ગત વર્ષ કરતા આવક વધી ખર્ચ ઘટયો પણ ખોટનો ખાડો ન બુરાયો: આંકડા જાહેર કરતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની
રાજકોટ રાજપથ લિ. અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં “નહીં નફો”નાં ધોરણે ચલાવવામાં આવી રહેલી સિટી બસ અને બી.આર.ટી.એસ. બસ સેવાનો ઉદેશ શહેરીજનોને પરિવહનની સેવા આપવાનો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ બસ સેવા માટે રચવામાં આવેલી રાજકોટ રાજપથ લિ.નાં સંચાલનમાં છેલ્લા ત્રણ વર્ષના વાર્ષિક આવક અને ખર્ચનાં આંકડા પરથી એ સ્પષ્ટ થઇ રહયું છે કે, અસરકારક મેનેજમેન્ટનાં પરિણામ સ્વરૂપે આવકમાં ક્રમશ: વધારો થયો છે, જ્યારે ખર્ચમાં પણ ક્રમશ: ઘટાડો થઇ શક્યો છે, તેમ રાજકોટ રાજપથ લિ.નાં ચેરમેન અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
કમિશનરએ રાજકોટ રાજપથ લિ.નાં વાર્ષિક હિસાબની ઝલક બતાવતા એમ કહ્યું હતું કે, ૨૦૧૮-૨૦૧૯ નાં નાણાંકીય વર્ષ માટે મહાનગરપાલિકાના બજેટમાં રૂ. ૨૪.૬૬ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી પરંતુ રીવાઈઝ્ડ બજેટમાં આ રકમમાં ઘટાડો કરીને રૂ.૧૭.૧૭ કરોડ કરાયા હતા. વર્ષ દરમ્યાન રૂ. ૧૨,૬૦,૩૩,૨૪૯.૫૧ ની આવક થઇ હતી, જ્યારે ખર્ચની રકમ રૂ.૨૭,૧૯,૪૮,૦૩૦.૭૭ રહી હતી. અર્થાત ખાધનું પ્રમાણ રૂ.૧૪,૫૯,૧૪,૭૮૧.૨૬ રહયું હતું.
આ આંકડાની આગલા બે નાણાંકીય વર્ષની સરખામણી કરતા એ પણ જોઈ શકાય છે કે, આવકનું પ્રમાણ વધ્યું છે અને ખર્ચની રકમમાં ઘટાડો પણ કરી શકાયો છે. આગલા વરસોમાં, એટલે કે વર્ષ ૨૦૧૭-૨૦૧૮ દરમ્યાન રૂ. ૧૨,૪૩,૦૫,૨૦૧૯.૦૦ ની આવક થઇ હતી.
જ્યારે ખર્ચની રકમ રૂ.૨૮,૫૫,૫૬,૦૦૭.૮૯ અને અર્થાત ખાધનું પ્રમાણ રૂ.૧૬,૧૨,૫૦,૭૮૯.૦૦ રહેલું, અને વર્ષ ૨૦૧૬-૨૦૧૭ દરમ્યાન રૂ. ૧૧,૧૬,૯૩,૧૪૮.૦૦ ની આવક થઇ હતી, જ્યારે ખર્ચની રકમ રૂ.૨૮,૬૪,૫૪,૮૨૨.૮૯ અને અર્થાત ખાધનું પ્રમાણ રૂ.૧૭,૪૭,૬૧,૬૭૫.૦૦ રહયું હતું. માત્ર એટલું જ નહી આ બંને વર્ષ દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાનાં બજેટમાં રાજકોટ રાજપથ લિ. માટે જે નાણાંકીય જોગવાઈઓ કરવામાં આવી હતી તેમાં પણ રીવાઈઝ્ડ બજેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
જેમ કે, ૨૦૧૭-૨૦૧૮ નાં નાણાંકીય વર્ષ માટે મહાનગરપાલિકાના બજેટમાં રૂ. ૨૦.૩૧ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી પરંતુ રીવાઈઝ્ડ બજેટમાં આ રકમમાં ઘટાડો કરીને રૂ.૧૯.૧૫ કરોડ કરાયા હતા જ્યારે ૨૦૧૬-૨૦૧૭નાં નાણાંકીય વર્ષ માટે બજેટમાં રૂ. ૨૪.૭૫ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી પરંતુ રીવાઈઝ્ડ બજેટમાં આ રકમમાં ઘટાડો કરીને રૂ.૨૦.૦૦ કરોડ કરાયા હતા.