ખાદ્યતેલમાં ૯ વેપારીઓને ત્યાં સવારથી દરોડા પડાયા હતા: હજુ તપાસ ચાલુ
સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર ચાલી રહેલા બોગસ બિલીંગ કૌભાંડ સામે સક્રિય બનેલા રાજકોટના એસ.ટી. વિભાગે જૂનાગઢમાંથી એક જંગી રકમનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપી લઈ અને આગળની તપાસ હાથ ધર્યાનું બહાર આવેલ છે. આ અંગેની રાજકોટ જી.એસ.ટી. વિભાગ, ડીવીઝન-૧૧નાં જે.સી. વી.એન. ગુર્જરના આદેશ મુજબ જૂનાગઢ ખાતે આવેલ ખાદ્ય તેલનાં કુલ ૯ વેપારીઓ ઉપર આજરોજ ગુપ્તરાહે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડાની પ્રાથમિક તપાસના અંતે રાજકોટ જી.એસ.ટી. ડિવિઝન-૧૧ દ્વારા રૂ.૨૨૭ કરોડથી વધુનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપી લેવાયું છે.
આ અંગેની મળતી વધુ વિગતો મુજબ આજરોજ તા.૫-૪ના રોજ જૂનાગઢ ખાતે કુલ નવ વેપારીઓમાં જીએસટી કાયદા અન્વયે તપાસની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ તમામ વેપારીઓએ ફકત બિલીંગ પ્રવૃતિ કરતા હોવાનું ધ્યાને આવતા તપાસની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ તમામ વેપારીઓએ ટૂંકા ગાળામાં ઈ-વે બીલ જનરેટ કરીને માલ મોકલતા હોવાની વિગતો ધ્યાને આવેલ હતી. જે પેઢીઓ ઉપર દરોડા પડાયા છે.
તેમાં વેદાંત એન્ટરપ્રાઈઝે ૩૪.૫૦ કરોડના ઈ-વે બીલ જનરેટ કરેલ છે, પરિમલ એન્ટરપ્રાઈઝે ૫.૬૮ કરોડના ઈ-વે બીલ જનરેટ કરેલ છે, રીલાયેબલ એન્ટરપ્રાઈઝે ૪૨.૩૬ કરોડના ઈ-વે બીલ જનરેટ કરેલ છે, પેરેડાઈઝ એન્ટરપ્રાઈઝે ૨૨.૮૦ કરોડના ઈ-વે બીલ જનરેટ કરેલ છે, કલાસીક ટ્રેડર્સે ૨૫.૧૦ કરોડના ઈ-વે બીલ જનરેટ કરેલ છે,
નોબલ એન્ટરપ્રાઈઝે ૪૨.૫૦ કરોડના ઈ-વે બીલ જનરેટ કરેલ છે, આલ્ફા ટ્રેડીંગે ૩૧.૫૨ કરોડના ઈ-વે બીલ જનરેટ કરેલ છે, પૂજા ટ્રેડીંગ ૭.૫૯ કરોડના ઈ-વે બીલ જનરેટ કરેલ છે, સમર્થ એન્ટરપ્રાઈઝે ૧૫.૭૬ કરોડના ઈ-વે બીલ જનરેટ કરેલ છે. ઉપર જણાવેલ નવ વેપારીઓ દ્વારા રૂ.૨૨૭.૮૦ કરોડના ઈ-વે બીલ જનરેટ કરવામાં આવેલ છે.
તમામ વેપારીઓ ખાદ્ય તેલીબીયાના વેપાર સાથે સંકળાયેલ હોવાનું ધ્યાને આવેલ છે. આ તમામ પેઢીના જે માલિકો દર્શાવવામાં આવેલ છે તેઓના પાન નંબરનો દુરઉપયોગ કરીને જીએસટી નંબરો કોઈ વ્યક્તિ દ્વારા મેળવવામાં આવેલ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ છે. આ બિલીંગ કૌભાંડમાં સંડોવાયેલા વ્યક્તિને શોધવાની કામગીરી તપાસ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહેલ છે.