હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત
દાદરાનગર હવેલીના ભારતીય જનતા પાર્ટી તરફથી સાંસદ નટુભાઈ પટેલે લોકસભા-૨૦૧૯ની ચુંટણી માટે આજે પોતાનું નામાંકન દાખલ કર્યું હતું. સવારથી જ સંસદ કાર્યાલયની સામે લોકોની ભીડ ચાલુ થઈ ગઈ હતી. સાંસદ કાર્યાલયની સામે જ મંચ બનાવવામાં આવ્યો હતો. સાંસદ કાર્યાલયમાં ઘણા ભાજપના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, બધા સમાજના અગ્રણીઓ, મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ દરમ્યાન જનતા દળ યુનાઈટેડના પ્રદેશ અધ્યક્ષ ધર્મેશસિંહ ચૌહાણ પોતાના દળની સાથે સાંસદ નટુભાઈ પટેલને પુષ્પગુચ્છ દઈને સ્વાગતની સાથે તેઓએ સાંસદ નટુભાઈ પટેલને આ લોકસભાની ચુંટણીમાં સમર્થન કરવાનું એલાન કર્યું હતું. નટુભાઈ પટેલ લગભગ ૧૨ વાગ્યે પોતાના અન્ય પદાધિકારી સાથે સાંસદ કાર્યાલયની સામેના મંચ પર પહોંચ્યા હતા જયાં બધા પંચાયતોના ચુંટાયેલા પ્રતિનિધિ, સેલવાસ નગરપાલિકાના પ્રતિનિધિ, સમાજના અગ્રણીઓ, વ્યાપારી સંઘના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઘણા વકતાઓના સંબોધન બાદ સાંસદે પોતાના સંબોધનમાં કહ્યું કે, ૨૦૦૯ બાદ જે વિકાસની સાથે જ દાદરાનગર હવેલીમાં શાંતી અને સુખરૂપ વાતાવરણ બનેલું છે બધા પ્રજા આનંદ અને સુખ-શાંતીથી જીવી રહી છે, બધા વેપારીઓ કોઈપણ જાતના ડર વગર પોતાનો વેપાર કરી રહ્યા છે. કેન્દ્રમાં મોદી સરકાર અને પ્રદેશમાં જે વિકાસના કાર્યો કર્યા છે એ મુદાઓને લઈને લોકોની વચ્ચે જઈને અમે ચુંટણી લડીશું. મોદીને કારણે આજે ભારત પાકિસ્તાન અને ચાઈનાને મુહતોડ જવાબ આપી રહ્યું છે.
વિપક્ષ પર વાર કરતા તેઓએ કહ્યું હતું કે, જે ઉમેદવારોને બધી પાર્ટીઓને ટીકીટ દેવાની મનાઈ કરી દીધી છે. તેઓના હાલ ન ઘરના કે ન ઘાટના જેવા થઈ ગયા છે. તેઓ ફકત લોકોને ગુમરાહ કરવાની જ કોશીશ કરી રહ્યા છે પરંતુ લોકો બધુ જાણે છે કે કોઈના પણ બહકાવામાં આવ્યા વગર તે ફકત મોદી સરકારને જ ચુંટશે. નટુભાઈ પટેલે સાંસદ કાર્યાલયની સામેથી રેલી કાઢીને કિલવની નાકાથી થઈને કલેકટર કાર્યાલય પહોંચીને નિર્વાચન અધિકારી ગોપીનાથન કન્નનને પોતાનું ઉમેદવારપત્ર સોંપ્યુ હતું.
બધી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બધા કાર્યકર્તાઓ, લોકો તેમજ પદાધિકારીઓએ સાંસદને મળીને જીત માટેની શુભકામનાઓ પાઠવી અને ચુંટણીમાં ભારે મતથી જીતવાનો વિશ્ર્વાસ આપ્યો. આ અવસરે સાંસદ નટુભાઈની સાથે રઘુનાથ કુલકર્ણી, હસમુખ ભંડારી, વિવેક ઢાડકર સહિતના અગ્રણીઓ અને હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.