પનીરના પણ બે સેમ્પલ લઈ પરીક્ષણમાં મોકલાયા: સાંઈ સોના સીંગ બ્રાન્ડ રોસ્ટેડ ચણાનો નમુનો મીસ બ્રાન્ડ જાહેર
બારમાસી મસાલા ભરવાની સીઝન હાલ ચાલી રહી છે ત્યારે અમુક લેભાગુ વેપારીઓ દ્વારા સસ્તા અને ભેળસેળયુકત મસાલા વહેંચવામાં આવતી હોવાની ફરિયાદ મળતાં કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા અલગ-અલગ મસાલા માર્કેટમાંથી ૧૩ નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. સાંઈ સોના સીંગ બ્રાન્ડ લોસ્ટેડ ચણાનો નમુનો મીસ બ્રાન્ડ જાહેર થતા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, રૈયા રોડ પર ઉમિયાજી મસાલા માર્કેટમાં રઘુવીર મરચામાંથી રેશમ પટ્ટો લુઝ મરચું, મારૂતી મસાલા ભંડારમાંથી લુઝ હળદર અને સંત સંયુકત બાંધાની હિંગ, જલારામ મરચા ભંડારમાંથી રેશમ પટ્ટો મરચા પાઉડર, કુવાડવા રોડ પર નવરંગ ફલોર મીલમાંથી કાશ્મીરી મરચું, ૧૫૦ ફુટ રીંગ રોડ પર શ્રી ખોડિયાર મસાલા માર્કેટમાંથી સુવાદાણા લુઝ, શ્રી યમુનાજી મસાલામાંથી લુઝ સુઢ, રેલનગરમાં એકતા મસાલા માર્કેટમાંથી લુઝ જીરુંનો નમુનો લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત સાધુ વાસવાણી રોડ ઉપર ન્યુ અંબિકા પાર્કમાં નવજીવન ડેરી ફ્રેશ માંથી લુઝ પનીર અને ગોવિંદબાગ શાકમાર્કેટ સામે શ્રીરામ ડેરી ફાર્મમાંથી પણ લુઝ પનીરનો નમુનો લઈ પરીક્ષણમાં મોકલવામાં આવ્યો છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ગત ૬ માર્ચના રોજ લાતી પ્લોટમાં જયેશભાઈ ચતુરમલ ખત્રીને ત્યાંથી સાંઈ સોના સીંગ બ્રાન્ડ લોસ્ટેડ ચણાનો નમુનો લેવામાં આવ્યો હતો જે ફુડ એટાલીસ્ટના અભિપ્રાયમાં મીસ બ્રાન્ડ જાહેર થયો છે.