લોકસભાની ચૂંટણી લડવા ૧૧૭ ઉમેદવારી ફોર્મ ઉપડયા: આજે અંતિમ દિને ૬ ઉમેદવારોએ કરાવ્યું નામાંકન: સોમવારે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ
રાજકોટ લોકસભા બેઠક પર ચૂંટણી લડવા માટે ફોર્મ ઉપાડવામાં લોકોનો ભારે ધસારો રહ્યો હતો. કુલ ૧૧૭ ઉમેદવારી ફોર્મ ઉપડયા હતા જેમાંથી આજે બપોર સુધીમાં માત્ર ૨૩ જ ફોર્મ ભરાયા છે. આજે અંતિમ દિને ૬ ઉમેદવારોએ નામાંકન કરાવ્યું હતું. આગામી સોમવારે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જવાનું છે.
રાજકોટ લોકસભા બેઠક માટે ગત તા.૨૮મીથી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. જેનો આજે અંતિમ દિવસ હતો. લોકસભા બેઠક પર ચૂંટણી લડવા ઈચ્છતા ૭૨ લોકોએ ૧૧૭ ફોર્મ ઉપાડયા હતા. પરંતુ આમાંથી મોટાભાગના લોકોએ ઉમેદવારી ફોર્મ નોંધાવ્યું જ ન હોવાનું સામે આવ્યું છે. આજે બપોર સુધીમાં કુલ ૨૩ ઉમેદવારી ફોર્મ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ થયા છે. જેમાં આજરોજ અંતિમ દિને ૬ ઉમેદવારી ફોર્મ રજૂ થયા હતા.
ભાજપના મોહન કુંડારીયાએ ૩ ફોર્મ તેમના ડમી બાવનજી મેતલીયાએ ૨ ફોર્મ, કોંગ્રેસના લલીત કગથરાએ ૪ ફોર્મ, તેમના ડમી અશોક ડાંગરે ૪ ફોર્મ ઉપરાંત બસપાના અર્જૂન ચૌહાણ, પ્રવિણ મેઘજી દેગડા તેમજ અપક્ષ ઉમેદવારો શેઠીયા ડાયાભાઈ, વાઘેલા વિનોદભાઈ, અમરદાસ દેસાણી, જયપાલસિંહ તોમર, વિજય પરમાર, નાથાભાઈ પિત્રોડા, રૈમાલી રાણાએ રાજકોટ લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવી છે.
રાજકોટ લોકસભા બેઠકમાં હાલ ૧૪ ઉમેદવારોએ ૨૩ ફોર્મ ભર્યા છે. આગામી તા.૮ને સોમવારના રોજ ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. જયારે ઉમેદવારી પત્રની ચકાસણી આવતીકાલે તા.૫ના રોજ કરવામાં આવનાર છે. તા.૮ને સોમવારના રોજ રાજકોટ લોકસભા બેઠક પર કેટલા ઉમેદવારો મેદાને ઉતરશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જવાનું છે.
ત્યારબાદ રાજકોટ લોકસભા બેઠક માટે તા.૨૩ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. બાદમાં મત ગણતરી તા.૨૫મી મેના રોજ હાથ ધરવામાં આવશે.
જિલ્લાના ૬૮૦ સર્વિસ વોટર પોસ્ટલ બેલેટથી કરશે મતદાન
નવી મતદારયાદી લોક: ચૂંટણી ફરજમાં રોકાયેલા ૧૨,૧૭૯ કર્મચારીઓને મતદાન માટે ઈલેકશન કયુટી સર્ટિફીકેટ આપવાની કાર્યવાહી: મહિલા સ્ટાફને સ્થાનિક કક્ષાએ ફરજ સોંપાશે
રાજકોટ જિલ્લામાં ૬૮૦ સર્વિસ વોટર નોંધાયા છે. આ સર્વિસ વોટર લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠક પર પોસ્ટલ બેલેટ વડે મતદાન કરવાના છે. જે માટે ચૂંટણીતંત્ર દ્વારા હાલ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. વધુમાં આજે ચૂંટણીતંત્રએ નવી મતદાન યાદી લોક કરી દીધી છે ઉપરાંત ચૂંટણી ફરજમાં રોકાયેલા ૧૨,૧૭૯ કર્મચારીઓને મતદાન માટે ઈલેકશન ડયુટી સર્ટીફીકેટ આપવાની કાર્યવાહી આગામી દિવસોમાં શરૂ કરી દેવામાં આવનાર છે.
સેનામાં ફરજ બજાવતા જવાનો મતદાન કરવા અર્થે પોતાના વતન પરત ફરી શકતા ન હોય તેઓના માટે ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. સેનામાં ફરજ બજાવતા હોય અને હાલ વતનમાં ન હોય તેવા રાજકોટ જિલ્લામાં કુલ ૬૮૦ સર્વિસ વોટર નોંધાયા છે. આ સર્વિસ વોટર માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરાઈ છે. ઉમેદવારોની ફાઈનલ યાદી તૈયાર થઈ ગયા બાદ ચૂંટણી તંત્ર સર્વિસ વોટરોને અહીંથી પોસ્ટલ બેલેટ મોકલશે બાદમાં સર્વિસ વોટર ત્યાંથી મતદાન કરશે.
ઉપરાંત ચૂંટણીતંત્ર દ્વારા આજે સવારે ૧૧:૩૦ કલાકે મતદાર યાદી લોક કરી દેવામાં આવી છે. આ સાથે જિલ્લામાં ચૂંટણી ફરજમાં રોકાયેલા ૧૨૧૭૯ કર્મચારીઓને આગામી દિવસોમાં ઈલેકશન ડયુટી સર્ટીફીકેટ આપવામાં આવનાર છે. વધુમાં ચૂંટણી ફરજમાં રોકાયેલા સ્ટાફમાંથી ૩૦ ટકા સ્ટાફ મહિલા છે. તેઓને લોકલ લેવલે ફરજ સોંપવામાં આવનાર છે. તંત્ર દ્વારા ચૂંટણીની કામગીરી માટે એસ.ટી.વિભાગ પાસેથી ૩૦૦ બસ ભાડે લેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.