આકાશમાંથી રીતસર અગનવર્ષા: શહેરીજનો ત્રાહિમામ: સુર્યનારાયણને ખમૈયા કરવા આજીજી: હજી ગરમી વધે તેવી પ્રબળ સંભાવના
સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં છેલ્લા બે પખવાડિયાથી કાળઝાળ ગરમી પડી રહી છે. ઉનાળાના આરંભે જ આકરા તડકાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે આજે પણ રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે પણ શહેરમાં તાપમાનનો પારો ૪૩ ડિગ્રી આસપાસ રહે તેવી સંભાવના વ્યકત કરાઈ છે. દરમિયાન બપોરે ૨:૩૦ કલાકે શહેરનું તાપમાન ૪૦.૨ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. આકાશમાંથી રીતસર અગનવર્ષા થઈ રહી હોય શહેરીજનો તોબા પોકારી ગયા છે. બપોરના સુમારે રાજમાર્ગો પર સ્વયંભુ સંચારબંધી જેવો માહોલ સર્જાય જાય છે. સુર્યનારાયણને ખમૈયા કરવા માટે રીતસર લોકો આજીજી કરી રહ્યા છે. જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજયમાં હજી ગરમીનું જોર વધશે.
ચાલુ સાલ ઉનાળો લાંબો ચાલશે અને ચોમાસાની સીઝનમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડશે તેવી ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટની આગાહી જાણે અત્યારથી જ સાચી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. આજે બપોરે ૨:૩૦ કલાકે શહેરનું તાપમાન ૪૦.૨ ડિગ્રી નોંધાયું હતું. છેલ્લા ૩ દિવસથી મહાપાલિકા દ્વારા શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે મહતમ તાપમાનનો પારો ૪૩ ડિગ્રી આસપાસ રહે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. આગામી દિવસોમાં રેડ એલર્ટની સંભાવના પણ જણાઈ રહી છે.
છેલ્લા બે સપ્તાહથી શહેરીજનો કાળઝાળ ગરમીમાં રિતસર અકળાઈ ઉઠયા છે. બપોરના સમયે અંગ ડઝાડતી ગરમી પડી રહી છે. દિવસભર આકરા તડકામાં સેકાયા બાદ રાત્રે ઠંડક મેળવવા માટે લોકો રાજમાર્ગો પર નિકળી પડે છે. ઠંડા-પીણા, આઈસ્ક્રીમ સહિતની ઠંડક આપતી ચીજ વસ્તુઓ ઉપર રીતસર તડાકો બોલે છે. શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોય, બપોરના સમયે કામ સિવાય ઘરની બહાર ન નિકળવા પણ તાકીદ કરવામાં આવી છે અને હીટસ્ટોકથી બચવા શકય તેટલું વધુ પાણી પીવા પણ અનુરોધ કરાયો છે.
આજે બપોરે ૨:૩૦ કલાકે શહેરનું તાપમાન ૪૦.૨ ડિગ્રી સેલ્સીયશ નોંધાયું હતું. આજે પણ મહત્તમ તાપમાનનો પારો ૪૨ થી ૪૩ ડિગ્રી સેલ્સીયશ વચ્ચે રહે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. બપોરે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૬ ટકા અને પવનની ઝડપ સરેરાશ ૧૬ કિ.મી. રહેવા પામી હતી. કાળઝાળ તડકા વચ્ચે ૧૬ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા લોકોએ અંગ દઝાડતી ગરમીનો અનુભવ કર્યો હતો.