ભુજ, રાજકોટ, અમરેલી સહિતના શહેરોમાં કાળઝાળ ગરમી: ૪ દિવસ હીટવેવની આગાહી: તાપમાનનો પારો ૪૩ ડિગ્રી સુધી ઉંચકાય શકે
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં ઉનાળાના આરંભે જ આકાશમાંથી રિતસર અગ્નિવર્ષા થઈ રહી છે. આગામી ૪ દિવસ સુધી રાજયમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે. રાજકોટમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે તાપમાનનો પારો ૪૧ થી ૪૩ ડિગ્રી વચ્ચે રહે તેવી સંભાવના જણાઈ રહી છે. ભુજ, રાજકોટ, અમરેલી સહિતના શહેરોમાં કાળઝાળ ગરમીથી જનજીવન ત્રાહિમામ પોકારી ગયું છે. ચાલુ સપ્તાહે રાજયના અનેક શહેરોમાં તાપમાનનો પારો ૪૩ ડિગ્રી સુધી ઉંચકાઈ શકે છે.
ચાલુ સાલ ઉનાળાની સીઝનના આરંભે જ સુર્યનારાયણ કાળઝાળ બની આકાશમાંથી રીતસર અગ્નિવર્ષા કરી રહ્યા છે. ગઈકાલે સોમવારે પણ રાજયના અનેક શહેરોમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રી ઉપર રહેવા પામ્યો હતો. સૌરાષ્ટ્રનું સુરેન્દ્રનગર ગઈકાલે ૪૨.૩ ડિગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર બની રહ્યું હતું. આજે રાજકોટમાં યેલો એલર્ટ આપવામાં આવ્યો છે એટલે કે તાપમાનનો પારો ૪૧ થી ૪૩ ડિગ્રી વચ્ચે રહેશે. બપોરના સમયે ૧ થી ૫ દરમિયાન લોકોને કામ સિવાય ઘરની બહાર ન નિકળવા પણ તાકીદ કરવામાં આવી છે. સનસ્ટ્રોકથી બચવા પુરતા પ્રમાણમાં પાણી પીવાની પણ અપીલ કરવામાં આવી છે. આગામી ૪ દિવસ સુધી રાજયમાં સિવિયર હીટવેવની સંભાવના વ્યકત કરાઈ છે એટલે કે તાપમાનનો પારો ૪૩ ડિગ્રી સુધી ઉંચકાય શકે છે.
ગઈકાલે ભુજનું તાપમાન ૪૨ ડિગ્રી, કંડલાનું તાપમાન ૪૧.૮ ડિગ્રી, રાજકોટનું તાપમાન ૪૧.૭ ડિગ્રી, ડિસાનું તાપમાન ૪૧.૬ ડિગ્રી, અમદાવાદનું તાપમાન ૪૧.૩ ડિગ્રી, અમરેલીનું તાપમાન ૪૧ ડિગ્રી, ભાવનગરનું તાપમાન ૩૮.૫ ડિગ્રી, પોરબંદરનું તાપમાન ૩૫.૫ ડિગ્રી, મહુવાનું તાપમાન ૩૫.૬ ડિગ્રી અને નલીયાનું તાપમાન ૩૭ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. કાળઝાળ ગરમી સામે જાક ઝીલવામાં પંખા, વોલરકુલર અને એસી સહિતના ઉપકરણો રીતસર બેઅસર સાબિત થઈ રહ્યા છે.