‘ધૂમ મચાલે ધૂમ’
લોકશાહીના મહાપર્વમાં મોદી મેનિયા લોકોના દિલો-દિમાગમાં છવાયું
ચૂંટણીની મૌસમ ખીલી છે ત્યારે મોદી બ્રાન્ડ ભારતીયોના ઘરોમાં ધુમ મચાવી રહી છે. વિશ્વમાં સૌથી વધુ ટ્વીટર પર ફોલોઅર્સ ધરાવતા રાજનેતા નરેન્દ્ર મોદીની બોલબાલા અવિરત છે અને ભાજપે જન સંપર્કનો નવો પ્રયાસ કર્યો છે. તાજેતરમાં જ ૬૮ વર્ષીય મોદીને સમર્પિત નમો ટીવી લોન્ચ કરવામાં આવ્યું હતું. મોદીની એપ્લીકેશન ૧૦૦ મીલીયનથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. ભારત તો ઠીક વિશ્વભરમાં સોશ્યલ મીડિયાના માધ્યમથી મોદી બહોળો ચાહક વર્ગ ધરાવે છે.
મોદી અને ભાજપ અને ભાજપ સંલગ્ન કુલ ૫૭.૫ મીલીયન ફોલોઅર્સ ટ્વીટર છે જે કોંગ્રેસની પાર્ટી અને તેના પ્રેસીડેન્ટ રાહુલ ગાંધીના ફોલોઅર્સ કરતા ચાર ગણા વધુ છે. બીજેપીનો દાવો છે કે, તેમની રાજનૈતિક પાર્ટી વિશ્વમાં સૌથી વધુ સભ્યો ધરાવે છે. લોકશાહીના મહાપર્વને આડે માત્ર વેઢે ગણાય તેટલા દિવસો વધ્યા છે ત્યારે મોદીને કારણે વિશ્વભરના લોકોની નજર ભારતના મતદાન અને ચૂંટણી પરિણામો ઉપર છે.
નરેન્દ્ર મોદીની સભા હોય કે રેલી તેમાં લાખોની સંખ્યામાં જન શૈલાબ ઉમટી પડતો હોય છે. તેઓ એક જ દિવસમાં ૩ થી ૪ રેલીઓ સંબોધે છે. જેને લાખો લોકો વિવિધ માધ્યમો દ્વારા લાઈવ પણ નિહાળે છે. આજે બજારમાં નરેન્દ્ર મોદીના ચા-કોફીના મગ, મોબાઈલ એપ્લીકેશન, ટીવી જેવી અનેક ચિજવસ્તુઓ લોકોના ઘરોમાં શોખથી વપરાય છે અને ખરા અર્થમાં મોદી મેનીયા છવાઈ ચૂકયો છે. ૧૧મી એપ્રીલથી શરૂ થનાર ચૂંટણી માટે મોદીએ તમામ તડામાર તૈયારીઓ આ પાંચ વર્ષ દરમિયાન કરી છે જેના પરિણામે આજે હર હર મોદી, ઘર ઘર મોદી અને નમો બ્રાન્ડ ધુમ મચાવી રહી છે.