કોઈપણ બાંધછોડ કરવા તૈયાર ન હોવાનો મત સ્પષ્ટ કર્યો છે. ભાજપે જમ્મુ કાશ્મીરનો મુદો રાષ્ટ્રની સુરક્ષા સાથે સંકળાયેલો હોવાનું જણાવી કાશ્મીરને દેશના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે અવરોધક પરિબળોને દૂર કરવા કલમ ૩૭૦-૩૫એના મુદાના ઉકેલનો સંકલ્પ દોહરાવ્યો છે.
કાશ્મીરના વિકાસ માટે વિશેષ દરજજો કેટલીક રીતે અવરોધ રૂપ બને છે. ભાજપે કાશ્મીરી પંડિતોને પૂન: ઘાટીમાં વસાવવા માટે તમામ પ્રયાસો માટે મકકમતા દર્શાવી છે. કાશ્મીરમાં ભય અને આરાજકત્નો માહોલ કાશ્મીરી પંડિતોને વતનમાં આવતા રોકે છે. એ વાતાવરણ ખતમ કરવાનું ભાજપે નિરધાર કર્યો છે.