રાજકોટનાં સતત વિકાસ સાથે વાહનોની સંખ્યામાં પણ ઉતરોતર વધારો
રાજકોટ શહેરનો જેમ જેમ વિકાસ થઇ રહ્યો છે તેમ તેમ શહેરીજનોની વાહનોની ડિમાન્ડમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. એક અંદાજ મુજબ હાલમાં રાજકોટમાં માથાદીઠ એક વાહન તો કમસેકમ છે.ચાલુ વર્ષે કહેવાતી મંદી વચ્ચે પણ છેલ્લા ત્રણ માસ એટલે કે જાન્યુઆરી – ફેબ્રુઆરી અને માર્ચ માસ દરમ્યાન જ રાજકોટ આર.ટી.ઓ. કચેરીનાં ચોપડે રર,૭૧૫ જેટલા ફરો વ્હીલર અને ટુ વ્હીલર નોંધાયા છે. જે ગત વર્ષ કરતા ૧૦ ટકા વધુ છે.જયારે ગત વર્ષે એટલે કે, ૨૦૧૮માં જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ દરમ્યાન ૨૦,૩૮૭ ફોર અને ટુ વ્હીલર વાહનો નોંધાયા હતા. આમ ગત વર્ષ કરતા ચાલુ વર્ષના છેલ્લા ત્રણ માસમાં જ બે હજાર થી વધુ વાહનો નોંધાયા છે.
આ ઉપરાંત ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ફેબુઆરી અને માર્ચ માસ દરમ્યાન પણ ફોર અને ટુ વ્હીલર વાહનો વધુ નોંધાયા છે.આ અંગેની રાજકોટ આર.ટી.ઓ કચેરીના સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ ગત વર્ષ ૨૦૧૮માં જાન્યુઆરી માસ દરમ્યાન રાજકોટ આર.ટી.ઓ. કચેરીમાં ૮૭૦૦ ટુ વ્હીલર અને ૧૭૪૨ ફોર વ્હીલર મળી કુલ ૧૦૪૪૨ વાહનો નોંધાયા હતા.
જયારે, ચાલુ વર્ષે જાન્યુઆરીમાં ૪૩૦૦ ટુ વ્હીલર અને ૧૩૦૦ ફોર વ્હીલર મળી કુલ ૫૬૦૦ વાહનો નોંધાયા હતા.આ ઉપરાંત ગત ફેબ્રુઆરી ૨૦૧૮ માં ૧૮૫૦ ટુ વ્હીલર અને ૧૩રપ ફોર વ્હીલર મળી ૩૧૭પ વાહનો નોંધાયો હતો.તેની સામે ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં ૬૮૫૦ ટુ વ્હીલર અને ૧૦રપ ફોર વ્હીલર મળી કુલ ૭૮૭૫ વાહનો નોંધાયા છે. આમ ગત ફેબ્રુઆરી કરતાં ચાલુ વર્ષના ફેબ્રુઆરીમાં વધુ વાહનો નોંધાયા છે.
તેમજ ગત વર્ષ ૨૦૧૮ માં માર્ચ માસ દરમ્યાન ૧૩૬૦ ફોર વ્હીલર અને ૫૪૧૦ ટુ વ્હીલર મળી કુલ ૬૭૭૦ વાહનો નોંધાયા હતા. તેની સામે ચાલુ માર્ચ દરમ્યાન ૭૬૧૯ ટુ વ્હીલર અને ૧૬૨૧ ફોર વ્હીલર મળી કુલ ૯૨૪૦ વાહનો નોંધાયા હતા. આમ ગત માર્ચ કરતાં ચાલુ માર્ચમાં પણ વાહનોની સંખ્યા વધી છે.
આ ઉપરાંત વાહનો વધવાની સાથે આર.ટી.ઓ. ને લાયસન્સ રજીસ્ટ્રેશન ફી, ટેકસ અને દંડની આ વર્ષમાં પણ સારો એવો વધારો થયો છે.આ અંગેની આર.ટી.ઓ. કચેરીનાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ ગત માં રાજકોટ આર.ટી.ઓ. કચેરીને રૂ ૧૯.૧૦ કરોડની અને ચાલુ વર્ષે રૂ ૧૭.૯ કરોડના, તથા ગત ફેબ્રુઆરીમાં રૂ ૧૬.૨૭ કરોડ અને ચાલુ વર્ષે રૂ ૧૬.૨૭ કરોડ તથા ૨૦૧૮ માર્ચ દરમ્યાન રૂ ૨૫.૩૭ કરોડ અને ચાલુ વર્ષે માર્ચ દરમ્યાન રૂ ૨૬ કરોડની લાયસન્સ, રજીસ્ટ્રેશન ફી, ટેકસ અને દંડ પેટે રાજકોટ આર.ટી.ઓ. કચેરીને આવક થવા પામી છે.