૩૧મી મે સુધીમાં એડવાન્સ ટેકસ ભરનાર કરદાતાને અપાશે ૧૦ ટકા વળતર: મહિલાઓને ૫ ટકા વિશેષ વળતર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરતી વેરા વળતર યોજનાનો આગામી મંગળવારથી આરંભ થઈ રહ્યો છે. જે અંતર્ગત ૩૧મી મે સુધીમાં વર્ષ ૨૦૧૯-૨૦નો એડવાન્સ ટેકસ ભરનાર પ્રામાણિક કરદાતાઓને વેરામાં ૧૦ ટકા વળતર આપવામાં આવશે. જયારે મહિલાઓના નામે નોંધાયેલી મિલકતમાં ૫ ટકા વિશેષ વળતર સાથે કુલ ૧૫ ટકા વળતર આપવામાં આવશે. જુન માસમાં આ વળતર અનુક્રમે ૫ ટકા અને ૧૦ ટકા થઈ જશે.
આ અંગે વધુ માહિતી આપતા ટેકસ બ્રાન્ચના સુત્રોએ જણાવ્યું હતું કે, દર વર્ષની માફક મહાપાલિકા દ્વારા આ વર્ષે પણ એડવાન્સ ટેકસ ભરનાર કરદાતાને પ્રોત્સાહિત કરતી વેરા વળતર યોજનાનો આગામી મંગળવારથી આરંભ કરવામાં આવશે જે અંતર્ગત એડવાન્સ ટેકસ ભરનાર કરદાતાને વેરામાં ૧૦ ટકા વળતર આપવામાં આવશે. જયારે મહિલાઓના નામે નોંધાયેલી મિલકતમાં ૫ ટકા વિશેષ વળતર સાથે કુલ ૧૫ ટકા વળતર ૩૧મી મે સુધીમાં આપવામાં આવશે. ઓનલાઈન વેરો ભરનાર કરદાતાને વધારાનું ૫૦ રૂપિયા વળતર ચુકવવામાં આવશે. વેરા વળતર યોજના અંતર્ગત મહાપાલિકાની તમામ ૧૮ વોર્ડની વોર્ડ ઓફિસ ખાતે, સિવિક સેન્ટર ખાતે, ઝોનલ કચેરી ખાતે, પોસ્ટ ઓફિસ ખાતે, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને યશ બેંકની તમામ શાખાઓ પર વેરો સ્વિકારવામાં આવશે. કરદાતાઓએ વેરો ભરવા માટે લાઈનમાં ઉભું ન રહેવું પડે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
તમામ સ્થળે પીવાનું પાણી, લાઈટ અને પંખાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વેરા વળતર યોજના ૩ માસ ચાલશે તેમાં ૩૧મી મે સુધી ૧૦ અને ૧૫ ટકા જયારે જુન માસમાં ૫ અને ૧૦ ટકા સુધીનું વળતર આપવામાં આવશે.