જયોતિષ અનંતપ્રસાદ સામે ત્યકતાએ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુઘ્ધની નોંધાવેલી ફરિયાદમાં હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય
શહેરના પંચશીલ સોસાયટીના રહીશ જયોતીષ અનંતપ્રસાદ ભટ્ટની ચાર્જશીટ/ ફરિયાદ રદ કરવાની અરજી નામંજુર કરી સેશન્સ કોર્ટમાં ટ્રાયલ ચલાવવાનો માર્ગ મોકળો કર્યો છે.
રાજકોટ શહેરની વતની પીડીતાએ શહેરની પંચશીલ સોસાયટીના રહેતા સુપ્રસિઘ્ધ જયોતીષાચાર્ય અનંતપ્રસાદ ભટ્ટ વિરુઘ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવેલી હતી. બાદ ચાલુ તપાસ દરમ્યાન આ ફરિયાદમાં સૃષ્ટિ વિરુઘ્ધના દુષ્કર્મની કલમનો ઉમેરો પણ કરવામાં આવેલ હતો. આ કેસમાં પીડીતાએ ચાલુ તપાસ દરમ્યાન પી.આઈ.વાઢીયા એક તરફી તપાસ ચલાવતા હોવાનો આક્ષેપ પીટીશન કરી હતી.
હાઈકોર્ટે પી.આઈ.વાઢીયા પાસેથી તપાસ લઈ ડી.સી.પી.કરણરાજ વાઘેલાને તપાસ સોંપાઈ હતી. તેમજ પીડીતાને રાજય સરકારના ખર્ચે પોલીસ પ્રોટેકશન આપવાનો હુકમ હાઈકોર્ટે કરેલો હતો. બાદ સમગ્ર તપાસ પૂર્ણ કરી પોલીસ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. જયોતીષ અનંત પ્રસાદ ભટ્ટે પણ પીડીતા વિરુઘ્ધ રૂ.૧ કરોડની ખંડણી માગ્યા અંગેની ફરિયાદ પણ રેકોડીંગના આધારે મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી હતી.
ફાઈલ થયા બાદ આરોપી અનંતપ્રસાદ ભટ્ટે પોતાના વિરુઘ્ધ થયેલી ચાર્જશીટ રદ કરવા કવોસીંગ પીટીશન ફાઈલ કરેલી જે ફાઈલ થતા હાઈકોર્ટે પીટીશનનો નીકાલ ન આવે ત્યાં સુધી ટ્રાયલ કોર્ટમાં કેસ આગળ ન ચલાવવા માટે સ્ટે આપેલો હતો. ફરિયાદીના એડવોકેટ સંજય પંડિત તથા આલોકભાઈ ઠકકર દ્વારા રજુઆતો કરવામાં આવેલી હતી કે વીડીયો સી.ડી. તથા ઓડીયો સીડીની હકિકતો કેટલે અંશે ખરી છે તે પુરાવનો વિષય છે. જયોતીષ અનંતપ્રસાદે ૯ વર્ષ સુધી રાહ જોઈ અને અગાઉ કદી પણ આ અંગે પોલીસને ફરિયાદ આપી નહીં તે બાબત જયોતીષની માનસિકતા ઉપર શંકા પ્રેરે છે. આ તમામ હકિકતોના મુળ ટ્રાયલ ચલાવ્યા વિના જાણી શકાય તેમ નથી. પોલીસ દ્વારા સમગ્ર તપાસ પૂર્ણ કરી આરોપી વિરુઘ્ધ ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરેલ છે.
આરોપીની અરજી નામંજુર કરી ટ્રાયલ આગળ ચલાવવા માર્ગનો સશકત કરવો જોઈએ. ફરિયાદપક્ષ તેમજ સરકાર પક્ષના એડવોકેટની દલીલો ધ્યાને લઈ જસ્ટીસ સોનીયાબેન ગોકાણીએ અનંત પ્રસાદ ભટ્ટની કવોસીંગ પીટીશન નામંજુર કરી હતી અને ટ્રાયલ આગળ ચલાવવા હુકમ ફરમાવેલો છે. ફરિયાદીવતી એડવોકેટ સંજય પંડિત, આલોકભાઈ ઠકકર અને સરકારપક્ષે મીથાલીબેન મહેતા રોકાયેલા હતા.