મહાપાલિકાના ૪૬ વર્ષના ઈતિહાસમાં મિલકત વેરા પેટે સૌથી વધુ વસુલાત
નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯થી મહાપાલિકા દ્વારા મિલકત વેરાની આકારણીમાં કાર્પેટ એરિયા આધારીત વેરા પઘ્ધતિની અમલવારી કરવામાં આવી હતી. સામાન્ય રીતે નવા કરમાળખા બાદ વેરાની આવકમાં ઘટાડો નોંધાતો હોય છે. શહેરમાં ૮૦ થી ૮૫ ટકા મિલકતના વેરા ઘટયા હોવા છતાં ચાલુ સાલ મહાપાલિકાને ૪૬ વર્ષના ઈતિહાસમાં રેકોર્ડબ્રેક રૂ.૨૪૮.૧૬ કરોડની આવક થવા પામી છે. ૩૦૧૩૧૩ કરદાતાઓએ વેરો ભરપાઈ કર્યો છે.
કાર્પેટ એરિયાની અમલવારી બાદ પ્રથમ બે મહિનામાં જ ૧૮ હજાર જેટલી વાંધા અરજીઓ આવી હતી જેનો ૧૫ દિવસમાં નિકાલ કરી દેવામાં આવ્યો હતો. જયારે ૧.૨૫ લાખ મિલકતો સર્વે દરમિયાન જુના ઘર નંબર સાથે લીંક થઈ ન હતી જેમાં હાલ ૮૦ હજાર મિલકતો લીંક કરી દેવામાં આવી હતી. માપણી વગરની ૨૫૦૦૦ મિલકતો પૈકી ૧૬૦૦૦ મિલકતોની ફરીથી માપણી કરવામાં આવી છે.
વર્ષ દરમ્યાન ૫૭૦૦૦ મિલકતોના રીએસેસમેન્ટ કરવામાં આવ્યા છે અને ૧૮૮૦ મિલકતોને નામ ટ્રાન્સફર કરાયા છે. મહાપાલિકાના ઈતિહાસમાં ૧ વર્ષમાં સૌથી વધુ ૩૦૧૩૧૩ કરદાતાઓએ વેરો ભરપાઈ કર્યો હતો. વર્ષમાં ૧૨૫૦ મિલકતો સીલ કરાઈ હતી જે પણ એક રેકોર્ડ છે. ૨૫ બાકીદારોના નળજોડાણ કાપવામાં આવ્યા હતા અને ૭ મિલકતોની જાહેર હરાજી કરવામાં આવી હતી.