જ્યારે જ્યારે પડકાર આવ્યા છે ત્યારે કાર્યકર્તાઓએ બધા કામ છોડીને મા ભારતી માટે કામ કર્યું છે
અટલજી કહેતા હતા ભાજપ કાર્યકર્તાઓનો એકપગ જેલમાં અને એક પગ રેલમાં હોવો જોઈએ: વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઓરિસ્સાના સુંદરગઢમાં સભા સંબોધી હતી. ભાજપના સ્થાપના દિવસે તેમણે કહ્યું કે, ઘણી પાર્ટીઓ પૈસાથી બનતી હોય છે પરંતુ ભાજપની રચના કાર્યકર્તાઓના પરસેવાથી થઈ છે. મોદી છત્તીસગઢના બાલોદ અને મહારાષ્ટ્રના નાંદેડમાં પણ રેલી સંબોધીત કરવાના છે.
ભાજપ ન ધનબળથી ન બાહુબળથી બની છે
મોદીએ કહ્યું કે, ૪૮ વર્ષ પહેલાં આજના દિવસે જ ભાજપની સ્થાપના થઈ હતી. ભાજપ ધનબળ કે બાહુબળથી નથી બની કે કોઈ બહારથી લીધેલી વિચારધારાના આધારે બની છે. ભાજપ પરિવાર અને પૈસા પર આધારિત નથી. અમારી પાર્ટી કાર્યકર્તાઓના બલિદાનથી બની છે. ચાર-ચાર પેઢી જતી રહી. અમારી પાર્ટી પૈસા નહીં પણ પરસેવાથી બની છે. જ્યારે જ્યારે પડકાર આવ્યા છે ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ દરેક કામ છોડીને મા ભારતી માટે કામ કર્યું છે. જેપી આંદોલન અને ઈમરજન્સીના સમયમાં જેલમાં રહ્યા છે.
અટલજી કહેતા હતા- ભાજપ કાર્યકર્તાઓનો એક પગ જેલમાં અને બીજો રેલમાં હોવો જોઈએ. એટલે કે લોકોની સમસ્યાઓ સાંભળવા માટે કાર્યકર્તાઓએ સતત યાત્રાઓ કરવી જોઈએ અને વિકાસના મુદ્દાઓ માટે જેલમાં જતા પણ ડરવું જોઈએ નહીં. કેરળ અને બંગાળમાં આંતરે દિવસે આપણાં કાર્યકર્તાઓના જીવ લેવામાં આવે છે. જ્યાં આતંકવાદ હોય ત્યાં જ આવું થાય. અમારા કાર્યકર્તાઓનું વારંવાર મનોબળ તોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરંતુ તેમને સફળતા નથી મળી. આજે પૂર્વોત્તરથી લઈને દેશના ચારેય ખુણામાં ભાજપનો પરચમ લહેરાઈ રહ્યો છે. આજે ભાજપ દુનિયાનો સૌથી મોટો લોકતાંત્રિક પક્ષ બની ગયો છે.
મોદી છત્તીસગઢમાં તેમની રેલીથી ચાર લોકસભા ક્ષેત્ર કાંકેર, રાજનાંદગાંવ, દુર્ગ અને મહાસમુંદના મતદાતાઓને સાધવાનો પ્રયત્ન કરશે. આ સભા પહેલાં મુખ્યમંત્રી ભૂપેશ બધેલે મોદીને ૨૦ સવાલો કર્યા હતા. તેમણે પૂછ્યું હતું કે, તમારા કાર્યકાળમાં નક્સલી સમસ્યા કેટલી ખતમ થઈ? વિદેશથી કેટલું કાળુ ધન પરત આવ્યું? રૂ. ૧૫ લાખ ખાતમાં ક્યારે પરત આવશે? તમે આટલું ખોટુ કેવી રીતે બોલી શકો છો? ખેડૂતોની આવક ક્યારે અને કેવી રીતે બમણી થશે? ’બહુ થયું નારી પર વાર’ સ્લોગનનું શું થયું?
કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર મળીને નવા રેકોર્ડ બનાવે છે: શુક્રવારે મોદીએ યુપીના સહારનપુર, અમરોહા અને ઉત્તરાખંડના દેહરાદૂનમાં જનસભા કરી હતી. દેહરાદૂનમાં મોદીએ કહ્યું હતું કે, હેલિકોપ્ટરની દલાલી કોણે ખાધી? કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર મળીને નવા રેકોર્ડ બનાવે છે. કોંગ્રેસ રાજમાં ભ્રષ્ટાચાર એક્સેલેટર પર હોય છે અને વિકાસ અને વેન્ટિલેટર પર હોય છે. આ જ કોંગ્રેસની ઓળખ છે. તેમણે કહ્યું કે, હેલિકોપ્ટર કૌભાંડમાં દલાલોએ જે લોકોને લાંચ આપવાની વાત કરી છે તેમાં એક ’એપી’ છે અને બીજા ’ફેમ’ છે. આ ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, એપીનો અર્થ અહેમદ પટેલ અને ફેમનો અર્થ ફેમિલી છે.