ઓવરબ્રિજનું મોટાભાગનું કામ પૂર્ણ: ૧૪ થી ૧૬ એપ્રીલ વચ્ચે બ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો મુકી દેવાશે
ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મહાપાલિકા દ્વારા શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર મવડી ચોકડી અને રૈયા ચોકડી ખાતે ફલાય ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે. થોડા મહિના પૂર્વે રૈયા ચોકડી બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે. દરમિયાન મવડી ઓવરબ્રિજનું મોટાભાગનું કામ હાલ પૂર્ણતાના આરે હોય આવતા સપ્તાહે વાહન ચાલકો માટે બ્રિજ ખુલ્લો મુકી દેવામાં આવશે. હાલ લોકસભાની ચુંટણીની આચારસંહિતા અમલમાં હોવાના કારણે કોઈ ભપકો કરવામાં આવશે નહીં. બ્રિજના પીલર અને દિવાલો પર હાલ ચિત્રનગરી દ્વારા નયનરમ્ય ચિત્ર બનાવવાની કામગીરી ચાલી રહી છે.
મવડી ચોકડી ખાતેથી રોજ ૧.૨૫ લાખ વાહનો પસાર થાય છે તેઓને ટ્રાફિકની સમસ્યામાંથી મુકત કરાવવા માટે મહાપાલિકા દ્વારા ૩૨ કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. બ્રિજની લંબાઈ ૫૬૯ મીટરની છે. સ્ટાટીંગ પોઈન્ટ ૧૫૦ ફુટ રીંગ રોડ પર ઓમનગર ચોકથી જયારે એન્ડ પોઈન્ટ ઉમિયા ચોક તરફ આર.કે.એમ્પાયર તરફ આવેલો છે. ઓવરબ્રિજ પર ૪ લેન બનાવવામાં આવ્યા છે જે પ્રત્યેક લેનની પહોળાઈ ૮.૪૦ રનીંગ મીટર છે. ૨૮ આરસીસી પીલર, ૮૪ આરસીસી ગલ્ડર અને ૨૮ આરસીસી ડેગ સ્લેબ છે. બ્રિજની મોટાભાગની કામગીરી હાલ પૂર્ણતાના આરે છે. રૈયા ચોકડીની મારફત મવડી ચોકડી બ્રીજ ખાતે પણ ચિત્રનગરી દ્વારા નયનરમ્ય ચિત્રો બનાવવાની કામગીરી ચાલી રહી છે. બ્રિજ આગામી ૧૪ થી ૧૬ એપ્રીલ દરમ્યાન વાહન ચાલકો માટે ખુલ્લો મુકી દેવામાં આવશે.
મવડી બ્રિજને આહીર દેવાયત બોદર નામ આપવા માંગણી
શહેરના મવડી ચોકડી વિસ્તાર ખાતે મહાપાલિકા દ્વારા દેવાયત બોદરની પ્રતિમા મુકવામાં આવી છે. અહીં બ્રિજનું નિર્માણ પણ થઈ રહ્યું છે. આગામી દિવસોમાં બ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો મુકવામાં આવનાર છે ત્યારે આ બ્રિજને આહિર શ્રી દેવાયતબાપુ બોદર નામ આપવા વોર્ડ નં.૧૩ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર અને કાન્હા યુવા ગ્રુપના પ્રમુખ કમલેશભાઈ કોઠીવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, મેયર બીનાબેન આચાર્ય અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડને લેખિતમાં રજુઆત કરી છે.