આજી ડેમમાં મે માસના બીજા પખવાડિયામાં સૌની યોજના અંતર્ગત નર્મદા નીર નહીં ઠલવાય તો ઉનાળો કાઢવો કઠીન: ન્યારી ડેમમાં ૩૧ જુલાઈ સુધીનું પાણી
ઉનાળાના આરંભે જ શહેરમાં જળકટોકટીના ડરામણા ડાકલા વાગી રહ્યા છે. રાજકોટની જળજ‚રીયાત સંતોષતા મુખ્ય ત્રણ જળાશયો પૈકી ન્યારીને બાદ કરતા બે જળાશયોની સ્થિતિ ખુબ જ ચિંતાજનક છે. આજી અને ભાદર ડેમમાં મે માસ સુધી ચાલે તેટલો જ જળજથ્થો ઉપલબ્ધ છે. જો જુન માસમાં સમયસર વરસાદ નહીં પડે અને ડેમમાં પર્યાપ્ત માત્રામાં પાણીની આવક નહીં થાય તો શહેરમાં ભયંકર જળસંકટ આવશે.
૨૯ ફુટની ઉંડાઈ ધરાવતા આજીડેમ હાલ ૨૦ ફુટ સુધી ભરેલો છે જેમાં હાલ ૪૩૬ એમસીએફટી પાણી સંગ્રહિત છે. દૈનિક વિતરણ માટે રોજ ૪.૫૦ એમસીએફટી પાણી ઉપાડવામાં આવે છે. આજીડેમ ૨૦ થી ૨૫ મે સુધી ચાલે તેટલું પાણી હાલ સંગ્રહિત છે જો મે માસના બીજા પખવાડિયામાં આજીમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર નહીં ઠલવાય તો જળસંકટ ઘેરુ બનશે.
આ ઉપરાંત ભાદરની સ્થિતિ પણ ચિંતાજનક છે. ૩૪ ફુટે ઓવરફલો થતા ભાદર ડેમ હાલ ૧૧.૪૦ ફુટ જ ભરેલો છે અને ડેમમાં ૫૬૪ એમસીએફટી પાણી છે જે રાજકોટ, જેતપુર અને ગોંડલ માટે પીવા માટે અનામત રાખવામાં આવ્યું છે. સિંચાઈ વિભાગના રેકોર્ડ પર ભાદરમાં ૩૦ જુન સુધી ચાલે તેટલું પાણી છે પરંતુ કોર્પોરેશનના સુત્રોના જણાવ્યા અનુસાર ભાદર ડેમ મે માસના અંત સુધીમાં ડુકી જાય તેવું પણ લાગી રહ્યું છે.
જો રાજય સરકાર દ્વારા આજી અને ભાદર બંનેમાં નર્મદાના નીર નહીં ઠલવાય અને વરસાદ ખેંચાશે તો જુન માસમાં શહેરમાં જળકટોકટી ઘેરી બનશે. ન્યારી ડેમમાં હાલ પર્યાપ્ત જળજથ્થો ઉપલબ્ધ છે. ૨૫ ફુટની ઉંડાઈ ધરાવતા ન્યારી હાલ ૧૫ ફુટ ભરેલો છે અને ૪૫૩ એમસીએફટી જળજથ્થો ઉપલબ્ધ છે જે રાજકોટને ૩૧મી જુલાઈ સુધી ચાલે તેમ છે. આ ઉપરાંત ડેમમાં હાલ સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠલવાય રહ્યા છે.