પીએમ કિશાન સન્માનનિધિ યોજનામાં રાજકોટ જિલ્લામાં ૧.૭૫ લાખ ખેડૂતોની ડેટા એન્ટ્રી કરવામાં આવી હતી. આ ડેટા એન્ટ્રી કરનાર ઓપરેટરોને એન્ટ્રી દીઠ રૂ.૨૦ નકકી કરવામાં આવ્યું હતું. આમ ઓપરેટરને રૂ.૩૫ લાખ ચૂકવવાના થાય છે પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા ચૂકવણુ ન કરવામાં આવતા રાત-દિવસ કામ કરી નિયત સમયમાં ડેટા એન્ટ્રી પૂર્ણ કરનાર ઓપરેટરોની હાલત કફોડી બની છે.
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કિશાન સન્માનનિધિ યોજના અમલમાં મુકી હતી. લોકસભાની ચૂંટણી પૂર્વે ખેડૂતોના ખાતામાં પ્રથમ કવાર્ટરના રૂ.૨૦૦૦ જમા કરવા માટે જ‚રી સુચનો જાહેર થયા હતા. જે સંદર્ભે વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટરો પાસેથી દિવસ-રાત કામ કરાવીને નિયત સમયમાં ૧.૭૫ લાખ ડેટા એન્ટ્રી કરાવવામાં આવી હતી. તંત્ર દ્વારા આ કોમ્પ્યુટર ઓપરેટરોને એક ડેટા એન્ટ્રી દીઠ રૂ.૨૦ વેતન પેટે ચૂકવવાનું નકકી કરવામાં આવ્યું હતું. આમ કોમ્પ્યુટર ઓપરેટરોને રૂ.૩૫ લાખનું ચુકવણુ તંત્રએ કરવાનું થાય છે.
ડેટા એન્ટ્રીનું કામ ઘણા દિવસો પૂર્વે પૂર્ણ થઈ ગયું છે પરંતુ હજુ સુધી ડેટા એન્ટ્રી કરનાર કોમ્પ્યુટર ઓપરેટરોને વેતન આપવામાં આવ્યું ન હોવાની રાવ ઉઠી છે. જો કે આ અંગે ફરિયાદોનો ધોધ અધિક કલેકટર ઉપર વરસતા તેઓએ આ અંગે જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી ટીલાળાને ધ્યાન દોર્યું હતું. ખેતીવાડી અધિકારી ટીલાળાના જણાવ્યા અનુસાર હાલ દરેક વિભાગ વાઈઝ દરખાસ્ત મંગાવવામાં આવી છે જેનું કામ પૂર્ણ થતાં પેમેન્ટનું કામ શરૂ કરવામાં આવનાર છે.
વધુમાં જાણવા મળતી વિગત અનુસાર દરેક કોમ્પ્યુટર ઓપરેટરોએ અન્ય તલાટી, કલાર્ક સહિતના કર્મચારીઓના એકાઉન્ટમાંથી લોગ-ઈન કરીને ડેટા એન્ટ્રીનું કામ કર્યું હતું. જેથી કયાં કોમ્પ્યુટર ઓપરેટરે કેટલું કામ કર્યું તે અંગે પણ અસમંજસની સ્થિતિ ઉદ્ભવે તેવી શકયતા છે.