જૂનાગઢ જતાં પહેલા વડાપ્રધાનનું રાજકોટમાં ટૂંકું રોકાણ: મોદીની ચૂંટણીસભા બાદ રાજ્યમાં ચૂંટણીલક્ષી ગરમાવો આવે તેવી સંભાવના
ગુજરાતની ૨૬ લોકસભા બેઠકના મતદાનના આડે હવે ૧૪ દિવસ બાકી રહ્યા છે છતાં રાજયમાં એક પણ બેઠક પર ચુંટણીલક્ષી ગરમાવો જોવા મળતો નથી. રાજયની તમામ ૨૬ બેઠકો પર ફરી ભગવો લહેરાવવા ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કમરકસી છે. આવતીકાલે તેઓ જુનાગઢમાં ચુંટણીસભા સંબોધી રાજયમાં ચુંટણીપ્રચારનાં શ્રીગણેશ કરશે. જુનાગઢ જતા પહેલા વડાપ્રધાનનું રાજકોટમાં ટુંકું રોકાણ થશે જયાંથી તેઓ હેલીકોપ્ટર મારફત જુનાગઢ જવા માટે રવાના થશે.
કાલે બુધવારે સવારે ૧૦:૦૦ કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દિલ્હીથી એરફોર્સના ખાસ પ્લેન મારફત રાજકોટ આવી પહોંચશે. રાજકોટ એરપોર્ટ ખાતે તેઓ ૨૦ થી ૨૫ મિનિટનું ટુંકું રોકાણ કર્યા બાદ હેલીકોપ્ટર મારફત જુનાગઢ રવાના થશે. સવારે ૧૦:૩૦ કલાકે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરીયમ હોલ પાસેના મેદાન ખાતે વડાપ્રધાનની ચુંટણીસભાનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન ૭૦ મિનિટ જુનાગઢમાં રોકાણ કરશે. જેમાં ૪૫ મિનિટ સભાને સંબોધશે ત્યારબાદ તેઓ ઉતર ગુજરાતમાં પણ એક સ્થળે ચુંટણીસભા સંબોધવા માટે રવાના થશે.
વડાપ્રધાનનાં જુનાગઢ આગમનનાં પગલે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જુનાગઢ લોકસભા ઉપરાંત પોરબંદર લોકસભા એમ બે બેઠકો માટે કાલે વડાપ્રધાનની ચુંટણીસભા યોજાવાની છે. જેના લીધે ભાજપનાં કાર્યકરોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચુંટણીના આડે માત્ર ૧૪ દિવસ જ બાકી રહ્યા હોવા છતાં હજી સુધી ચુંટણીલક્ષી માહોલ જામતો નથી ત્યારે આવતીકાલે વડાપ્રધાનની જુનાગઢ ખાતે ચુંટણીસભા બાદ રાજયમાં ચુંટણીનો ગરમાવો આવે તેવું માનવામાં આવી રહ્યું છે.