નવ દિવસ મૉની ઉપાસના કરવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો: પ૦૦ સ્વયસેવકોની ટીમ ઉત્સવ ઉજવવા કાર્યરત: સૌરાષ્ટ્રભરની હજારો મહિલાઓ ઉમટી પડશે: આઠમના દિવસે હવન, રામનવમીએ ગાયત્રી પરિવાર દ્વારા વિશેષ દિપયજ્ઞ
આગામી ૬ એપ્રિલથી ચૈત્રી નવરાત્રી શરુ થવા જઇ રહી છે. ૬ એપ્રિલથી ૧૪ એપ્રિલ સુધી ઠેર ઠેર ચૈત્રી નવરાત્રીની ઉજવણી કરવામાં આવશે. દર વર્ષે ચૈત્ર સુદ એકમથી ચૈત્ર સુદ નોમ સુધી ચૈત્રી નવરાત્રી ઉજવવામાં આવે છે. હિદુે ધર્મમાં આઘ્યાત્મિક દ્રષ્ટિએ ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ છે.
પુરાણો અનુસાર ચૈત્રી નવરાત્રી પહેલા મા દુર્ગાનું અવતરણ થયું હતું. ચૈત્રી નવરાત્રી દરમિયાન સૂર્યનું રાશિ પરિવર્તન થાય છે. માનવામાં આવે છે કે ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજી અને નવગ્રહોની પૂજા કરવાથી આખું વર્ષ ગ્રહોની સ્થિતિ અનુકુળ રહે છે.
લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાજના પ્રતિક સમાન ખોડલધામ કાગવડ ખાતે આગામી તા. ૬ થી ૧૪ એપ્રિલ દરમિયાન ખોડલધામ મહિલા સમીતી દ્વારા ચૈત્રી નવરાત્રીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ ૯ દિવસ દરમિયાન મા ખોડલના સાનિઘ્યમાં વિવિધ કાર્યક્રમો ઉપરાંત રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવેલ છે અને ૯ દિવસ દરમિયાન સૌરાષ્ટ્રભરમાંથી મહિલાઓ ભાગ લેવા માટે આવનાર હોય સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
ખોડલધામ કાગવડમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલના નેજા હેઠળ દરેક ધાર્મિક તહેવારની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરુપે ખોડલધામ મહિલા સમીતી દ્વારા ચૈત્રી નવરાત્રીની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ અંતર્ગત દરરોજ ચુંદડી સ્૫ર્ધા, રંગોળી સ્૫ર્ધા, ફુડ રંગોળી સ્પર્ધા અને ધુન કીર્તન સહીતના કાર્યક્રમો સાથે બહેનો રાસ ગરબાની પણ રમઝટ બોલાવશે. ખોડલધામના ભવ્ય મંદિર પરિસરમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના દરેક શહેર, તાલુકા અને ગામડાઓમાંથી ૯ દિવસ સુધી હજારોની સંખ્યામાં મહીલાઓ સ્વયભૂ ચૈત્રી નવરાત્રીની ઉજવણી તેમજ વિવિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમોમાં હાજરી આપવા આવનાર હોય ૯ દિવસ દરમિયાન કુલ પ૦૦ જેટલા સ્વયંસેવકોને વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે અને વિવિધ સ્વયંસેવકોની ટીમ સવારે અને બપોર બાદ એમ બે સેશનમાં સેવા આપશે. સ્વયંસેવકો અને કાર્યક્રમમાં ભાગ લેવા આવનાર મહિલાઓ માટે ખોડલધામ મંદિર પરિસરમાં જ પ્રસાદ તેમજ ફરાળ સહીત ની વ્યવસ્થા કરવામાં આવી છે.
કાર્યક્રમની રુપરેખા જોઇએ તો ચૈત્રી નવરાત્રીના નવ દિવસ સુધી સવારે ૯.૩૦ થી ૧ર વાગ્યા સુધી મહિલાઓ દ્વારા રંગોળી અને ફળ સુશોભન કરવામાં આવશે. ૨.૩૦ થી ૫.૩૦ વાગ્યા સુધી મહિલાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવશે. ત્યારબાદ ૬.૩૦ થી ૭ વાગ્યા સુધી મંદીર પરિસરમાં ભજન મંડળ દ્વારા કિર્તન કરવામાં આવશે બાદમાં ૭ વાગ્યે માતાજીની આરતી લઇને મહિલાઓ ખોડલધામ મંદીરથી રવાના થશે. તેમજ સવારની આરતીનો સમય ૬ વાગ્યે રાખવામાં આવ્યો છે.
આ ઉ૫રાંત આઠમના દિવસે ખોડલધામ મંદિરે હવનનું આયોજન કરાયું છે અને નોમ (રામનવમી) ના દિવસ ગાયત્રી પરિવાર દ્વારા દીપયજ્ઞ પણ રાખવામાં આવ્યો છે.
મા ખોડલના સાનિઘ્યમાં ૯ દિવસ ઉજવવામાં આવનાર આ ચૈત્રી મહોત્સવની ઉજવણી તથા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા લેઉવા પટેલ સમાજની બહેનોને ખોડલધામ મહિલા સમીતી દ્વારા અપીલ કરવામાં આવી છે. આ વિશાળ આયોજન માટે ખોડલધામ મહિલા સમીતીની બહેનો જહેમત ઉઠાવી રહી છે.