તમે મુલાકાત લેતા સ્થળો, કોને ફોન કરો છો, મેઈલમાં શું વાત કરો છો આ તમામ રહસ્યો જાણીને બેઠુ છે ગુગલ
સર્ચ એન્જિન ગુગલ ઉપર તમે માંગો તે વિગતો મળતી હોય છે. આંગળીના ટેરવે વિશ્વભરને કોઈપણ માહિતી મળતી હોય છે. આજના યુગમાં ગુગલ વીના કોઈનો ઉદ્ધાર નથી. આપણે દિવસ દરમિયાન અનેક વખત સર્ચ એન્જિન ગુગલ સાથે કયાંકને કયાંક જોડાયેલા હોય છીએ. પછી ભલે આપણે સર્ચિંગ કે સર્ફિંગ ન કરીએ પરંતુ આપણે દિવસ દરમિયાન એન્ડ્રોઈડ, વિન્ડોઝ કે પછી આઈઓએસ સીસ્ટમ કેમ ન હોય. તમામ ગતિવિધિની વિગત ગુગલ પોતાના ખિસ્સામાં રાખી બેઠુ છે.
ગુગલની વોચથી કોઈપણ વ્યક્તિ બાકાત નથી. તમે ગુગલ ઉપર સર્ચ કરેલી કોઈપણ માહિતી કઈ પ્રકારની છે તેના ઉપરથી ગુગલને તમારા ઈન્ટ્રસ્ટ વિશે ખ્યાલ આવે છે. ગુગલ જેવી કેટલીક સોશ્યલ મીડિયા કંપનીઓ તમારી ડિજીટલ ગતિવિધિ ઉપરથી સતત તારણ કાઢતી હોય છે. જો તમે તેને બંધ કરવા માંગતા હોય તો ગુગલના માય એક્ટિવીટી પેજ પર જઈ વેબ અને એપ એક્ટિવીટી ઉપર કલીક કરીને સેટીંગ કરી શકો છો.
નેવીગેશનની સુવિધા આપતી ગુગલ મેપ તમે કયાં સ્થળ પર જાવ છો, કયાં સ્થળ પર વારંવાર જાવ છો અને કયા રૂટનો ઉપયોગ કરો છો તેવી તમામ માહિતી સર્વરને પહોંચાડે છે. લોકેશન હિસ્ટ્રીથી લઈ વારંવાર તમે જે સ્થળ પર ગયા હોય તે સ્થળની માહિતી પણ સર્વર સુધી પહોંચે છે. ટાઈમ લાઈન ફીચર્સ દ્વારા ગુગલ તમારા લોકેશનનું ટ્રેકિંગ કરે છે તો પ્લે સ્ટોર પર આપણે ડાઉનલોડ કરેલી એપ્લીકેશનો કયાં વિષય અને સંદર્ભની છે. કેટલી વખત તમે એકની એક એપ્લીકેશન ડાઉનલોડ અને અન ઈન્સ્ટોલ કરી તેની માહિતી પણ ગુગલ રાખે છે. ગુગલ પ્લસ દ્વારા અપાતી સર્વિસ ગુગલ ફોટોસ તમારા ફોટાને સાચવી, સંઘરીને તો રાખે છે પરંતુ તમે કયાં પ્રકારના ફોટો પડાવ્યા છે, કેટલી વખત ફોટા પાડયા છે તેની પણ માહિતી ગુગલ રાખતું હોય છે.
ગુગલ ક્રોમ દ્વારા આપણે વેબસાઈટો તેમજ સર્ફિંગ કરતા હોય તો કઈ પ્રકારની વેબસાઈટો આપણે વારંવાર સર્ચ કરી રહ્યાં છીએ તેનો હેતુ શું છે તે પ્રકારની માહિતી ગુગલ પર મળી જતી હોય છે. એન્ડ્રોઈડ મોબાઈલ દ્વારા આપણે કેટલા અપડેટ એપ્લીકેશનમાં કરીએ છીએ, કઈ એપ્લીકેશનનો વપરાશ સૌથી વધુ છે, આ ઉપરાંત જી-મેઈલ પર આવતા તમામ મેઈલ અને તેમાં થયેલી વાતચીત અંગે જો ગુગલને શંકાસ્પદ જણાય તો ગુગલ તમારા મેઈલ પણ વાંચી શકે છે.તમારા કોન્ટેકટ લીસ્ટમાંથી તમે વારંવાર કોને ફોન કરો છો, કઈ પ્રકારની વાતચીત કરો છો અને યુ-ટયુબ પર કયાં પ્રકારના વીડિયો જુઓ છો અને વારંવાર કઈ પ્રકારના ક્ધટેન્ટ પાછળ સમય આપો છો તે પણ માહિતી ગુગલ પાસે હોય છે. એટલે કે સર્ચ એન્જિન ગુગલ તમારા તમામ રહસ્યો જાણી બેઠુ છે જેની નજરમાંથી કોઈપણ બાકાત નથી.