અનેક ભક્તિમય કાર્યક્રમો: મહિલાઓ દ્વારા રંગોળી બનાવાય: રાસ-ગરબાની રમઝટ
હિંદુ ધર્મમાં ધામધુમથી ઉજવાતી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. ચૈત્રી નવરાત્રીમાં ભક્તો દ્વારા મા દુર્ગાની વિશેષ આરાધના કરવામાં આવતી હોય છે. ચૈત્રી નવરાત્રીમાં વિશેષ ફળની પ્રાપ્તિ માટે ભક્તો માતાજીની ઉપાસના કરતા હોય છે. માતાજીને પ્રસન્ન કરવા ભક્તો દ્વારા અનોખી ભક્તિ કરવામાં આવતી હોય છે. ભક્તો ચૈત્રી સુદ એકમથી લઈને નોમ સુધી મા દુર્ગાની પૂજા અર્ચના કરતા હોય છે.નવરાત્રીના પ્રથમ દિવસે ઘટસ્થાપનની સાથે સાથે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવતી હોય છે. ખાસ કરીને મહિલાઓને મા શૈલપુત્રીની પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે. પ્રથમ નવરાત્રીથી જ હિંદુ નવવર્ષનો પ્રારંભ થાય છે.
ત્યારે ચૈત્રી નવરાત્રીના પ્રારંભથી જ વિશ્વ પ્રસિદ્ધ અને લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક એવા ખોડલધામ-કાગવડ ખાતે ભક્તિમય કાર્યક્રમોનો પ્રારંભ થઈ ગયો છે. મા ખોડલની ભક્તિમાં ભાવિકો લીન થઈ ગયા છે. ચૈત્રી નવરાત્રીમાં નવ દિવસ સુધી દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડલધામ મંદિરે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
ખોડલધામના સ્વપ્નદ્રષ્ટા નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખોડલધામ મહિલા સમિતિ દ્વારા ચૈત્રી નવરાત્રીની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી રહી છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન ખોડલધામ મંદિરે અલગ અલગ ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાસ-ગરબા, ધુન-કિર્તન, રંગોળીઅને ચુંદડી અર્પણ કરવાના દિવ્ય કાર્યક્રમો ખોડલધામ ખાતે કરવામાં આવી રહ્યા છે. પ્રથમ નોરતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલે પણ મા ખોડલધામ ખાતે હાજર રહ્યા હતા અને મા ખોડલના આશીર્વાદ લીધા હતા.
ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઈ ચુકી છે ત્યારે પ્રથમ નોરતે ખોડલધામ ખાતે રાસ-ગરબા, ધુન-કિર્તન યોજાયા હતા આ સાથે જ મહિલાઓ દ્વારા ખોડલધામ મંદિર પરિસરમાં આકર્ષિત રંગોળી, ફળ સુશોભન કરવામાં આવ્યું હતું. અનેક ભક્તો દ્વારા મા ખોડલને અલગ અલગ પ્રકારની ચુંદડી પણ ધરવામાં આવી હતી.
૬ એપ્રિલને ચૈત્રી સુદ એકમના દિવસે પ્રથમ નોરતે ખોડલધામ મંદિરે જૂનાગઢ શહેર, અમરેલી તાલુકો અને જિલ્લો, રાંઢીયા, દામનગર, લીલીયા અને રાજકોટ શહેરની મહિલા સમિતિની મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી. અને ખોડલધામ ખાતે રાસ-ગરબા અને ધુન-કિર્તનની રમઝટ બોલાવી મા ખોડલની વિશેષ આરાધના કરી હતી. આ સાથે જ મહિલાઓ દ્વારા મંદિર પરિસરમાં સરસ મજાની રંગોળી અને માતાજીને ચુંદડી અર્પણ કરવામાં આવી હતી. સવારે સાડા નવ વાગ્યેથી ૧૨ વાગ્યા સુધી મહિલાઓ દ્વારા મંદિર પરિસરમાં આકર્ષક રંગોળી કરવામાં આવી ત્યારબાદ અઢી વાગ્યેથી સાડા પાંચ સુધી રાસ મંડળીઓ દ્વારા રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી ત્યારબાદ સાડા છ વાગ્યેથી સાત વાગ્યા સુધી મંદિર પરિસરમાં ભજન મંડળીઓએ ધુન-કિર્તનની રમઝટ બોલાવી હતી.આ પ્રકારના ભવ્ય કાર્યક્રમો નવ દિવસ સુધી ઉજવવાનું આયોજન ખોડલધામ દ્વારા કરવામાં આવ્યું છે.
નવરાત્રીનું પ્રથમ નોરતું હોવાથી ખોડલધામ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. મા ખોડલના આશીર્વાદ લેવા ઠેર ઠેરથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. સામાન્ય દિવસો કરતાં ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તોનો ધસારો વધુ જોવા મળ્યો હતો.
મોટી સંખ્યામાં લોકો દર્શાનાર્થે આવતા હોવાથી અને ચૈત્રી નવરાત્રીનો વિશેષ કાર્યક્રમ ભક્તિમય માહોલમાં યોજાય તે માટે ખોડલધામ મહિલા સમિતિની બહેનોએ યોગ્ય વ્યવસ્થા ગોઠવી છે. તમામ કાર્યક્રમોમાં કોઈ જાતની તકલીફ ન પડે તે માટે મહિલા સમિતિની બહેનો સતત ખડેપગે રહી હતી.