જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં નામાંકનપત્રોની ચકાસણી હાથ ધરાઈ: બે અપક્ષ ઉમેદવારોએ નામાંકન પત્રમાં ગોટાળા કર્યા હોવાથી ફોર્મ અમાન્ય કરાયા, ત્રણ ડમી ઉમેદવારોના ફોર્મ પણ અમાન્ય
રાજકોટ લોકસભા બેઠકમાં ચૂંટણી લડવા માટે ગઈકાલે અંતિમ દિવસ સુધીમાં કુલ ૨૧ ઉમેદવારોએ નામાંકન પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી. ત્યારબાદ આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં નામાંકન પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૬ ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. અન્ય ત્રણ ડમી ઉમેદવારોના તેમજ બે અપક્ષ ઉમેદવારોએ ફોર્મમાં ગોટાળા કર્યા હોવાથી તેઓના ફોર્મ અમાન્ય રાખવામાં આવ્યા હતા.
રાજકોટ લોકસભા બેઠકમાં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો માટે ગત તા.૨૮થી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં ગઈકાલે અંતિમ દિવસ સુધીમાં ભાજપ-કોંગ્રેસ અને બસપા તેમજ અપક્ષના ૨૧ ઉમેદવારોએ નામાંકન પત્ર જમા કરાવીને ઉમેદવારી નોંધાવી હતી. આ ઉમેદવારી ફોર્મની આજે જિલ્લા ચૂંટણી અધિકારી ડો.રાહુલ ગુપ્તાની ઉપસ્થિતિમાં આજે ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
જેમાં ભાજપના મોહનભાઈ કુંડારીયા, કોંગ્રેસના લલીતભાઈ કગથરા, બસપાના વિજયભાઈ એસ.પરમાર તેમજ અપક્ષ વિનોદભાઈ વાઘેલા, ડાયાભાઈ શેઠીયા, જીતેન્દ્રભાઈ ચૌહાણ, અમરદાસભાઈ દેસાણી, જયપાલસિંહ તોમર, પ્રવિણભાઈ દેગડા, નાથાભાઈ ચિત્રોડા, પ્રવિણભાઈ રૈયાણી, રાકેશભાઈ રૂપાપરા, મનોજભાઈ ચૌહાણ, જગદીશભાઈ મકવાણા, રાજેશભાઈ સોલંકી અને પ્રકાશભાઈ ગરનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું હતું. જયારે ડમી ઉમેદવાર તરીકે ભાજપના બાવનજીભાઈ મેતલીયા, કોંગ્રેસના અશોકભાઈ ડાંગર, બસપાના અર્જૂનભાઈ ચૌહાણનું ફોર્મ મેન્ડેટ ન હોવાથી અમાન્ય રાખવામાં આવ્યું હતું.
ઉપરાંત અપક્ષ ઉમેદવાર હેમેન્દ્રભાઈ કોટેચાએ સોગંદનામુ રજૂ કર્યું ન હતું અને ડિપોઝીટ પણ ભરી ન હતી. સાથે દરખાસ્ત કરનારના નામ પણ ન હોવાથી તેઓનું ફોર્મ અમાન્ય ઠેરવવામાં આવ્યું હતું. જયારે અન્ય અપક્ષ ઉમેદવાર વિજયભાઈ કે.પરમારની દરખાસ્ત કરનાર વ્યક્તિનું નામ ખરાઈ થતુ ન હોવાથી અને છ નામોની મતદાર યાદીમાં ખરાઈ થતી ન હોવાથી તેઓનું ફોર્મ પણ અમાન્ય રાખવામાં આવ્યું હતું. આમ હવે રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીમાં ૧૬ ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. જો કે, સાચુ ચિત્ર આગામી ૮મીએ સ્પષ્ટ થવાનું છે. કારણ કે, ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ આઠ રાખવામાં આવી છે.
રાજકોટ બેઠક માટે માન્ય રહેલા ઉમેદવારો
ઉમેદવારનું નામ | પક્ષ |
મોહનભાઈ કુંડારીયા | ભાજપ |
લલીતભાઈ કગથરા | કોંગ્રેસ |
વિજયભાઈ એસ.પરમાર | બસપા |
વિનોદભાઈ વાઘેલા | અપક્ષ |
ડાયાભાઈ શેઠીયા | અપક્ષ |
જીતેન્દ્રભાઈ ચૌહાણ | અપક્ષ |
અમરદાસ દેસાણી | અપક્ષ |
જયપાલસિંહ તોમર | અપક્ષ |
પ્રવિણભાઈ દેગડા | અપક્ષ |
નાથાભાઈ ચિત્રોડા | અપક્ષ |
રાકેશભાઈ રૂપાપરા | અપક્ષ |
મનોજભાઈ ચૌહાણ | અપક્ષ |
જગદીશભાઈ મકવાણા | અપક્ષ |
રાજેશભાઈ સોલંકી | અપક્ષ |
પ્રકાશભાઈ ગર | અપક્ષ |