ચીફ ફાયર ઓફિસર, ૩ સ્ટેશન ઓફિસર અને ૧ ફાયરમેનને ખુલાસો પુછશે મ્યુનિસિપલ કમિશનર
રાજકોટ મહાનગરપાલિકામાં ગઈકાલે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં ગેરલાયક ઠરેલા વોર્ડ નં.૧૮ના કોંગી કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાને સભાગૃહની બહાર કાઢવા અને પ્રેક્ષક ગેલેરીમાં આવેલા લોકોને પણ બહાર કાઢવા સભા અધ્યક્ષ તરીકે મેયર બીનાબેન આચાર્યએ આપેલા આદેશનો ઉલાળીયો કરનાર ફાયર બ્રિગેડના માર્શલ અને પોલીસ સ્ટાફને સસ્પેન્ડ કરવા ગઈકાલે મેયરે ભલામણ કરી હતી. દરમિયાન આગામી સોમવારે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા ચીફ ફાયર ઓફિસર સહિત ૫ લોકોને શો-કોઝ નોટીસ ફટકારવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે.
જનરલ બોર્ડના સભા અધ્યક્ષ તરીકે પોતાના આદેશનું પાલન ન થતાં મેયર બીનાબેન આચાર્યએ લાલઘુમ થઈ ગયા હતા. તેઓએ ગઈકાલે જ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને એક ધગધગતો લેટર લખ્યો હતો. જેમાં બોર્ડની ગરીમા જાળવવામાં નિષ્ફળ રહેલા અને ફરજમાં બેદરકારી દાખવનાર ફાયર બ્રિગ્રેડના માર્શલ અને પોલીસ સ્ટાફને સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી જેના પગલે આગામી સોમવારે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા કોર્પોરેશનના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર ઠેબા, સ્ટેશન ઓફિસર ફિરોઝ લુવાણી, કિરીટ કોળી અને અમિત દવે જયારે ફાયરમેન જયપાલસિંહ ઝાલાને શો-કોઝ નોટીસ ફટકારી સમગ્ર ઘટના અંગે ખુલાસો પુછવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે.